જાગરૂક નાગરિકો દ્વારા આપવામાં આવેલી શિસ્તતા અને સ્વચ્છતાની માર્ગદર્શિકાનો ફિયાસ્કો

વલ્લભબાગ લેન, ટિળક રોડ અને વિક્રાંત સર્કલ પર રજાઓના દિવસોમાં ફૂડશોખીનો ખાવા માટે ઊમટી પડ્યા : ફૂડ-સ્ટૉલ અને ફેરિયાઓને  ઘાટકોપરની પહેચાન કહીને આ વિસ્તારોમાં તેમની ફેવર કરી રહી છે જનતા

photo 2

રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટના વલ્લભબાગ લેન, ટિળક રોડ, વિક્રાંત સર્કલ અને એની આસપાસના વિસ્તારોમાં ‘ચલો ઘાટકોપર કે લિએ કુછ કર દિખાએં’ અભિયાન અંતર્ગત અમુક માર્ગદર્શિકાનાં બોર્ડ લગાડવામાં આવ્યાં છે. એની સાથે ફૂડ-સ્ટૉલ અને ફેરિયાઓને હાથોહાથ આ માર્ગદર્શિકાના પૅમ્ફ્લૅટ આપવામાં આવ્યા છે. શિસ્તતા અને સ્વચ્છતાની આ માર્ગદર્શિકાનો થોડા દિવસોમાં જ ફિયાસ્કો થયેલો જોવા મળ્યો હતો. માનવતા અને ફૂડ-સ્ટૉલ તથા ફેરિયાઓને ઘાટકોપરની પહેચાન કહીને આ વિસ્તારોમાંથી શુક્રવારે BMCની વૅન હટતાં જ ફૂડશોખીનોનાં ટોળેટોળાં ખાવા ઊમટી પડ્યાં હતાં.

જાગરૂક નાગરિકોનો એક વર્ગ આ ફેરિયાઓને હટાવવાની અને તેમને શિસ્ત શીખવાડવાની તજવીજ કરી રહ્યો છે, જ્યારે બીજો વર્ગ માનવતાના આધારે અને આ ફૂડ-સ્ટૉલ અને ફેરિયાઓ ઘાટકોપરની પહેચાન છે કહીને એમની ફેવર કરતો હોવાનું મિડ-ડે LOCALના સર્વેમાં પ્રકાશમાં આવ્યું છે. સૌથી મહત્વની વાત તો એ છે કે ઘાટકોપરના નાગરિકો શું ઇચ્છે છે એના કરતાં BMC આ ફૂડ-સ્ટૉલ અને ફેરિયાઓ સામે કાર્યવાહી કરશે કે કેમ એ સવાલ સામાન્ય જનતાના મનમાં ઘૂંટાઈ રહ્યો છે. 

ગારોડિયાનગર અને રાજાવાડીના વિસ્તારોને આવરી લેતા BMCના વૉર્ડ- નંબર ૧૩૨માં અને ઘાટકોપર-ઈસ્ટના પટેલ ચોકથી લઈને વિક્રાંત સર્કલ સુધીના વિસ્તારની ફુટપાથો અને રસ્તાઓ પર દિન-પ્રતિદિન ફૂડ-સ્ટૉલ અને ફેરિયાઓનું સામ્રાજ્ય જોરશોરથી વધી રહ્યું છે. આથી BMCના ઇલેક્શન સમયે આ મુદ્દાને રાજકીય પાર્ટીઓએ ખૂબ જ ચગાવીને આડેધડ વચનોની લહાણી કરી હતી. જોકે ચૂંટણીનાં પરિણામના ૧૫ દિવસ પછી પણ ફૂડ-સ્ટૉલ અને ફેરિયાઓ પર નિયંત્રણ લાવવામાં BMC રાજકીય પાર્ટીઓ અને જાગરૂક નાગરિકો નિષ્ફળ ગયા છે. હા, આ સૌ વૉટ્સઍપ પર મેસેજો વાઇરલ કરીને સફળતાનો દાવો જરૂર કરી રહ્યા છે જે સત્યથી વેગળો છે.

આ વખતના BMCના ઇલેક્શન પછી બિનરાજકીય જાગરૂક નાગરિકો એક ટીમ બનાવીને વલ્લભબાગ લેન, ટિળક રોડ, વિક્રાંત સર્કલની આસપાસના વિસ્તારોમાં ફર્યા હતા. આ ટીમે ફૂડ-સ્ટૉલો અને ફેરિયાઓ સાથે શાંતિ અને સમજણભરી નીતિ અપનાવીને તેમની સાથે જનતાની તકલીફોની ચર્ચા કરી હતી. ત્યાર બાદ બીજી માર્ચ પછી આ ફેરિયાઓને અવનવી સૂચનાઓ આપતું એક પૅમ્ફ્લૅટ આપવામાં આવ્યું હતું.

photo1

આ પૅમ્ફ્લેટ એક શુભચિંતકે લખીને નામ કે ફોન-નંબર વગર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સિવાય આઠમી માર્ચે આ બાબતની સૂચના આપતાં બોર્ડ આ વિસ્તારોમાં લગાડવામાં આવ્યાં હતાં જેમાં ફૂડ-સ્ટૉલ અને ફેરિયાઓને સૂચના આપવામાં આવી છે કે ‘આપ સૌ ભારતના સમજદાર નાગરિક છો, પરંતુ આપ કશેક સમજદારી ચૂકી જાઓ છો. આથી આપ અમારી સૂચનાઓ શાંતિથી વાંચશો. ખુરસીઓ કે બેન્ચો રોડ કે ફુટપાથ પર રાખવાની પરમિશન નથી. આપ કાર કે વાહનમાં બેઠેલા લોકોને ફૂડની ડિલિવરી કરશો નહીં. જેને ખાવું હશે એ આપના સ્ટૉલ પર આવીને ખાશે. આપના સ્ટૉલ કે રેકડીની આસપાસ કાર, સ્કૂટર, બાઇક, રિક્ષા જેવાં કોઈ વાહનો પાર્ક કરવા નહીં આપો. આપના સ્ટૉલોની આસપાસ સફાઈ રહે એની જવાબદારી આપની રહેશે. આપની આસપાસ કોઈ પણ નવા ફેરિયા આવશે તો તમારી જગ્યા પણ જતી રહેશે. આપના સ્ટૉલો પર અગર ગીરદી થશે, જેને કારણે લોકોને અવરજવરમાં અવરોધ થશે તો એ સ્વીકાર્ય નથી. આપને આપના માલિકની આધાર કાર્ડ અને બે ફોટો સાથે માહિતી આપવાની રહેશે જેમાં આપ કેટલા સમયથી કઈ જગ્યા પર ધંધો કરો છો, આપના વિસ્તારમાં કેટલા ફેરિયાઓ છે અને તેઓ કેટલા સમયથી ધંધો કરે છે એ માહિતી આપવાની રહેશે. ઉપર દર્શાવેલા દરેક નિર્દેશોનું આપે કોઈ પણ પરિસ્થિતિમાં પાલન કરવું પડશે. એનો મતલબ એવો નથી કે તમને ધંધો કરવાની પરમિશન મળી ગઈ. અમારો ઉદ્દેશ તો તમારા ધંધા બંધ કરવાનો છે; પરંતુ આપ લોકો મહેનત, મજદૂરી કરીને કામ કરી રહ્યા છો. તમારામાંથી ઘણાનો જીવનનર્વિાહ આ ધંધા પર ચાલે છે એટલે અમે તમને વિનંતી કરીએ છીએ કે આપ ઉપર આપેલી શરતોનું કડક રીતે પાલન કરશો તો આપ સૌના માટે સારું છે, કારણ કે જનસમુદાયની સહનશક્તિની હદ થઈ ગઈ છે એટલે અમારો તમને અનુરોધ છે કે અમારી સૂચના અને માર્ગદર્શિકાનો આપ અમલ કરશો જેથી આપનો ધંધો અને જનસમુદાયની સુવિધા બન્નેનું માન જળવાઈ રહેશે.’

આ પ્રકારના પૅમ્ફ્લેટ અને બોર્ડ લાગ્યાં પછી ચાર દિવસ સુધી BMCની એક વૅન આ વિસ્તારોમાં આવીને ઊભી રહી જતી હતી જેમાં ભાગ્યે જ કોઈ અતિક્રમણ વિભાગનો અધિકારી હાજર રહેતો હતો, પરંતુ છૂટાછવાયા ફેરિયાઓ સિવાય બધા જ ફેરિયાઓ તેમનો ધંધો બંધ કરીને નારાજ થઈને બેઠા હતા. આ ફેરિયાઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમને મળેલી સૂચનાઓને આધારે અમે અમારી રોજીરોટી બંધ કરીને બેઠા છીએ, પરંતુ એક પણ સૂચનાનું સો ટકા અમલીકરણ થતું નથી. અમને એ પણ ખબર નથી કે અમારે અમારા આધાર કાર્ડ અને માહિતી કોને સબમિટ કરવાની. બીજું, કાયદાકીય રીતે અમારે કોઈ પણ માહિતી BMCને આપવાની હોય, નહીં કે કોઈ વ્યક્તિઓને. આમ છતાં, અમારા ધંધા બચાવવા માટે અમે જાગરૂક નાગરિકોની ટીમને સાથ-સહકાર આપવા તૈયાર છીએ, પરંતુ અમારા વિસ્તારમાં નવા આવેલા ફેરિયાઓની માહિતી આપીને અમે દુશ્મની કરવા માગતા નથી. બીજી માર્ચે અમારા વિસ્તારમાં આ મુદ્દે જ બે મહિલા-ફેરિયાઓ વચ્ચે ઝઘડો થયો હતો જેનું પરિણામ અમે ભોગવી રહ્યા છીએ. એ દિવસથી BMCની વૅન આવીને અમને ધંધો કરવા દેતી નથી. શનિ-રવિમાં એ વૅન આવતી નથી ત્યારે અમે ધંધો કરીએ છીએ.’

અમે ટ્રાફિક કન્ટ્રોલ કરવા અમારા પૈસાથી સિક્યૉરિટી પણ રાખી છે એમ જણાવતાં આ ફેરિયાઓએ કહ્યું હતું કે ‘પબ્લિક અમને સાથ આપતી નથી. અમે અમારા ધંધા પર ધ્યાન આપીએ કે લોકો પર નિયંત્રણ કરીએ. અમે ઘણા સમયથી કારમાં કે કોઈ વાહનમાં સર્વિસ આપતા નથી. અમારા વિસ્તારમાં રૉન્ગ વેથી વાહનો આવીને ટ્રાફિક કરે છે. એને નિયંત્રણમાં રાખવાનું કામ ટ્રાફિક-પોલીસનું છે, અમારું નહીં.’

આ વાતચીત સમયે હાજર રહેલી મહિલાઓ અને સિનિયર સિટિઝનો સહિતની સામાન્ય જનતાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ખાઉગલી ઘાટકોપરની પહેચાન છે. લોકો આ ખાઉગલીમાં ખાવા માટે છેક બોરીવલી, મુલુંડ, અંધેરી, દાદર જેવાં ઉપનગરોમાંથી આવે છે. આ પરિસ્થિતિમાં આ ફેરિયાઓ પર જબરદસ્તી કરવી ન જોઈએ એવું અમને લાગે છે. જે જાગરૂક નાગરિકોએ આ ફૂડ-સ્ટૉલ અને ફેરિયાઓને માર્ગદર્શન આપતંઆ બોર્ડ લગાડ્યું છે તે લોકોએ તેમના નામ અને ફોન-નંબર કેમ બોર્ડ પર લખ્યા નથી. અમે પણ ઘાટકોપર માટે કંઈક કરવા ઇચ્છીએ છીએ, પણ વલ્લભબાગ લેન, ટિળક રોડ અને વિક્રાંત સર્કલ સિવાયના વિસ્તારોમાંથી પણ ફૂડ-સ્ટૉલ અને ફેરિયાઓ હટાવવા જોઈએ. ધનજી દેવશી રાષ્ટ્રીય શાળાની બહાર પણ હવે ફૂડ-સ્ટૉલ અને ફેરિયાઓ વધી ગયા છે. તેઓ પણ કારમાં ઘરાકોને સર્વિસ આપે છે. તેમને બંધ કરાવવા માટે કેમ કોઈ પગલાં લેવાતાં નથી.’

ફેરિયાઓની ઘરાકોને સૂચના

વિદ્યાવિહાર-ઈસ્ટમાં સોમૈયા કૉલેજથી સ્ટેશન સુધી ઊભા રહેતા ખાદ્ય પદાર્થો વેચતા ફેરિયાઓએ ગઈ કાલથી તેમની રેકડી પર બોર્ડ લગાડી દીધું છે કે ‘અમારી રેકડી સામે કાર પાર્ક કરો નહીં. એને લીધે પોલીસ અને BMC અમારી પાસે ફાઇન વસૂલ કરે છે. તમારી પ્લૅટને કચરાના ડબ્બામાં નાખો. કૃપા કરીને ફક્ત ખાવા માટે અમારી રેકડી પાસે ઊભા રહો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK