રાજનેતાઓ, BMCના અધિકારીઓ અને માફિયાઓની સાઠગાંઠથી ચાલે છે ઘાટકોપરમાં જમીનકૌભાંડ

એક સોસાયટીની ઓપન સ્પેસ હડપવા કમ્પાઉન્ડ વૉલ પર એક બિલ્ડરે બેધડક ફેરવ્યું બુલડોઝર

BMC

રોહિત પરીખ

ઘાટકોપરમાં ખુલ્લી પડેલી સરકારી જમીનો અને પબ્લિક ગાર્ડનની જગ્યાઓને પચાવી પડવાનું એક મોટું ષડ્યંત્ર ઘણાં વર્ષોથી રાજનેતાઓ, BMCના અધિકારીઓ અને જમીનમાફિયાઓની સાઠગાંઠથી ચાલી રહ્યું છે અને એનો સૌથી તાજો દાખલો ગઈ કાલે મળ્યો હતો. ગુરુવારે આવું એક ષડ્યંત્ર રોકવામાં રહેવાસીઓ સફળ થયા હતા, પરંતુ ગઈ કાલે કલેક્ટરની માલિકીની જમીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

ઘાટકોપર (વેસ્ટ)ના LBS માર્ગ પર આવેલા દામોદર પાર્કની આકાશદીપ સોસાયટીની હજારો સ્ક્વેર ફીટની ઓપન સ્પેસ કબજો કરવાના બદઇરાદાથી ગુરુવારે સવારે એક બિલ્ડરે કોઈ પણ જાતના BMCના ઑર્ડર વગર ઓપન સ્પેસની સેફ્ટી-વૉલને તોડી પાડી હતી. એ પહેલાં આકાશદીપ સોસાયટીના રહેવાસીઓને ૩૧ ડિસેમ્બરે રાતે ધમકી પણ આપવામાં આવી હતી. આમ છતાં પોતાની સોસાયટીની ઓપન સ્પેસ અને સેફ્ટી-વૉલને બચાવવા માટે આકાશદીપ સોસાયટીમાં રહેતા એક સિનિયર સિટિઝન બુલડોઝરની સામે આવી ગયા હતા. આમ છતાં બુલડોઝરના ડ્રાઇવરે બુલડોઝર રોક્યું નહોતું. આખરે એક પોલીસ-અધિકારીએ મધ્યસ્થી કરતાં બુલડોઝર અટક્યું હતું. એને લીધે ગુરુવારે આ વિસ્તારનું વાતાવરણ ગરમાયું હતું.

આ બાબતની માહિતી આપતાં અસરગ્રસ્ત સિનિયર સિટિઝન અને આકાશદીપ સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષના ચંદ્રકાંત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટી પાસે ૧૯૮૫થી ઓપન સ્પેસની સેફ્ટી-વૉલ બાંધવામાં આવી છે. ગુરુવારે સવારે સાડાઅગિયાર વાગ્યે એક બુલડોઝરે આવીને ઓપન સ્પેસની સેફ્ટી-વૉલ તોડવાની શરૂઆત કરી હતી. અમને અમારી સોસાયટીની સિક્યૉરિટી તરફથી આ સમાચાર મળતાં જ સોસાયટીના ચૅરમૅન તરીકે હું દોડીને બુલડોઝર સામે પહોંચી ગયો હતો. પોલીસની હાજરીમાં મેં બુલડોઝર રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ બુલડોઝર રોકાયું નહોતું. આ સમયે ત્યાં પોલીસ પણ હાજર હતી. એ શાંતિથી તમાશો જોઈ રહી હતી. જોકે અંતમાં એક પોલીસ-અધિકારીએ મધ્યસ્થી કરીને બુલડોઝરને રોક્યું હતું. આમ છતાં ઓપન સ્પેસને બચાવવા માટે મહિલાઓ સહિતના આકાશદીપ સોસાયટીના રહેવાસીઓ છેલ્લા ૪૮ કલાકથી ચોવીસ કલાક પહેરો ભરી રહ્યા છે.’

ચંદ્રકાંત શાહ અને અન્ય રહેવાસીઓએ ઓપન સ્પેસ સંબંધી માહિતી આપતાં કહ્યું હતું કે ‘છેલ્લાં પાંત્રીસ વર્ષ કરતાં વધુ સમયથી ઓપન સ્પેસ અમારી સોસાયટીની જ છે. એનો ઉપયોગ અમારી સોસાયટીની બાજુના સ્લમવિસ્તારનાં બાળકો અને સોસાયટીનાં બાળકો રમવા માટે ઉપયોગ કરતાં રહ્યાં છે. ત્યાર પછી ઓપન સ્પેસની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ૧૯૮૫માં દામોદર પાર્કના સર્જક સી. ડી. શાહે આ સ્પેસની આસપાસ સેફ્ટી-વૉલ બાંધી દીધી હતી. એને કારણે અમારી સોસાયટીના સભ્યો એમાં કાર પાર્ક કરે છે અને બાળકો રમવા માટે એનો ઉપયોગ કરે છે. દસ વર્ષ પહેલાં અમારી બાજુમાં લ્ય્ખ્ પ્રોજેક્ટ શરૂ થયો હતો. એ સમયથી જ પ્રોજેક્ટના ડેવલપર અને બિલ્ડરની બદનજર અમારી ઓપન સ્પેસ પર હતી, પણ અમારી જાગરૂકતાને લીધે તેણે જમીન પણ કબજો કરવાની કોશિશ કરી નહોતી. ૩૧ ડિસેમ્બરે અમને આ બાબતને લઈને પહેલી ધમકી મળી હતી. એની સામે અમે વિક્રોલી પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ તેમના તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી એટલે અમારી સોસાયટીના રહેવાસીઓ એ દિવસે ઓપન સ્પેસની સુરક્ષા માટે રાતભર જાગ્યા હતા.’

અમને જમીન હડપવાની બિલ્ડરની કોશિશની ગંધ આવી જતાં અમે પોલીસ, BMC અને મંત્રાલયમાં આ બાબતની ફરિયાદ કરી છે એમ જણાવતાં આકાશદીપ સોસાયટીના રહેવાસીઓએ કહ્યું હતું કે ‘ગઈ કાલ સુધી અમને બિલ્ડર તરફથી ધમકી મળી રહી હોવાથી અત્યારે અમારી સોસાયટીને વિક્રોલી પાર્કસાઇટ પોલીસ તરફથી સુરક્ષા આપવામાં આવી છે. જમીનકૌભાંડની પોલીસ ઊંડી તપાસ પણ કરી રહી છે.’

ગઈ કાલે બીજું એક કૌભાંડ

આકાશદીપ સોસાયટીના બનાવનું શું પરિણામ આવશે એ તો સમય જ કહેશે. એ પહેલાં ગઈ કાલે સવારે ઘાટકોપર (ઈસ્ટ)ના સુધા પાર્ક વિસ્તારની પાસે આવેલા કલેક્ટરના એક પ્લૉટ પર કબજો કરવાની કાર્યવાહી ચાલી રહી હોવાની ફરિયાદ મળી હતી. આ પ્લૉટ પર ગઈ કાલે સવારે બુલડોઝરને ફરતું જોઈને કામ કરી રહેલા માણસોને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે શું કરો છો? ત્યારે આ માણસોએ લેવલિંગ કરી રહ્યા છીએ એવો જવાબ આપ્યો હતો. ત્યાર પછી ઘાટકોપરના N વૉર્ડ તરફથી આ વાતનો ઇનકાર કર્યા પછી આ માણસોએ તેઓ મ્હાડાનું કામ કરી રહ્યા છે એવો દાવો કર્યો હતો. જોકે ત્યાંથી પણ આ વાતનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

અનેક બનાવો

ઘાટકોપર (વેસ્ટ)ના અંધેરી લિન્ક રોડ પાસે છ મહિના પહેલાં રેક્રીએશન ગ્રાઉન્ડ પર કબજો કરવાની કોશિશને કૉન્ગ્રેસના ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણ છેડા અને સ્થાનિક રહેવાસીઓએ નાકામિયાબ કરી હતી. એ સમયે પણ પોલીસે જમીનમાફિયાઓને સાથ આપ્યો હતો. આખરે રાજ્યના હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાની ફરિયાદથી ચીફ મિનિસ્ટરે દેવેન્દ્ર ફડણવીસે આ બાબતની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

વિદ્યાવિહાર (ઈસ્ટ)ની ચિત્તરંજન કૉલોનીમાં એક સ્લમવાસી ચિલ્ડ્રન્સ પાર્કમાં સ્લમ બાંધીને પ્લૉટ પર દાવો કરી રહ્યો છે. એની સામે આ વિસ્તારનાં ગુજરાતી મહિલા મમતા શાહ એકલાં હાથે લડી રહ્યાં છે. મ્હાડાના રેકૉર્ડ પણ સ્લમવાસીની વિરુદ્ધમાં હોવા છતાં મમતા શાહને રાજનેતા કે પોલીસનો સહકાર મળતો નથી એવો તેમણે ‘મિડ-ડે’ સમક્ષ આક્ષેપ કર્યો છે.

ઘાટકોપર (વેસ્ટ)ના ગંગાવાડી વિસ્તારમાં પણ એક રાજકીય નેતાએ, જે અત્યારે જેલમાં છે, જમીન પચાવી પાડી છે. આ નેતાએ તો આ જગ્યા પર રાતોરાત સ્ટ્રક્ચર પણ ઊભું કરી દીધું હતું.

ઘાટકોપરના ઍડ્વોકેટ અંકિત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપર ઈસ્ટ અને વેસ્ટમાં થઈને ૧૫૦થી વધુ સરકારી જમીનો જમીનમાફિયાઓએ હડપી લીધી છે. આ બધી જમીનના કોર્ટમાં વર્ષોથી કેસ ચાલી રહ્યા છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK