ઘાટકોપરમાં કેબલ-મેકૅનિક બનીને આવેલો યુવાન મહિલાના ૬૫,૦૦૦ રૂપિયાના સોનાના દાગીના લૂંટી ગયો

ઘાટકોપર (ઈસ્ટ)ના રેલવે-સ્ટેશન પાસે આવેલા શાંતિકુંજમાં મંગળવારે સવારના ૧૧.૩૦ વાગ્યે એક યુવાન કેબલ-મેકૅનિક બનીને આવ્યો હતો.


ghatkopar


રોહિત પરીખ

તમને શૉક ન લાગે એટલે તમારા હાથની સોનાની બંગડીઓ અને વીંટી ઉતારી નાખો એમ કહીને તેણે સિનિયર સિટિઝન મહિલા વસુમતી શાહે પહેરેલી સોનાની બંગડીઓ અને વીંટી ઉતરાવી નાખી હતી. ત્યાર બાદ તે મહિલાને બેધ્યાન કરીને આ યુવાન ૬૫,૦૦૦ રૂપિયાનાં સોનાનાં ઘરેણાં લૂંટીને પલાયન થઈ ગયો હતો. આ બનાવથી આ વિસ્તારમાં ઊહાપોહ મચી ગયો છે. આ બાબતની ફરિયાદ પંતનગર પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી છે.

આખી ઘટના કેવી રીતે બની એ વિશેની માહિતી આપતાં વસુમતીબહેનના મોટા પુત્ર ભાવિન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સવારે ૧૧.૩૦ વાગ્યે મારા ઘરે રાજેશ કેબલમાંથી આવું છું એમ કહીને ૪૦થી ૪૨ વર્ષનો, છ ફુટ લાંબો, લાંબા વાળવાળો, હિન્દી ભાષા બોલતો, લાલ રંગનું શર્ટ અને કાળું પૅન્ટ પહેરેલો એક યુવાન આવ્યો હતો. એ સમયે મારાં મમ્મી-પપ્પા એકલાં જ ઘરમાં હતા. તેણે કેબલની લાઇન ચેક કરવા આવ્યો છું એમ મારા ૭૦ વર્ષના નિવૃત્ત પપ્પા વિનોદ શાહ અને ૬૮ વર્ષનાં મમ્મી વસુમતી શાહને કહ્યું હતું. મારાં મમ્મી-પપ્પાએ વિશ્વાસ રાખીને તે યુવાનને ઘરમાં આવવા દીધો હતો. પહેલાં તેણે ટીવી ચેક કર્યું હતું. ત્યાર પછી સેટ ટૉપ બૉક્સ ચેક કરવા લીધું હતું.’

તે યુવાનની લૂંટ કરવાની ટેક્નિકની વાત કરતાં પંતનગરમાં કમ્પ્યુટર સ્ટેશનરીની દુકાન ધરાવતા ભાવિને કહ્યું હતું કે ‘ટીવી ચેક કર્યા પછી તેણે અર્થિંગનો પ્રૉબ્લેમ છે એમ જણાવ્યું હતું. પછી તે યુવાને તેને શૉક ન લાગે એટલે મારા પપ્પાના હાથમાં રિમોટ આપીને એમાંનું ગ્રીન બટન દબાવી રાખવા કહ્યું હતું અને બીજા હાથમાં સેટ ટૉપ બૉક્સનો વાયર પકડવા આપ્યો હતો. ત્યાર પછી તે મારાં મમ્મીની પાછળ-પાછળ કિચનમાં ગયો હતો. કિચનમાં આવીને તેણે પ્લગમાં લાગેલા મોબાઇલ ચાર્જિંગના વાયરને મારી મમ્મીના હાથમાં પકડાવી દીધો હતો.’

ત્યાર પછી તે યુવાને તેમના હાથમાંથી કેવી રીતે સોનાનાં ઘરેણાં કઢાવ્યાં એ બાબતની જાણકારી આપતાં વસુમતીબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તે યુવાને મારા હાથમાં વાયરની પિન પકડાવીને મને શૉક ન લાગી જાય એટલા માટે હાથમાં પહેરેલાં સોનાનાં ઘરેણાં કાઢીને બાજુમાં મૂકવા કહ્યું હતું. મેં હાથમાં પહેરેલી બે તોલાની બે સોનાની બંગડીઓ અને ત્રણ ગ્રામની વીંટી કાઢીને કિચનના કબાટના ડ્રૉઅરમાં મૂકી હતી. ત્યાર પછી તેણે ચેકિંગ કરતો હોય એવું નાટક કર્યું હતું. પછી તે યુવાન બહારની બાજુમાં કરન્ટ ચેક કરીને આવું છું કહીને ઘરની બહાર નીકળી ગયો હતો. બપોરે ૧૨.૩૦ વાગ્યે ઘરની બહાર ગયા પછી લાંબા સમય તે પાછો ફર્યો નહોતો.’

મને કંઈક અઘટિત બન્યાની શંકા ગઈ હતી એમ જણાવતાં વસુમતીબહેને કહ્યું હતું કે ‘તે યુવાન લાંબા સમય સુધી પાછો ન ફરતાં હું દોડીને મારા કિચનમાં રાખેલા દાગીના ચેક કરવા ગઈ હતી. ત્યારે મને ખબર પડી કે તે યુવાન મને લૂંટીને જતો રહ્યો છે. એટલે અમે આ બાબતની ફરિયાદ પંતનગર પોલીસમાં કરી હતી.’

શાંતિકુંજમાં જ રહેતા કચ્છી સામાજિક કાર્યકર ભરત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેબલવાળા સતત સ્લાઇડના માધ્યમથી ટીવીમાં બતાવતા હોય છે કે અમારી કંપનીના નામે કોઈ પણ તમારા ઘરે આવે તો તેનું આઇડેન્ટિટી-કાર્ડ ચેક કરવું જરૂરી છે. અત્યાર સુધીના બનાવોમાં જોવા મળ્યું છે કે લેભાગુઓ સિનિયર સિટિઝનોને જ વધુપડતા શિકાર બનાવે છે. એ પણ જ્યારે તેઓ ઘરમાં એકલા હોય. આવા લેભાગુઓથી સૌએ ચેતવાની જરૂર છે.’

રાજેશ કેબલના પાર્ટનર પરેશ ઠક્કરે આ બનાવ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ટીવીમાં અમારે ત્યાંથી નોકરી છોડી ગયેલા કર્મચારીઓના ફોટો પ્રસિદ્ધ કરીએ છીએ જેથી લોકો ગેરમાર્ગે દોરાય નહીં. અસામાજિક તત્વો કોઈના ઘરમાં ઘૂસીને ખોટાં કારસ્તાન ન કરે એટલે જ અમે ૨૪ કલાક સ્લાઇડના માધ્યમથી અમારા ઘરાકોને ચેતવણી આપીએ છીએ કે તમારા ઘરમાં પ્રૉપર આઇડેન્ટિટી-કાર્ડ ચેક કર્યા પછી જ કોઈને પ્રવેશ આપો જેથી આવા બનાવો બને નહીં. આવા બનાવો બને અને અમને ખબર પડે ત્યારે અમને પણ ખૂબ જ દુખ થાય છે.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK