મચી પડો તો મંઝિલ મળે જ

કચ્છ એક્સપ્રેસમાંથી ચોરાયેલાં સોનાનાં ઘરેણાં પાછાં મેળવવા બે વર્ષ વડોદરા સુધી ધક્કા ખાધા : પોતાની વસ્તુઓ ગુમાવનારા બધાને ફૉલોઅપ કરવાની આપી પ્રેરણા

dimple1

રોહિત પરીખ

કચ્છ જતી-આવતી એક્સપ્રેસ ટ્રેનોમાં પૅસેન્જરોનો સામાન અને પર્સ ચોરી થવાના બનાવો રોજિંદા થઈ ગયા છે. જોકે ચોરી થયા પછી ભાગ્યે જ કોઈ પૅસેન્જર પોતાનો સામાન કે સોનાનાં ઘરેણાં પાછાં મેળવવા રેલવે-પોલીસ પાછળ ધક્કા ખાતો જોવા મળે છે. આ પૅસેન્જરો માટે ઘાટકોપર (ઈસ્ટ)ના રાજાવાડીમાં રહેતી ૩૬ વર્ષની ડિમ્પલ સંપટ બહુ મોટું ઉદાહરણ બની રહેશે. તેણે રેલવે-પોલીસ પાછળ ઘાટકોપરથી વડોદરા સુધી ધક્કા ખાઈને વકીલ રોકીને પોતાનાં ચોરાયેલાં સોનાનાં ઘરેણાં પાછાં મેળવવામાં સફળતા મેળવી છે.

ડિમ્પલે ટ્રેનમાં ચોરાયેલાં ૭૫,૦૦૦ રૂપિયાનાં સોનાનાં ઘરેણાં બે વર્ષ પછી પાછાં મેળવ્યાં છે એટલું જ નહીં, રેલવેમાં થતી ચોરીઓ માટે રેલવે-પ્રશાસન જવાબદાર છે એમ કહીને તેણે બે વર્ષમાં સહન કરેલા શારીરિક અને માનસિક ત્રાસ માટે રેલવે સામે કન્ઝ્યુમર કોર્ટમાં દોઢ લાખ રૂપિયાનો દાવો પણ કર્યો છે જેમાં તેને જીતવાની પૂરેપૂરી આશા છે.

ઘાટકોપરની બ્યુટિશ્યન ડિમ્પલ સંપટ ૨૦૧૬ની બીજી માર્ચે કચ્છ એક્સપ્રેસમાં નલિયાથી મુંબઈ આવી રહી હતી ત્યારે મોડી રાતે ટ્રેન વડોદરાથી પસાર થયા પછી કોઈ તેનું પર્સ ચોરી ગયું હતું. પર્સમાં બે હજાર રૂપિયા રોકડા અને ૭૫,૦૦૦ રૂપિયાનાં સોનાનાં ઘરેણાં તેમ જ ડેબિટ કાર્ડ હતાં. ચોરાયેલા ડેબિટ કાર્ડને બૅન્કમાં તરત જ લૉક કરાવવા છતાં ચોર ૨૫,૦૦૦ રૂપિયા ATMમાંથી કાઢવામાં સફળ રહ્યો હતો. આ સિવાય ડિમ્પલનો બે હજાર રૂપિયાનો મોબાઇલ પણ ચોરાઈ ગયો હતો. આ બાબતની ડિમ્પલે વડોદરા રેલવે-પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ કર્યા પછી ડિમ્પલે તેના બધા જ સોર્સ લગાડીને વડોદરા પોલીસને તેના ચોરાયેલા માલની તપાસ કરવા માટે દોડતી કરી દીધી હતી. પોલીસની સાથે તે પણ કામે લાગી હતી.

આ બાબતની માહિતી આપતાં ડિમ્પલ સંપટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પર્સની ચોરીની ફરિયાદ કર્યા પછી મારી મહેનતના રૂપિયામાંથી ખરીદેલાં સોનાનાં ઘરેણાં ચોરાયાં હોવાથી મારો જીવ બળતો હતો. મેં નલિયામાં રહેતા મારા નાના ભાઈ વિજયને આખા બનાવની માહિતી આપી હતી. મેં તેને કહ્યું કે હું ફક્ત ફરિયાદ કરીને ચૂપ રહેવાની નથી, મને મારી ચોરાયેલી વસ્તુઓ પાછી જોઈએ છે. તેણે મને સાથ આપવાની તૈયારી બતાવી હતી. તેણે નલિયાના જ સામાજિક કાર્યકરો સુરેશ જાડેજા, હકુભાઈ અને કિશોરભાઈની મદદ લઈને વડોદરાના પોલીસ-અધિકારી હરપાલજીનો સંપર્ક કર્યો હતો. જે પોલીસ પહેલાં મારી ચોરીની ફરિયાદ લેવાનો ઇનકાર કરતી હતી એ જ વડોદરાની રેલવે-પોલીસ મને સાથસહકાર આપવા તૈયાર થઈ ગઈ હતી. તેમના માટે મારો મોબાઇલ ટ્રેસ કરવો અતિ મહત્વનો હતો.’

મારો મોબાઇલ ટ્રેસ કરતાં ઓછામાં ઓછું એક વર્ષ લાગશે એવું પોલીસે મને પહેલા દિવસે જ કહ્યું હતું એમ જણાવતાં ડિમ્પલ સંપટે કહ્યું હતું કે ‘મેં મોબાઇલ પાંચ વર્ષ પહેલાં ઘાટકોપરમાંથી ખરીદ્યો હતો. મારી પાસે એનું બિલ કે એનો IMEI નંબર કંઈ જ હતું નહીં. હું મૂંઝવણમાં હતી. જ્યાં સુધી પોલીસને મોબાઇલની બધી વિગતો આપું નહીં ત્યાં સુધી મોબાઇલ ટ્રેસ કરવો મુશ્કેલ હતો. આ સમયે એક બિનસરકારી સંસ્થાએ કેવી રીતે આ વિગતો દુકાનદાર પાસેથી મેળવવી એ માટેનું માર્ગદર્શન આપ્યું હતું. આ માર્ગદર્શનને કારણે હું મોબાઇલના દુકાનદાર પાસેથી IMEI નંબર કઢાવી શકી હતી. એના આધારે પોલીસે મોબાઇલ ટ્રેસ કરવાનું શરૂ કરીને ચોરોની ગૅન્ગ સુધી પહોંચી હતી.’

dimple

મારી જેમ કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં અનેક પૅસેન્જરો રોજ લૂંટાય છે એવા સમાચાર હું ‘મિડ-ડે’ સહિતનાં અનેક વર્તમાનપત્રોમાં વાંચતી હતી એમ જણાવતાં ડિમ્પલ સંપટે કહ્યું હતું કે ‘મારી ચોર સુધી પહોંચવા માટે શરૂ કરેલી લડતમાં મારી સાથે મારા પતિ પરેશ અને સાસરિયાંનો મને સાથ હતો. સૌએ મને હિંમત આપી હતી. જોકે વડોદરા સુધી હું એકલી જ દોડતી હતી. મારી લડતમાં અન્ય મુસાફરોનો સાથ મળે એ માટે મેં અનેક જૂનાં વર્તમાનપત્રો જમા કયાર઼્ હતાં. એમાં જેનો પણ કચ્છ એક્સપ્રેસમાં સામાન ચોરાયો હોય એવા પૅસેન્જરોનો હું સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને ફોન-નંબર ગોતતી હતી. આમાંથી એક પણ એવો પૅસેન્જર ન મળ્યો જેણે ચોરીની ફરિયાદ કર્યા પછી ફૉલોઅપ કર્યું હોય. લાખો રૂપિયાનાં સોનાનાં ઘરેણાં ગુમાવનારા લોકો પણ શાંતિથી બેઠા હતા. મારે એકલા જ લડવાના સંજોગો નિર્માણ થયા હતા.’

મારી લડત સકારાત્મક તબક્કે હતી અને એક વર્ષની અંદર પોલીસે ટ્રેનમાં ચોરી કરતી ગૅન્ગના ત્રણ યુવાનોને પકડી પાડ્યા હતા એમ જણાવીને ડિમ્પલ સંપટે કહ્યું હતું કે ‘આ ત્રણ યુવાનોમાંથી દિલીપ માળી નામનો યુવાન જેણે પાછળથી અંગત જીવનને કારણે આત્મહત્યા કરી હતી તેણે મારાં સોનાનાં ઘરેણાં ચોરી કર્યા હોવાની પોલીસ પાસે કબૂલાત કરી હતી. તેણે આત્મહત્યા કરતાં પહેલાં મારાં સોનાનાં ઘરેણાં કોને વેચ્યાં છે એની પણ પોલીસને જાણકારી આપી દીધી હતી જેના આધારે પોલીસને મારાં ઘરેણાં પાછાં મળી ગયાં હતાં.’

પોલીસને જ્યારે ચોરને પકડવામાં અને મારાં ઘરેણાં પાછાં મેળવવામાં સફળતા મળી ત્યારે મારે ત્યાં જોડિયાં બાળકોનો જન્મ થયો હતો એમ જણાવતાં ડિમ્પલ સંપટે કહ્યું હતું કે ‘મારા સંઘર્ષમાં આ બાળકો મારા માટે નસીબવંતાં સાબિત થયાં હતાં. તેમના પગલે મને મારાં ચોરાયેલાં ઘરેણાં પાછાં મળશે એવી આશા જાગી હતી. કોર્ટની પ્રોસીજર લાંબી ચાલતી હોય છે, પણ રેલવે-પોલીસના રાઇટરો મારી વહારે આવ્યા હતા. તેમણે કોર્ટમાં જજની સામે મારા સંઘર્ષની વાત કરીને વહેલામાં વહેલી તકે ઘરેણાં પાછાં આપવાની વિનંતી કરી હતી એટલે હું આ વર્ષે ૧૫ માર્ચે ઘરેણાં પાછાં મેળવી શકી હતી.’

મારી લડતનો અહીં અંત આવતો નથી એવો આક્રોશ દર્શાવતાં ડિમ્પલ સંપટે કહ્યું હતું કે ‘રેલવેમાં થતી ચોરીઓ માટે રેલવે-પ્રશાસનની બેદરકારી જવાબદાર છે. એક પણ કમ્પાર્ટમેન્ટમાં સુરક્ષા-કર્મચારી હોતો નથી. સુરક્ષાના નામે ભાડાં વધારવામાં આવે છે, પણ હકીકતમાં સુરક્ષા હોતી જ નથી. આથી મેં મારી લડત હજી ચાલુ રાખી છે. જે બિનસરકારી સંસ્થાએ મને મોબાઇલ ટ્રેસ કરવામાં મદદ કરી હતી તેણે જ મારી સાથે રહીને કન્ઝ્યુમર કોર્ટમાં મને પડેલા માનસિક અને શારીરિક ત્રાસ માટે વળતરનો દાવો કર્યો છે જેનો ચુકાદો પણ ટૂંક સમયમાં આવી જશે. મને આશા છે કે એમાં પણ મારી જીત થશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK