જોઈ લો વરસાદ વગરના પાણીનો આતંક

ઘાટકોપરના અસલ્ફા વિલેજમાં ૭૨ ઇંચની પાણીની પાઇપલાઇન ફાટતાં ઘરો અને દુકાનોને લાખો રૂપિયાનું નુકસાન

water

પાઇપલાઇન ફાટ્યા પછી ૫૦ ફુટ ઊંચે ઊડી રહેલો પાણીનો ફુવારો.રોડ પર પૂર જેવી સર્જાયેલી પરિસ્થિતિ. તસવીરો : પી. સૃષ્ટિરોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)ના અસલ્ફા વિલેજના શ્રીધર પરબ માર્ગ પર પાણીની ૭૨ ઇંચની પાઇપલાઇન બુધવારે રાતના પોણાઅગિયાર વાગ્યે ફાટી જતાં આ વિસ્તારનાં ચારથી વધુ ઘરને નુકસાન થયું હતું, જ્યારે ત્રીસથી વધુ દુકાનોમાં પાણી ઘૂસી જતાં લાખો રૂપિયાના માલસામાનને નુકસાન થયું હતું. આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ અને દુકાનદારોએ કહ્યું હતું કે ‘૨૬ જુલાઈએ વરસાદનો સમય હોવાથી આવેલાં પાણીનાં સુનામી અને તોફાન માટે એમ કહી શકાય કે અમે તૈયાર હતા એટલે અમને એટલું બધું નુકસાન થયું નહોતું, પણ બુધવારે પાણીના અચાનક આવેલા આતંકી તોફાને અમારા હાંજા ગગડાવી કાઢ્યા હતા. આ તોફાનના બાર કલાક પછી પણ હજી અમે આઘાતમાં બહાર આવ્યા નથી. અમને થયેલા નુકસાનના વળતર માટે અમે BMC વિરુદ્ધ મોરચો કાઢીશું.’


રોડ પર તણાઈ રહેલાં વાહનો અને પટેલપરિવારના ઘરમાં ઘૂંટણ જેટલાં પાણી.ઘર અને દુકાન બન્ને તૂટ્યાં

પાણીની પાઇપલાઇન જે જગ્યાએ ફાટી હતી એની બરાબર બાજુમાં જ ૩૫ વર્ષથી ટેલરિંગની દુકાન અને ઘર ધરાવતા મુકુંદ માલદેએ આખી ઘટનાને વર્ણવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે રાતના પોણાઅગિયાર વાગ્યે હું અને મારી પત્ની દુકાન વધાવીને આંટો મારવા નીકળ્યાં હતાં. હજી તો અમે થોડે દૂર પહોંચ્યાં હતાં ત્યાં જ અમને સમાચાર મળ્યા કે પાણીની પાઇપલાઇન ફાટતાં તમારા ઘરમાં પાણી ઘૂસી ગયાં છે અને છાપરાં ઊડી ગયાં છે. આ સાંભળતાં જ અમે અમારાં બે યુવાન બાળકોના જાનથી ચિંતિત થઈને ભાગીને ઘર પાસે આવ્યાં હતાં, પરંતુ અમારા ઘર પાસે કમર સુધી પાણી ભરાયાં હોવાથી અમે ઘર સુધી પહોંચી શકીએ એવી પરિસ્થિતિમાં નહોતાં.’

વૈશાલી માલદેએ આઘાતભર્યા શબ્દોમાં રાતની ઘટના વિશે કહ્યું હતું કે ‘અમને પછી ખબર પડી કે અમારાં બાળકો પાછલા દરવાજેથી તેમનો જીવ બચાવીને નીકળી ગયાં છે. અમે જ્યારે અમારાં બાળકોને મળ્યાં ત્યારે તેમણે અમને જે વાત કહી એ સાંભળીને અમે હચમચી ગયાં હતાં. અમારાં બાળકોએ એક જોરદાર ધડાકો સાંભળ્યો હતો. હજી તેઓ કંઈ વિચારે એ પહેલાં જ ઘરમાં ધસમસતાં પાણી ધૂસી ગયાં હતાં. તેમણે પહેલાં તો અમારો મેઇન ગેટ બંધ કરી દીધો હતો. પાણીની સાથે મોટા-મોટા પથ્થરો ઊડીને ઘરમાં આવી રહ્યા હતા. એને કારણે અમારા ઘરને ખૂબ જ નુકસાન થયું છે. બાળકો આ દૃશ્ય જોઈને ઘરમાંથી પાછલા દરવાજે ભાગીને બહાર જતાં રહ્યાં હતાં. એને લીધે તેમનો જીવ બચી ગયો હતો.’ મુકુંદ માલદેના જેવી જ હાલત તેમની આસપાસનાં ત્રણથી ચાર ઘરની થઈ હતી.

નજરે જોનારા લોકો શું કહે છે?

આ ઘટનાની જાણ થતાં જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રોડ પર આવી ગયા હતા. તેમણે જોયેલા પાણીના તાંડવની વાત કરતાં કન્હૈયા ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અને મારો મિત્ર અનિલ શુક્લા તરત જ બચાવકાર્ય માટે રોડ પર આવી ગયા હતા. અમે જોયું તો આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. જે જગ્યાએ પાઇપલાઇન ફાટી હતી ત્યાં પચાસથી વધુ ફુટ ઊંચા ફુવારા ઊડી રહ્યા હતા. ઠેર-ઠેર હોહા મચી ગઈ હતી. રોડ પર પાણીમાં તણાઈ રહેલાં સ્ત્રી અને પુરુષો દેખાતાં હતાં. જોકે તેમને મામૂલી ઈજા થઈ હતી અને તેઓ બચી ગયાં હતાં. અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયાં હતાં. તેઓ ઘરવખરી અને દુકાનના સામાનને બચાવવા હવાતિયાં મારી રહ્યા હતા. ૨૬ જુલાઈ કરતાં પણ વાતાવરણ ગંભીર બની ગયું હતું. એમાં લાઇટો પણ બંધ થઈ ગઈ હતી.’

અનિલ શુક્લાએ ગ્પ્ઘ્ની કાર્યવાહી વિશે જણાવતાં કહ્યું હતું કે ‘BMCના અધિકારીઓ પોણો કલાક પછી અમારા વિસ્તારમાં પહોંચ્યા હતા, પરંતુ જ્યાં સુધી પાણી બંધ ન થાય ત્યાં સુધી તેઓ તમાશો જોતા ઊભા રહી ગયા હતા. ચાર કલાક પછી પાણી બંધ થયા બાદ તેમણે તેમની કાર્યવાહી શરૂ કરી હતી. એટલો સમય લાઇટો પણ બંધ રહી હતી. ફાયર-બ્રિગેડની એક વૅન અને પચીસથી ૩૦ પોલીસની વૅન લોકોને મદદ કરવા આવી ગઈ હતી. નજર સામે માણસો અને વાહનો તણાઈ રહ્યાં હતાં. એક વૃક્ષ પડવાથી એની નીચે કાર દબાઈ ગઈ હતી. આટલા તોફાની વાતાવરણમાં પણ કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે લાખો રૂપિયાની ઘરવખરીને અને માલને નુકસાન થયું હતું.’

ભીંજાયેલાં કપડાંનું સેલ


આ જ રોડ પર આવેલી ભાનુ ટેલર અને ડિઝાઇનરની દુકાનમાં કમર સુધી પાણી ભરાઈ જતાં દુકાનના માલિક હિતેશ ભાનુશાલીને અઢી લાખથી ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હજી બુધવારે સાંજે જ હું પૅન્ટ અને શર્ટ-પીસના નવા તાકા ખરીદીને લાવ્યો હતો. બધો જ માલ દુકાનમાં પાણી ભરાઈ જતાં ખરાબ થઈ ગયો હતો. કપડું સડી જાય અને લોકોને પહેરવાલાયક ન રહે એટલે હજાર રૂપિયાની આઇટમ ગઈ કાલે મેં બસો રૂપિયામાં વેચી નાખી હતી.’ તેમને ત્યાં ભીંજાયેલો માલ સસ્તામાં લેવા માટે લોકોનાં ટોળેટોળાં એકઠાં થયાં હતાં.

જમવાનું પડતું મૂક્યું

આ આખી ઘટનામાં સૌથી વધુ નુકસાન શ્રીધર પરબ માર્ગ ક્રૉસ લેનમાં આવેલાં ઘરોને અને દુકાનોને થયું હતું. આ વિસ્તાર ઢોળાવ પર આવેલો હોવાથી શ્રીધર પરબ માર્ગ પરથી પાણી ખૂબ જ ફોર્સમાં આ વિસ્તારમાં ઘૂસી ગયું હતું. આ બાબત અને તેમણે ભોગવેલી યાતના વિશે માહિતી આપતાં પુષ્પા અરવિંદ પટેલે ‘મિડ-ડે’ સમક્ષ ચોધાર આંસુએ રડતાં કહ્યું હતું કે ‘અમે રાતના જમવા બેસવાની તૈયારી કરતાં હતાં ત્યાં જ અમારા ઘરમાં ધસમસતાં પાણી ઘૂસી આવ્યાં હતાં એટલે અમે જમી પણ શક્યાં નહોતાં. અમે હજી ઘરવખરી બચાવવાની કોશિશ કરીએ એ પહેલાં જ કમર જેટલાં પાણી ઘરમાં ભરાઈ ગયાં હતાં. એને લીધે એન્જિનિયરિંગમાં ભણી રહેલા મારા પુત્રનાં બધાં જ પુસ્તકો ખલાસ થઈ ગયાં હતાં. એ સિવાય વૉશિંગ મશીન અને ફ્રિજમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં. ગૅસનું સિલિન્ડર પાણીમાં તરવા લાગ્યું હતું. અમે ફફડી ગયાં હતાં. અમારા ઘરમાં રહેલું બધું જ ફર્નિચર આ પાણીમાં ખતમ થઈ ગયું હતું. આખી રાત ઘરમાંથી પાણી ઉલેચવામાં જ કાઢી હતી.’

આવી જ હાલત અમારી કપડાંની દુકાનની થઈ હતી એમ જણાવતાં અરવિંદ પટેલે કહ્યું હતું કે ‘દુકાનમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. એને લીધે એક લાખ રૂપિયાનાં કપડાંને નુકસાન થયું હતું જે હવે કોઈના ઉપયોગમાં આવી શકે એમ નથી.’

ગરીબોને કપડાં આપી દેશે

અરવિંદ પટેલ જેવી જ હાલત તેમની બાજુમાં આવેલી લેડીઝ વેઅરની દુકાનની હતી. એના માલિક વિપુલ રાજગોરે કહ્યું હતું કે હું તો બધો માલ ગરીબોને આપી દઈશ. વિપુલ રાજગોરને ૫૬ હજાર રૂપિયાનું નુકસાન થયું હતું.

આ જ વિસ્તારમાં ટેલરિંગનું કામ કરતા ત્રિનાથ સાહુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાણી ભરાઈ જવાથી મારાં દોઢ લાખ રૂપિયાનાં કપડાંને નુકસાન થયું છે. એનું સેલ હું રમજાનમાં કરીશ અથવા જરૂર પડશે તો બધા જ માલનું દાન કરીશ.’

આ સિવાય આ વિસ્તારમાં આવેલી પ્રિન્ટિંગ ફૅક્ટરી, ઇલેક્ટ્રૉનિક મટીરિયલ જેવી અનેક દુકાનોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

પીવાના પાણીની અછત

આ બનાવથી અસલ્ફા વિસ્તારની આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીની અછત થઈ હતી. ગોલીબાર રોડ પરના સ્લમવાસીઓએ ગઈ કાલે પાણીનાં ટૅન્કરો મગાવ્યાં હતાં. આ બનાવને કારણે આ વિસ્તારોમાં હજી ૭૨ કલાક સુધી પાણીપુરવઠો બંધ રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK