બધા લીગલ ડૉક્યુમેન્ટ્સ હોવા છતાં ઘાટકોપરની મિની પ્લૉટ સોસાયટીના ૨૧૬ રહેવાસીઓ બેઘર બન્યા

કલેક્ટરે ૪૧ વર્ષ પછી ૮૫૪૨ સ્ક્વેર મીટરની જમીન ફક્ત ૬૦૪૯ સ્ક્વેર મીટરની હોવાનો ઑર્ડર આપતાં રીડેવલપમેન્ટનું કાર્ય ઘોંચમાં

mini plote


રોહિત પરીખ


ઘાટકોપર (વેસ્ટ)માં મિની પ્લૉટના નામે પ્રચલિત જગડુશાનગર અવધૂત સોસાયટીના  જમીન ક્ષેત્રફળમાં ૪૧ વર્ષ પછી જમીનના આકારણી વિભાગે ૨૫૦૦ સ્ક્વેર મીટર ઘટાડી દેતાં આ સોસાયટીનું રીડેવલપમેન્ટનું કામ અટકી પડવાના સંજોગો નિર્માણ થયા છે એટલું જ નહીં, નવા ઘરની આશાએ ૧૦ વર્ષ સુધી પોતાના ફ્લૅટ ખાલી કરી આપનાર ૨૧૬ ફ્લૅટ-ઓનરો આજની તારીખે બેઘર બની ગયા છે. આ સર્જાયેલી પરિસ્થિતિ માટે સોસાયટીના સભ્યો કોઈક ડેવલપર અને રાજનેતા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. આજથી ૪૧ વર્ષ પહેલાં અને સોસાયટીના પ્રૉપર્ટી-કાર્ડ તથા BMCના અન્ય ડૉક્યુમેન્ટ્સમાં જમીનનું ક્ષેત્રફળ ૮૫૪૨ સ્ક્વેર મીટર દર્શાવાય છે, જ્યારે ઉપનગરના ક્લેક્ટરે બુધવારે આપેલા લેખિત ઑર્ડર પ્રમાણે જમીનનું ક્ષેત્રફળ ૬૦૪૯ સ્ક્વેર મીટર છે. આ ઑર્ડરે આ સોસાયટીના સભ્યોને જબરો આંચકો આપ્યો છે.

શું બન્યું છે?

આ સોસાયટીના સભ્યોએ આજથી ૧૦ વર્ષ પહેલાં સોસાયટીનો રીડેવલપેમન્ટ-પ્લાન બનાવ્યો હતો એમ જણાવતાં સોસાયટીના એક સભ્ય રાકેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શરૂઆતમાં ડેવલપર તરફથી કોઈક ને કોઈક કારણસર કાર્ય વિલંબિત થયું હતું, પરંતુ ત્યાર બાદ પ્લાન બનાવવાની વાત આવી ત્યારે ખબર પડી કે સોસાયટીના પ્રૉપર્ટી-કાર્ડમાં ૪૧ વર્ષ પહેલાં જે જમીનનું ક્ષેત્રફળ ૮૫૪૨ સ્ક્વેર મીટર છે એ ઑફિશ્યલ રેકૉર્ડ પર નથી એથી એને ચૅલેન્જ કરવામાં આવ્યું અને એ માટે જમીનઆકારણી વિભાગે ૨૦૧૦ અને ૨૦૧૬માં ફરીથી એ જમીનની આકારણી કરી હતી, પરંતુ આકારણી દરમ્યાન સ્ક્વેર મીટર ૮૫૪૨ને બદલે ૬૦૪૯ દર્શાવવામાં આવી હતી. આમાં પણ ૨૦૧૦ની આકારણી અને ૨૦૧૬ની આકારણીના આંકડા જુદા હતા જેણે અમને પહેલો આંચકો આપ્યો હતો.’

એક ફાઇલ ગુમ

છેલ્લા ૬ મહિનાથી કલેક્ટર-ઑફિસમાં આ રહેવાસીઓની સુનાવણી ચાલી રહી હતી. એ સંદર્ભે માહિતી આપતાં રાકેશ શાહે કહ્યું હતું કે ‘એમાં તારીખ પે તારીખ પડતી હતી અને કોઈ નિર્ણય આવતો નહોતો. ત્યાર બાદ કલેક્ટર-ઑફિસે આપેલા ઑર્ડરમાં સ્પષ્ટ કર્યું કે તેમને ૧૯૭૬ની જગડુશાનગરની જમીનઆકારણીની ફાઇલ મળતી નથી. આથી છેલ્લી બે આકારણી અને અગાઉના ૧૯૬૭ના રેકૉર્ડ પ્રમાણે કલેક્ટરે મિની પ્લૉટની જમીનનું ક્ષેત્રફળ ફક્ત ૬૦૪૯ સ્ક્વેર મીટર છે એવો આદેશ આપ્યો હતો. મહત્વની વાત એ છે કે જે રેકૉર્ડ તેમની પાસે નથી એ બધા રેકૉર્ડ અમારી પાસે હોવા છતાં કલેક્ટર એને માન્યતા આપતા તૈયાર નથી. અમારા માટે આ બીજો અને જબરો મોટો આંચકો હતો.’

અચરજની વાત

અમને જ નહીં, જમીનના આકારણી-વિભાગે આખા જગડુશાનગરમાં જમીનના ઘટી ગયેલા ક્ષેત્રફળનો આંચકો આપ્યો છે. આ બાબતે રાકેશ શાહ અને જગડુશાનગર રેસિડન્ટ્સ અસોસિએશનના પ્રમુખ જયેશ પારેખે કહ્યું હતું કે ‘નવાઈની વાત એ છે કે છેલ્લાં ૧૦ વર્ષમાં આ વિસ્તારની બેથી ત્રણ સોસાયટીનાં રીડેવલપમેન્ટ થયાં છે. એ સમયે તેમને જમીનના ક્ષેત્રફળનો મુદ્દો કશે નડ્યો નહોતો. બધાનાં બાંધકામ શાંતિપૂર્વક પૂર્ણ થયાં હતાં. બીજું આશ્ચર્ય એ છે કે અમારી બધી સોસાયટીના પ્રૉપટી-કાર્ડ અને અન્ય ડૉક્યુમેન્ટ્સ પ્રમાણે અમે વષોર્થી પ્રૉપર્ટી-ટૅક્સ અને BMCના અન્ય ટૅક્સ ભરીએ છીએ. શું આજે ૩૫થી ૪૦ વર્ષ સુધી આ બધી સરકારી કચેરીઓના રેકૉર્ડ ખોટા છે. એ કેવી રીતે બની શકે.’

રહેવાસીઓમાં હતાશા

કલેક્ટરના આ ઑર્ડરથી મિની પ્લૉટના ૨૧૬ ફ્લૅટોના રહેવાસીઓ હતાશ થઈ ગયા હતા અને જે લડત તેઓ ૧૦ વર્ષથી લડી રહ્યા હતા એનો બુધવારે કરુણ અંત આવી ગયો હતો. આ બાબતે માહિતી આપતાં રાકેશ શાહે કહ્યું હતું કે ‘અમારી સાથે જગડુશાનગરની અન્ય ૩૪ સોસાયટીઓના રહેવાસીઓમાં પણ હતાશા છવાઈ ગઈ છે, કારણ કે મે મહિનામાં કલેક્ટરે જે આંકડા જાહેર કર્યા હતા એ આંકડા પ્રમાણે બધાની જમીનનાં ક્ષેત્રફળ ૩૦ ટકા ઘટી ગયાં છે. આ બાબતનો અહેવાલ ‘મિડ-ડે’માં પ્રસિદ્ધ થયો હતો.’

અમે છેક સુધી લડી લઈશું

આ સોસાયટીના રહેવાસીઓ અને જગડુશાનગરના રહેવાસીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૨૦૨૨ના વર્ષ સુધીમાં ઘર આપવાની વાતના સંદર્ભે કહ્યું હતું કે ‘મોદીજીએ જ્યારે લોકો સમક્ષ આ વાત કરી ત્યારે તેમને ખબર નહીં હોય કે સરકારી અધિકારીઓ હજી જૂની સિસ્ટમ સાથે જ કામ કરે છે અને એને કારણે અમે બેઘર બનવાની તૈયારીમાં છીએ. સરકાર ૨૦૧૫ સુધીના સ્લમને રેગ્યુલરાઇઝ કરવા તૈયાર થઈ છે, જ્યારે અમારી પાસે ૩૫-૪૦ વર્ષથી ઑફિશ્યલ ડૉક્ટુમેન્ટ્સ હોવા છતાં અમારા જમીનના ક્ષેત્રફળને રેગ્યુલરાઇઝ કરવા માટે સરકારી અધિકારીઓ ઠાગાઠૈયા કરી રહ્યા છે. જોકે અમે બધી સોસાયટીઓ એક થઈને આની સામે છેલ્લે સુધી લડી લઈશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK