ઘાટકોપરની જર્જરિત ઇમારત આજે BMC જમીનદોસ્ત કરશે

રહેવાસીઓમાં જબરદસ્ત આક્રોશ છતાં BMCની શરત સામે ઝૂકી ગયા


ghatkopar


રોહિત પરીખ


ઘાટકોપર (ઈસ્ટ)ના પટેલ ચોકમાં આવેલું દામજી સદન જર્જરિત થઈ જતાં BMCએ આ ઇમારતને આજે જમીનદોસ્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ પહેલાં બુધવારે મોડી રાતે અને ગઈ કાલે સાંજે BMCએ આ ઇમારતના જોખમી ભાગને તોડી પાડ્યો હતો. જોકે રહેવાસીઓને અને દુકાનદારોને ઇમારતને જમીનદોસ્ત કરતાં પહેલાં ફક્ત બાર કલાકનો જ સમય સામાન ફેરવવા માટે BMCએ આપ્યો હતો. એટલું જ નહીં, પોલીસે ઘર-દુકાનો ખાલી કરવા માટે ગઈ કાલે સાંજે કરેલી જબરદસ્તીને કારણે આ લોકોમાં આક્રોશ ફેલાયો હતો.

ગઈ કાલે ઇમારત ખાલી કરતાં પહેલાં આ ઇમારતમાં રહેતા રહેવાસીઓ અને દુકાનદારોના ભાડવાત-હક બની રહે એ માટે કોર્ટે ૨૦૧૪માં આપેલા આદેશ પ્રમાણે BMCએ બધી જ જગ્યાઓને માપીને રહેવાસીઓને અને દુકાનદારોને વ્યક્તિગત જગ્યાનાં સર્ટિફિકેટ આપ્યાં હતાં. એને કારણે અસરગ્રસ્ત લોકોને બેઘર બન્યાનું દુખ જરૂર હતું, પરંતુ સાથે તેમના ભાડવાત-હક ટકી રહેશે એ બાબતનો માનસિક સંતોષ પણ હતો.

બુધવારે સાંજે છ વાગ્યે અચાનક દામજી સદનને જર્જરિત ઇમારત જાહેર કરવામાં આવતાં રહેવાસીઓ અને દુકાનદારો ફફડી ગયા હતા. BMCએ એની જાહેરાત કરતાંની સાથે જ બધી જગ્યાઓ ખાલી કરવાની તાકીદ કરી હતી. ત્યાર બાદ રહેવાસીઓના હંગામા વચ્ચે BMCએ બુધવારે રાતે બાર વાગ્યા પછી ઇમારતના જોખમી ભાગને પાડી નાખ્યો હતો. એની સાથે ઇમારતની પાણીની અને ઇલેક્ટ્રિકની લાઇનો કાપી નાખવામાં આવી હતી. ત્યાં સુધી રહેવાસીઓને ફક્ત ઇમારતની બાલ્કનીઓ તોડી નાખવામાં આવશે એવો નિર્દેશ BMC તરફથી આપવામાં આવ્યો હતો.


મોડી રાતે BMCએ રહેવાસીઓના વિરોધ વચ્ચે જોખમી ભાગ તોડવાની શરૂઆત કરતાંની સાથે જ રહેવાસીઓની આંખો ભીની થઈ ગઈ હતી તેમ જ તેમનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. રહેવાસીઓ BMC અને પોલીસની સામે આવી ગયા હતા, પરંતુ BMCના નિર્ણયની સામે આખરે ઝૂકી ગયા હતા. આ વિશેની માહિતી આપતાં આ રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે મોડી રાતે ઇમારતનો જોખમી ભાગ તોડવાનો અમે વિરોધ કર્યો હતો, પરંતુ BMCના અધિકારીઓએ અમારી સામે શરત મૂકી કે તમે એવું લખીને આપો કે તમારી જોખમી ઇમારત અચાનક પડી જાય અને કોઈ રાહદારીઓનું એમાં મોત થાય તો એને જવાબદાર તમે રહેશો. આ લખાણને કોર્ટમાંથી મંજૂર કરીને લઈ આવો તો અમે તમારી ઇમારત એટલે કે દામજી સદનને તોડીશું નહીં. BMCની આ શરત અમને માન્ય નહોતી એટલે અમારે નાછૂટકે તેમની સામે ઝૂકી જવું પડ્યું.’

ગઈ કાલે સવારથી BMCએ ઇમારતને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરતાં પહેલાં રહેવાસીઓ અને દુકાનદારોને તેમનો બધો સામાન દુકાનો અને ઘરમાંથી ખાલી કરવાની પરવાનગી આપી હતી. આ બાબતની જાણકારી આપતાં સ્થાનિક રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા માટે દરેક પળ માનસિક તાણ હેઠળ પસાર થઈ હતી. સરકાર કે BMC તરફથી પુનર્વસનની કોઈ વ્યવસ્થા ન હોવાથી અમારે ભાડાની જગ્યાઓ ગોતવા નીકળવું પડ્યું હતું. અમારા કટોકટીના સમયને કારણે માર્કેટમાં ભાડામાં જબરદસ્ત વધારો આવ્યો હતો. અમારામાંથી કોઈની આર્થિક પરિસ્થિતિ એવી નહોતી કે અમે મોટા ભાડાની જગ્યાઓમાં જઈ શકીએ. અમારી આ પરિસ્થિતિ જાણ્યા પછી ઘાટકોપર (ઈસ્ટ)ના BJPના વિધાનસભ્ય અને રાજ્યના હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાએ ટૂંક સમય માટે નજીકની BMCની સ્કૂલમાં રહેવા માટે વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે. જોકે અમારામાંથી બધા જ રહેવાસીઓ ભાડાની જગ્યાઓ લઈને રહેવા ગયા છે.’


અમે બુધવારે BMCએ જાહેરાત કર્યા બાદ તરત જ ઇમારત ખાલી કરીને આપી હતી એમ જણાવતાં આ રહેવાસીઓએ કહ્યું હતું કે ‘અમારા પૂરતા સહકાર છતાં ગઈ કાલે સાંજે પોલીસ તરફથી અમે ઘર અને દુકાનો ખાલી કરતા હતા ત્યારે ભારે દબાણ આવ્યું હતું. એનાથી અમને દાઝ્યા પર કોઈ ડામ આપતું હોય એવી પ્રતીતિ થઈ હતી. અમારા બિલ્ડિંગમાં કોઈ કોમી રમખાણ થયું હોય એવી રીતે પોલીસો આવી ગઈ હતી. એ જ સમયે અમને ખબર પડી કે BMC રાતોરાત અમારી ઇમારત જમીનદોસ્ત કરવાની છે.’

આ વાતનો થોડો અણસાર અમને પ્રકાશ મહેતાએ ગઈ કાલે બપોરે આપ્યો હતો એમ જણાવીને રહેવાસીઓએ કહ્યું હતું કે ‘મુંબઈમાં અત્યારે C-વન અને C-ટૂ કૅટેગરીમાં આવતી બધી જ ઇમારતોને ખાલી કરાવીને ડિમોલિશ કરવામાં આવશે. આ ઇમારત પ્રાઇવેટ હોય કે કોઈ ટ્રસ્ટની, મ્હાડાની હોય કે BMCની; કોઈ પણ ઇમારતને બાકાત રાખવામાં નહીં આવે. તમારી ઇમારતને પણ જમીનદોસ્ત કરવામાં આવશે.’

આ દરમ્યાન પંતનગર પોલીસે દામજી સદનના અત્યારના માલિક હેમંત પરીખની ધરપકડ કરીને તેમને જામીન પર છોડી મૂક્યા હતા. આ સંદર્ભમાં પંતનગર પોલીસના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે રાતે હેમંત પરીખ સ્ટ્રક્ચરલ રિપોર્ટ લેવા જતો હતો ત્યારે જ તેની બેદરકારીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. હેમંત પરીખને BMCએ દામજી સદન જોખમી છે એવી નોટિસ મોકલી હતી. આમ છતાં હેમંત પરીખે આ બાબતની જાણ રહેવાસીઓને કરી નહોતી એવી BMCની ફરિયાદના આધારે અમે હેમંત પરીખની ધરપકડ કરી હતી. ગઈ કાલે બપોરે તેને જામીન પણ છોડી મૂક્વામાં આવ્યો હતો.’

હેમંત પરીખ પહેલાં દામજી સદનના માલિક શાંતિભાઈ દામજી મહેતા હતા. તેમણે નવ વર્ષ પહેલાં દામજી સદન હેમંત પરીખને વેચી દીધું હતું.


પંતનગર પોલીસે હેમંત પરીખને ગઈ કાલે બપોરે છોડતાં જ ટિળકનગર પોલીસે હેમંત પરીખની ધરપકડ કરી હતી. આ બાબતમાં ટિળકનગર પોલીસ-સ્ટેશનના એક પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હેમંત પરીખ સામે ચીટિંગની બે-ત્રણ ફરિયાદો છે, પરંતુ અમે જ્યારે તેને પોલીસ-સ્ટેશનમાં બોલાવતા હતા ત્યારે તે મળવા આવવાનું ટાળતો હતો. બુધવારે અમને પંતનગર પોલીસે તેની ધરપકડ કરી એવા સમાચાર મળતાં જ અમે પંતનગર પોલીસના સંપર્કમાં હતા. ગઈ કાલે જેવો તેને જામીન પર છોડવામાં આવ્યો એટલે અમારી ટીમે તેની ત્યાંથી ધરપકડ કરી લીધી હતી. અત્યારે તેના પર ૪૨૦નો ગુનો દાખલ કર્યો છે.’

ઘાટકોપરમાં જોખમી ઇમારતો

ઘાટકોપર BMCના જે વૉર્ડ હેઠળ આવે છે એ ફ્ વૉર્ડમાં અત્યાર સુધીમાં ૯૩ જર્જરિત ઇમારતો હતી એવી માહિતી આપતાં BMCના બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એમાંથી અમે ૪૧ ઇમારતો તોડી નાખી છે. હજી અમે બાવન ઇમારતો તોડવાના છીએ’.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK