તૂમ્હી જાઉ નકા

ઘાટકોપરના વિકાસ માટે હજી ૧૦ વર્ષ સુધી તમે હોદ્દા પર રહો એવી વિનંતી N વૉર્ડ-ઑફિસરને ગણેશોત્સવ મંડળોએ કરી

ganesh


રોહિત પરીખ

BMCના કાયદા અને નિયમો હેઠળ ગણેશોત્સવ શિસ્તબદ્ધ રીતે ઊજવાય એ ઉદ્દેશથી શુક્રવારે ઘાટકોપર BMC જે વૉર્ડ હેઠળ આવે છે એ N વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર ભાગ્યશ્રી કાપસેએ ઘાટકોપરનાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળો સાથે મીટિંગ કરી હતી. છેલ્લાં દસ વર્ષમાં આવી સફળ મીટિંગ કોઈ જ વૉર્ડ-ઑફિસરે કરી નથી એવો મત મીટિંગ બાદ મંડળોના પદાધિકારીઓએ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, ઘાટકોપરના વિકાસ માટે ભાગ્યશ્રી કાપસે વધુ ૧૦ વર્ષ સુધી N વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર પદે રહે એવી આ મંડળોના પદાધિકારીઓએ મીટિંગમાં ઇચ્છા વ્યક્ત કરી હતી.

ભાગ્યશ્રી કાપસેએ જ્યારથી વૉર્ડ-ઑફિસરનો હોદ્દો સંભાળ્યો એ દિવસથી તેઓ કોઈ પણ રાજનેતાના દબાવમાં આવ્યાં વગર ડિમોલિશનની કાર્યવાહી કરી રહ્યાં છે. તેમની આ નીતિને કારણે અમુક રાજકીય પક્ષો તેમને હટાવવા માટેની રણનીતિ તૈયાર કરી રહ્યા છે. એ સમયે ગણેશ મંડળોના પદાધિકારીઓએ તેમના માટે દર્શાવેલો વિશ્વાસ અતિમહત્વનો બન્યો છે.

ઘાટકોપરમાં અત્યારે ૬૧ ગણેશોત્સવ મંડળો BMCના રેકૉર્ડ પર છે જેમાંથી શુક્રવારે મોટી સંખ્યામાં પહેલી વાર મંડળોના પદાધિકારીઓ N વૉર્ડની મીટિંગમાં હાજર રહ્યા હતા. આ મીટિંગમાં ફાયર-બ્રગેડના અધિકારીઓ, ઘાટકોપરનાં ચારેય પોલીસ-સ્ટેશનોના અધિકારીઓ, નગરસેવકો સહિત અનેક સામાજિક કાર્યકરોએ હાજરી આપી હતી જેમાં ભાગ્યશ્રી કાપસેએ ગણેશોત્સવની શાનદાર ઉજવણીમાં BMCના અધિકારીઓ મંડળોની સાથે જ છે એવી ખાતરી આપી હતી.

ભાગ્યશ્રી કાપસેએ સમય સાથે પરિવર્તન પામેલા તહેવારો વિશે કહ્યું હતું કે ‘લોકમાન્ય ટિળકે જ્યારે ગણેશોત્સવની શરૂઆત કરી એ સમયે ઉત્સવમાં ધાર્મિકતા વધારે હતી. હવે સમય જતાં ધાર્મિકતા ઘટી ગઈ છે છતાં BMC તરફથી મંડળોને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. એના માટે મંડળોએ BMCના નિયમો પાળવા પડશે. મંડપ બાંધવા માટે જે મંડળો ખાડા કરશે એને એ પોતાના ખર્ચે પૂરવાના રહેશે. આમ નહીં કરનાર મંડળને એક ખાડા માટે ૨૦૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે. એ સિવાય પચીસ ફુટ ઊંચો મંડપ બાંધનાર મંડળોએ ઑડિટ કરવાનું રહેશે.’

ganesh1

શ્રી ન્યુ માણેકલાલ એસ્ટેટ ગણેશોત્સવ મંડળ ગણેશોત્સવની ઉજવણી શાંતિથી કરી શકે એ માટે માણેકલાલ કમ્પાઉન્ડમાં પડેલા કાટમાળને બાજુમાં ખસેડી લેવામાં આવશે. એ સંદર્ભમાં ભાગ્યશ્રી કાપસેએ સ્પષ્ટતાં કરતાં કહ્યું હતું કે ‘૩૧ વર્ષથી ઉજવણી કરી રહેલા શ્રી ન્યુ માણેકલાલ એસ્ટેટ ગણેશોત્સવ મંડળ ગણેશોત્સવની ઉજવણી કરી શકે એ માટે ૪૦ માણસોનો સ્ટાફ રાખીને મેદાનનો અમુક ભાગ સાફ કરી આપવામાં આવશે. એ ભાગમાં તેઓ ઉત્સવની ઉજવણી કરી શકશે, પરંતુ ૨૫ જુલાઈએ સાંઈ સિદ્ધિ અપાર્ટમેન્ટ્સ જમીનદોસ્ત થયા પછી માણેકલાલ એસ્ટેટના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવેલા કાટમાળને આ ઉત્સવના ભોગે ખસેડવામાં આવશે નહીં. ગણેશોત્સવ જેટલી જ મહત્તા સાંઈ સિદ્ધિ અપાર્ટમેન્ટ્સના રહેવાસીઓની છે. તેમણે તેમના જીવનની મહામૂલી મૂડી બિલ્ડિંગ હોનારતમાં ગુમાવી દીધી છે જે માણેકલાલ કમ્પાઉન્ડમાં પડેલા કાટમાળમાંથી મળી શકે છે. આથી આ કમ્પાઉન્ડમાંથી સંપૂર્ણ કાટમાળ કોઈ પણ સંજોગોમાં ખસેડવામાં આવશે નહીં. ફક્ત ગણેશોત્સવ પૂરતું જ મેદાન ખાલી કરી આપવામાં આવશે.’

આ મીટિંગમાં BMCએ પ્રસિદ્ધ કરેલા ગણેશોત્સવ ૨૦૧૭ના માહિતી પુસ્તકને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં દર્શાવેલા નિયમો અને માહિતી પ્રમાણે દરેક ગણેશમંડળોએ ઉત્સવની ઉજવણી કરવાની રહેશે. એ બાબતમાં ભાગ્યશ્રી કાપસેએ કહ્યું હતું કે ‘BMC, ફાયર-બ્રિગેડ, ટ્રાફિક-પોલીસ રજિસ્ટર્ડ મંડળોને વહેલામાં વહેલી પરવાનગી આપે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ મંડળો સિવાયના અન્ય કોઈ પણ મંડળને ગણેશોત્સવ માટેની પરવાનગી આપવામાં આવશે નહીં.’

મંડળોએ દર વર્ષને બદલે ત્રણ વર્ષની પરવાનગી એકસાથે આપવામાં આવે એવી મીટિંગમાં માગણી કરી હતી. એ બાબતનો જવાબ આપતાં ભાગ્યશ્રી કાપસેએ કહ્યું હતું કે ‘તમે પ્રશાસન પાસેથી પરવાનગી લઈ આવો, BMCનો તમને પૂરતો સહકાર મળી રહેશે. વિસર્જન માટે ત્રણ કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે. રસ્તાઓના ખાડાઓ વિસર્જન પહેલાં પૂરવામાં આવશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK