શહીદ મેજરને વિદાય આપવા ઊમટ્યો જનસાગર

કૌસ્તુભ રાણેની તેમના પપ્પા અને બે વર્ષના દીકરાએ અંતિમવિધિ કરી ત્યારે ત્યાં હાજર ૩૦,૦૦૦ લોકોની આંખોમાંથી અશ્રુ સરી પડ્યાં, સેનાના જવાનોની આંખો પણ ભીની થઈ, મીરા રોડમાં લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો

major

પ્રીતિ ખુમાણ ઠાકુર

ગઈ કાલે મીરા રોડના રસ્તાઓ પર અને વૈકુંઠધામ સ્મશાનભૂમિમાં શહીદ આર્મી મેજર કૌસ્તુભ રાણેને અંતિમ વિદાય આપવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખૂબ જ ભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતના વીરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહીદની મમ્મીએ પુષ્પચક્ર અર્પણ કરીને તેમના લાડકા દીકરાને સલામી આપી ત્યારે ઉપસ્થિત લોકોની આંખોમાં આંસુ આવી ગયાં હતાં અને ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. આ ઉપરાંત લોકો પોતાની આંખોનાં અશ્રુને ત્યારે પણ રોકી શક્યા નહોતા જ્યારે કૌસ્તુભ રાણેની તેમના પપ્પા અને બે વર્ષના દીકરા દ્વારા અંતિમવિધિ કરાઈ રહી હતી. દીકરો નાનો હોવાથી મમ્મી તેને ઊંચકીને બધી અંતિમવિધિ કરાવી રહી હતી. આ બધાં દૃશ્યો જોઈને ફક્ત સામાન્ય લોકો કે પરિવારજનો જ નહીં, સેનાના જવાનોની પણ આંખો વારંવાર ભરાઈ આવી રહી હતી.

major1

સાઉથ વેસ્ટર્ન કમાન્ડ, જનરલ ઑફિસર કમાન્ડર ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ ચેરિશ મૅથસન સહિત કોંકણ રેન્જના IGP નવલ બજાજ, સૈન્યનાં ત્રણેય દળના અધિકારીઓ અને થાણે ગ્રામીણ પોલીસની આગેવાની હેઠળ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સન્માન સાથે બે કિલોમીટરની અંતિમયાત્રા બાદ સવાઅગિયાર વાગ્યાની આસપાસ યાત્રા મીરા રોડની સ્ટેશન પાસે આવેલી વૈકુંઠધામ સ્મશાનભૂમિ પહોંચી હતી. સ્મશાનભૂમિની આસપાસ પણ મોટા પ્રમાણમાં લોકો ઊમટ્યા હતા અને ભીડ પોલીસના નિયંત્રણની બહાર જઈ રહી હોવાથી શહીદનાં મામીએ માઇક લઈને લોકોને શાંતિ જાળવવા આહ્વાન કરવા અનાઉન્સમેન્ટ કરવું પડ્યું હતું. મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થિત રીતે સ્મશાનભૂમિમાં વ્યવસ્થા કરવામાં આવી હતી તેમ જ એક વિશેષ મંડપ બાંધવામાં આવ્યો હતો જ્યાં પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હતો.

major3\\

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતી વખતે ૩૦ વર્ષના કૌસ્તુભ રાણે ૬ ઑગસ્ટે શહીદ થયા હતા. આઠ આતંકવાદીઓમાંથી બે આતંકવાદીઓને ઠાર કરીને ભારતીય સેનાના ચાર જવાનો શહીદ થયા હતા.

કૌસ્તુભ રાણેનો પાર્થિવ દેહ બુધવારે રાત્રે દિલ્હીથી આવ્યો હતો અને એને મુંબઈ ઍરપોર્ટથી સીધો મલાડમાં આર્મીના સેન્ટ્રલ ઑર્ડનન્સ ડેપોમાં રાખવામાં આવ્યો હતો. ત્યાંથી ગઈ કાલે સવારે છ વાગ્યાની આસપાસ મીરા રોડ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. પરિવારજનોએ દર્શન કરીને વિધિ કર્યા બાદ પાર્થિવ દેહને બિલ્ડિંગ નીચે નાગરિકોનાં અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. શહીદ વીરના પપ્પા પ્રકાશ રાણેની તબિયત બગડતાં ડૉક્ટર તાત્કાલિક તેમની તપાસ કરવા નિવાસસ્થાન પહોંચ્યા હતા.

મહારાષ્ટ્રના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન દીપક કેસરકર, વિધાનસભ્ય નિરંજન ડાવખરે, ગાર્ડિયન મિનિસ્ટર એકનાથ શિંદે, સંસદસભ્ય રાજન વિચારે, વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા, પ્રતાપ સરનાઈક, મેયર ડિમ્પલ મહેતા, જિલ્લાધિકારી મહેશ કલ્યાણકર સાથે મીરા-ભાઈંદરના રાજકીય નેતાઓ સહિત અનેક રાજકરણીઓ ઉપસ્થિત રહી શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને યાત્રામાં જોડાયા હતા.

શહીદ મેજરનું તિરંગાથી લપેટેલું પાર્થિવ શરીર ફૂલોથી સજાવેલા ભારતીય લશ્કરના વાહનમાં રાખીને અંતિમયાત્રા શરૂ થઈ હતી અને લગભગ દોઢ કલાકે સ્મશાનભૂમિમાં પહોંચી હતી. સતત ભારત માતા કી જય, વન્દે માતરમ વગેરે ઘોષણાનો અવાજ બધે ગુંજી રહ્યો હતો. ભારતીય લશ્કરના જવાનોએ ત્રણ વખત હવામાં ફાયરિંગ કરીને શહીદ કૌસ્તુભને માનવંદના આપી હતી. ત્યાર બાદ શહીદના પરિવારજનોએ પુષ્પચક્ર અર્પણ કર્યું ત્યારે વાતાવરણ ખૂબ જ ભાવુક થયું હતું અને હાજર બધાની આંખો ભરાઈ આવી હતી.

major4\\

માનવંદના વખતે વરસાદ પડ્યો

સૈન્યદળના જવાનો માનવંદના આપતા હતા ત્યારે થોડી ક્ષણો માટે વરસાદ પડ્યો હતો અને એવું પ્રતીત થઈ રહ્યું હતું કે નિસર્ગે પણ શહીદને માનવંદના આપીને પોતાની ભાવના વ્યક્ત કરી હતી.

જનસાગર ઊમટ્યો

પોલીસ-વિભાગે શહીદની અંતિમ વિદાયમાં ૩૦,૦૦૦ જેટલા લોકો જોડાશે એવો અંદાજ ‘મિડ-ડે’ને આપ્યો હતો અને એ ખરેખર સાચો પડ્યો હતો. અસંખ્ય લોકોએ શહીદનાં અંતિમ દર્શન કર્યાં હતાં. ગઈ કાલે સવારે છ વાગ્યાની આસપાસ જેવો શહીદનો પાર્થિવ દેહ મીરા રોડના તેમના નિવાસસ્થાને આવ્યો એ સાથે જ લોકોની ભીડ ઊમટવા લાગી હતી. લોકોની ભીડ થવા લાગતાં પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. એટલી જ ભીડ અંતિમયાત્રાના રૂટ પર પણ જોવા મળી હતી.

મોટા સ્ક્રીનની વ્યવસ્થા

લોકોની ભીડ શહીદને અંતિમ વિદાય આપવા ઊમટવાની છે એ અંદાજ હોવાથી મહાનગરપાલિકા અને પોલીસ-વિભાગે વિવિધ તૈયારીઓ પણ કરી હતી. એ અનુસાર અંતિમયાત્રાના રૂટ પરના રસ્તાઓ પર, સ્મશાનભૂમિની અંદર પ્રોજેક્ટરની મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી જેથી રસ્તાઓ પર ઊભેલા લોકો શહીદનાં અંતિમ દર્શન કરી શકે અને અંતિમ સંસ્કાર જોઈ શકે.,

major2

આખું મીરા-ભાઈંદર શોકમય

ભારતના શહીદ વીર અને મીરા-ભાઈંદરના પુત્રને અંતિમ વિદાય આપવા ગૃહિણીથી લઈને સિનિયર સિટિઝનો રસ્તાઓ પર જોવા મYયાં હતાં. લોકો ખાસ રજા રાખીને શહીદને અંતિમ વિદાય આપવા જોડાયા હતા. જ્વેલર્સ અસોસિએશનથી લઈને રિયલ એસ્ટેટ, ગાર્મેન્ટ્સ એમ અનેક અસોસિએશનોએ પણ દુકાનો બંધ રાખી હતી. શાકભાજીવાળાઓ પણ અંતિમ વિદાયમાં જોડાયા હતા. આખા મીરા-ભાઈંદરમાં અને વિશેષ રીતે મીરા રોડમાં શોકમય અને દેશભક્તિનું વાતવરણ જોવા મળ્યું હતું. મીરા રોડના અન્ય ભાગોમાં તો સન્નાટો છવાઈ ગયો હતો અને બધા શહીદના નિવાસસ્થાનથી લઈને સ્મશાનભૂમિના રૂટ પર જોવા મYયા હતા.

ફૂલોની જાજમ બનાવી

અંતિમયાત્રા વખતે રસ્તાઓ પર ફૂલો પાથરવામાં આવ્યાં હતાં. ફૂલોની જાજમ પરથી અંતિમયાત્રા પસાર થઈ હતી. ‘ભારત માતા કી જય’, ‘અમર રહો’, ‘જબ તક સૂરજ ચાંદ રહેગા, કૌસ્તુભ તેરા નામ રહેગા’ એવા નારા સતત લોકો લગાવી રહ્યા હતા. આ દૃશ્યમાં બધા લોકો ભાવુક થવાની સાથે ગર્વની લાગણી પણ અનુભવી રહ્યા હતા.

ટ્રાફિક-વ્યવસ્થા જળવાઈ રહી


અંતિમ દર્શનથી લઈને અંતિમયાત્રા દરમ્યાન અંદાજે ૩૦,૦૦૦ લોકો જોડાયા હતા. બધા દેશના શહીદ જવાનને અંતિમ વિદાય આપવા માગતા હતા. અંતિમ વિદાય વખતે ટ્રાફિક-વ્યવસ્થા જાળવી રાખવા માટે ટ્રાફિક-પોલીસ સાથે મીરા રોડના બાપા સીતારામ સેવા સંસ્થા અને વિવિધ મંડળોના ૩૦૦ સ્વયંસેવકોએ અને ખોજા ટ્રસ્ટના ૧૦૦ સ્વયંસેવકોએ ટ્રાફિક-વ્યવસ્થા ખડેપગે સંભાળી હતી. તેમણે ટ્રાફિકના પૉઇન્ટથી લઈને શીતલનગરથી સ્મશાનભૂમિ સુધી જતા રૂટ પર તહેનાત રહીને ટ્રાફિક-નિયંત્રણ કરવામાં પોલીસને મદદ કરી હતી. લોકો પણ રસ્તાની બન્ને બાજુએ વ્યવસ્થિત ઊભા રહીને શહીદની અંતિમયાત્રામાં જોડાયા હતા. મીરા રોડ રિયલ એસ્ટેટ એજન્ટ અસોસિએશને ચાર હજાર પાણીની બૉટલોની વ્યવસ્થા કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK