અંકિતા અમર રહો, અંકિતાને ન્યાય મળવો જ જોઈએ

આવા નારાઓ સાથે ગઈ કાલે ઘાટકોપરમાં ચાર મહિનાની દીકરીની મમ્મી અંકિતા ચરલાની તેના પિયરથી સ્મશાનયાત્રા નીકળી : પોલીસે સાસુ, સસરા અને પતિની ધરપકડ કરી : બાળકીનો કબજો નાનાને સોંપાયો

ankit


રોહિત પરીખ


ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનની દીપાલય સોસાયટીમાં દિવાળીના દિવસે સવારે તેના જ ચોથા માળે આવેલા ફ્લૅટમાં પંખા પર લટકતી મળી આવેલી ૨૭ વર્ષની અંકિતા મયંક ચરલાનું ગઈ કાલે બપોરે વિદ્યાવિહારની કોહિનૂર હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. અંકિતાના મૃત્યુ બાદ તેની ડેડ-બૉડીનો કબજો તેના પંચાવન વર્ષના પિતા અમરશી રામજી ફરિયાએ લીધો હતો અને અંકિતાની સ્મશાનયાત્રા તેના પિયરના ઘરેથી નીકળી હતી. એ સમયે સ્થાનિક રહેવાસીઓએ અંકિતા અમર રહો, અંકિતાને ન્યાય મળવો જ જોઈએ એવા નારા લગાડીને તેને વિદાય આપી હતી.

ગઈ કાલે અંકિતાના મૃત્યુના સમાચાર ફેલાતાં જ ઘાટકોપરના કચ્છી અને ગુજરાતી સમાજમાં હલચલ મચી ગઈ હતી. સૌની એક જ માગણી હતી કે અંકિતાને અને તેની ચાર મહિનાની દીકરીને ન્યાય મળે. ઘાટકોપર (વેસ્ટ)ના ધીરજ ભુવનના રહેવાસીઓને અંકિતાના મૃત્યુના સમાચાર મળતાં જ આસપાસનાં બિલ્ડિંગોના રહેવાસીઓની સાથે બધા કોહિનૂર હૉસ્પિટલ પાસે એકઠા થવા લાગ્યા હતા. અંકિતાના મોટા ભાઈ હીરેન, ભાભી દિવ્યા અને પિતા અમરશી ફરિયા સહિત બધાની એક જ માગણી હતી કે અંકિતાને શારીરિક અને માનસિક ત્રાસ આપનાર વ્યક્તિઓની પોલીસ તરત જ ધરપકડ કરે.

અંકિતા ચાર મહિના તો અમારા ઘરે હતી એવી માહિતી આપતાં હીરેન ફરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંકિતાનાં પાંચ વર્ષ પહેલાં ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનમાં લગ્ન કરાવ્યા બાદ બે વાર તેને કસુવાવડ થઈ ગઈ હતી. પહેલી જુલાઈએ અંકિતાને બેબી આવી હતી. હૉસ્પિટલમાંથી અંકિતા તેની બેબી વંશી સાથે અમારા ઘરે રહેવા આવી હતી. ત્યાર પછી તેનાં સાસુ-સસરા અંકિતાને તેમના ઘરે લઈ જવા માટે તેડવા આવવા તૈયાર જ નહોતાં. તેમને દીકરી આવી એ ગમ્યું નહોતું. એટલે અંકિતાની સાસુએ પૈસાની માગણી કરી હતી. એને લીધે અમે અંકિતાના નામે એક લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટની રસીદ કઢાવી હતી. ત્યાર બાદ મયંક ૨૮ ઑક્ટોબરની સાંજે શુક્રવારે અંકિતાને ઘરે લઈ ગયો હતો. બીજા દિવસે કાળી ચૌદસ હતી અને દિવાળીના દિવસે સવારે અમને અંકિતા બીમાર હોવાથી હૉસ્પિટલમાં લઈ ગયા છીએ એવો તેના સસરાનો ફોન આવ્યો હતો.’

અંકિતાના પિતાએ દિવાળીના દિવસે જ ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે અંકિતાને તેની પંચાવન વર્ષની સાસુ ઉષા ચરલા, ૬૨ વર્ષના સસરા અશોક ચરલા અને ૨૮ વર્ષનો પતિ મયંક ચરલા શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હતાં. એને પગલે ગઈ કાલે અંકિતાના મૃત્યુ બાદ પોલીસે અંકિતાનાં સાસુ-સસરા અને પતિની ધરપકડ કરી હતી તેમ જ અંકિતાના પિતાએ અંકિતાની ચાર મહિનાની દીકરી વંશીની જવાબદારી માથે લેતાં પોલીસે વંશીને તેમને સોંપી હતી.

પતિ મયંક સાથે અંકિતા

અમારી અંકિતા આત્મહત્યા જેવું પગલું ભરે જ નહીં એમ જણાવતાં સ્થાનિક મહિલાઓએ કહ્યું હતું કે ‘અંકિતાની મમ્મી અંકિતાને ચાર વર્ષની મૂકીને ઘર છોડીને જતી રહી હતી. ત્યાર પછી અંકિતાના પપ્પા જ તેની મમ્મી અને પપ્પા હતા. અમે તેને નાનપણથી જિગરથી મોટી થતાં જોઈ છે. તે ગમે એવી મુસીબતમાં પણ હસીને હિંમતભેર જીવે એવી છોકરી હતી. તે આત્મહત્યા કરે જ નહીં. તેનું મૃત્યુ આત્મહત્યાથી થયું જ ન હોઈ શકે. પોલીસે આ બાબતમાં કોઈની શેહશરમમાં આવ્યા વગર અંકિતાને ન્યાય મળે એ રીતે તપાસ કરવી જોઈએ. તેના મૃત્યુ માટે જવાબદાર લોકોને કડકમાં કડક સજા કરવી જોઈએ. અમે બધા અંકિતાના પિતાને અને ભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી જંપીને બેસીશું નહીં.’

અંકિતાનાં સાસુ ઉષાબહેન, સસરા અશોકભાઈ અને પતિ મયંકની ઇચ્છાને માન આપીને પોલીસ તેમને અંકિતાનાં અંતિમ દર્શન માટે ઘાટકોપર (ઈસ્ટ)ની હિન્દુ સ્મશાનભૂમિ પર લઈ ગઈ હતી. એ સમયે અંકિતાની ચાર મહિનાની દીકરી વંશી પણ તેમની સાથે હતી, પરંતુ સ્મશાનભૂમિમાં મીડિયાને જોઈને જ પોલીસે યુ-ટર્ન મારી દીધો હતો. એને કારણે અંકિતાનાં સાસુ-સસરા અને પતિ અંકિતાનાં અંતિમ દર્શન કરી શક્યાં નહોતાં. ત્યાર બાદ પોલીસ વંશીને ઘાટકોપર (વેસ્ટ)ના અંકિતાના પિયરના ઘરે લઈ ગઈ હતી. ત્યાં તેમણે વંશીને અંકિતાની ભાભી દિવ્યાને સોંપી દીધી હતી.

દિવાળીના દિવસે શું બન્યું હતું?


દિવાળીના દિવસે સવારે અંકિતાનાં સાસુ-સસરા અને પતિ એકસાથે તેમની જ સોસાયટીમાં આવેલા જૈન દેરાસરમાં પૂજા કરવા ગયાં હતાં. અંકિતાના સસરા પૂજા કરીને પાછા ફર્યા ત્યારે તેમણે અંકિતાને પંખા પર બેભાન હાલતમાં લટકતી જોઈ હતી. તેમણે ચીસાચીસ કરી મૂકી હતી. આથી પાડોશીઓ તેમની મદદે આવ્યા હતા. પાડોશીએ જ અંકિતાને પંખા પરથી નીચે ઉતારી હતી. ત્યાર બાદ અંકિતાના સસરાએ તેના પિતાને ફોન કરીને અંકિતા બીમાર છે એટલે કોહિનૂર હૉસ્પિટલમાં દાખલ કરી છે એવી જાણકારી આપી હતી. અંકિતાના પિતા હૉસ્પિટલમાં પહોંચતાં તેમને અંકિતા પંખા પર લટકતી મળી હતી એવી માહિતી મળી હતી. અંકિતાના પિતાને શંકા જતાં તેમણે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે અંકિતાને તેનાં સાસુ-સસરા અને પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હતાં.

દેવેન્દ્ર ફડણવીસને આ કેસમાં રસ


અંકિતાના મૃત્યુની તપાસમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પૂરતો રસ લઈ રહ્યા છે. અંકિતાની અંતિમયાત્રા સમયે આવી જાહેરાત ઘાટકોપર (વેસ્ટ)ના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રવિ પૂજે કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘અંકિતાના રહસ્યમય મૃત્યુની માહિતી દેવેન્દ્ર ફડણવીસને મળતાં તેમણે તરત જ તેમની પત્ની અમૃતા ફડણવીસને કોહિનૂર હૉસ્પિટલની મુલાકાત લેવા જણાવ્યું હતું. ગઈ કાલે બપોરે અમૃતા ફડણવીસ હૉસ્પિટલમાં પહોંચે એ પહેલાં જ અંકિતાનું મૃત્યુ થયું હોવાના તેમને સમાચાર મળ્યા હતા. આથી દેવેન્દ્ર ફડણવીસે પોલીસના ઉચ્ચ અધિકારીઓને આ બનાવ પર નજર રાખવાની સૂચના આપી હતી તેમ જ સંપૂર્ણ કેસની માહિતી તેમને મળવી જોઈએ એવો આગ્રહ રાખ્યો છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK