જૈન સમાજના ટ્રસ્ટનાં બિલ્ડિંગો હાલત બદથી બદતર

નાલાસોપારામાં જૈન સમાજના ટ્રસ્ટનાં બિલ્ડિંગોના રહેવાસીઓની સમસ્યાનો ઉકેલ વર્ષો પછી પણ નથી આવી રહ્યોજયેશ શાહ

નાલાસોપારા (ઈસ્ટ)માં રેલવે-સ્ટેશન પાસેના આચોલે રોડ પર જૈન સમાજની એક સંસ્થાએ બનાવેલા ૫૦૨ ફ્લૅટની હાલત છેલ્લાં આઠ વર્ષથી જોખમી છે, પરંતુ વહીવટદાર ટ્રસ્ટીઓની હુંસાતુંસીને કારણે આર્થિક રીતે નબળા અમુક પરિવારોએ ફરજિયાત પોતાનું ઘર છોડીને ભાડાના મકાનમાં રહેવા જવાનો વારો આવ્યો છે.

છેલ્લાં અનેક વર્ષોથી શ્રી આત્મવલ્લભ ઉત્કર્ષ સમાજ ટ્રસ્ટનાં ૨૩ બિલ્ડિંગોના જૈન પરિવારોએ આવા સંજોગોમાં શહેરના વિવિધ જૈન સંઘો, આગેવાનો અને આચાર્ય મહારાજસાહેબોને તેમની આપવીતી જણાવી છે છતાં હજી સુધી તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવી નથી શક્યો.

આ બિલ્ડિંગોમાં હજી પણ ૪૦થી વધુ પરિવારો રહે છે અને ત્રણ દિવસ પહેલાં એક બિલ્ડિંગનો અમુક ભાગ તૂટી પડ્યો હતો. જોકે સદ્નસીબે એમાં કોઈને ઈજા નહોતી થઈ.

બીજી તરફ વસઈ-વિરાર શહેર નગરપાલિકાએ ૧૫ દિવસ પહેલાં અતિજોખમી બિલ્ડિંગોની શ્રેણીમાં આવી જતાં આ ટ્રસ્ટનાં બિલ્ડિંગના રહેવાસીઓને નોટિસ બજાવી હતી. આ ટ્રસ્ટના વહીવટદારોએ આ સમસ્યાનો ઉકેલ લાવવા અનેક મીટિંગો કરી હોવાનું કહ્યું હતું.

શું છે મામલો?


શ્રી આત્મવલ્લભ ઉત્કર્ષ સમાજ ટ્રસ્ટના બિલ્ડિંગ-નંબર ૯ની રૂમ-નંબર ૧૩માં રહેતા રમેશ વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજથી આશરે ૩૨ વર્ષ પહેલાં વલ્લભસૂરીશ્વરજી મહારાજસાહેબ અને આત્માનંદસૂરીશ્વરજી મહારાજસાહેબની પ્રેરણાથી જૈન સમાજના આર્થિક રીતે નબળા પરિવારજનોને રાહતના દરે પોતાનું ઘર મળી રહે એવા હેતુથી એક વિશાળ પ્લૉટ પર ૨૩ બિલ્ડિંગોમાં ગ્રાઉન્ડ-પ્લસ બે માળના મળીને ૫૦૨ ફ્લૅટ અને ૧૧૬ દુકાનો બનાવાયાં હતાં. અમુક ફ્લૅટ ૨૪૦ અને અમુક ૨૭૦ સ્ક્વેર ફુટના છે. એ સમયે મોટા ભાગના જૈન પરિવારોએ ફ્લૅટદીઠ ૩૫,૦૦૦ રૂપિયા આપ્યા હતા, પરંતુ હવે આ બિલ્ડિંગોની સાર-સંભાળ અને મેઇન્ટેન્સ તથા જરૂરી રિપેરિંગના અભાવે મોટા ભાગનાં બિલ્ડિંગો જોખમી હાલતમાં મુકાઈ ગયાં છે. અમે છેલ્લાં ૧૦ વર્ષથી આ ટ્રસ્ટના વહીવટદારો સાથે અનેક વખત મીટિંગો કરી હતી, પરંતુ દરેક મીટિંગમાં અમને આશ્વાસન આપીને સમય પસાર કરી દેવામાં આવ્યો હતો. હવે ટ્રસ્ટ પાસે આ બિલ્ડિંગોને ડેવલપ કરવા માટે રૂપિયા નથી એવું બહાનું તેઓ કાઢે છે. જૈન સમાજ મહારાજસાહેબની એક અપીલ પર જો અનેક ભવ્ય તીર્થસ્થાનો બનાવી શકતો  હોય તો સાધર્મિક બંધુઓ માટે નવેસરથી તેમનાં ઘર ન બનાવી શકે?’

રહેવાસીઓ શું કહે છે?

બિલ્ડિંગની જોખમી હાલતને કારણે છેલ્લાં બે વર્ષથી બિલ્ડિંગ-નંબર ૨૧ની રૂમ-નંબર ૧૫માં રહેતા વિપુલ મહેતાએ ભાડાના ઘરમાં રહેવા જવું પડ્યું છે. એ વિશે વાત કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે આશય માટે જૈન પરિવારો માટે સોસાયટી બનાવવામાં આવી હતી એ સપનાનું ઘર છોડીને મહિને ૬૦૦૦ રૂપિયાથી વધુ ભાડું ભરીને રહેવા માટે મોટા ભાગના પરિવારો મજબૂર બન્યા છે. અમે અહીં મહિને ૧૫૦ રૂપિયા મેઇન્ટેનન્સના અને વૉટર-ચાર્જના અલગથી ૧૨૦ રૂપિયા ટ્રસ્ટને આપતા હતા. નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજસાહેબની મધ્યસ્થીથી અનેક મીટિંગો વિવિધ ટ્રસ્ટીઓ સાથે અહીં રહેતા પરિવારોએ કરી હતી, પરંતુ અમારી સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે અમારી મુશ્કેલીમાં વધારો થયો છે. અમને બિલ્ડિંગ રિપેરિંગ કરવાની પરમિશન આપી નહીં અને ટ્રસ્ટે રિપેરિંગ હાથ ધર્યું નહીં, પરિણામે મકાનોની હાલત જર્જરિત બની છે. હવે જો કોઈ રહેવાસી તેનું ઘર ટ્રસ્ટને સરેન્ડર કરે તો ટ્રસ્ટ તેને ત્રણ લાખ રૂપિયા ચૂકવે છે. આવા સંજોગોમાં આટલા રૂપિયામાં અમને હવે બીજું ઘર કઈ રીતે મળી શકે? અમુક પરિવારો દર મહિને ભાડાની માતબર રકમ ચૂકવવાને કારણે આર્થિક સંકડામણમાં આવી ગયા છે. આવા પરિવારોની આર્થિક પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. કેન્દ્ર સરકારે રાહતના દરે દરેકને પોતાનું ઘર મળી રહે એ માટે યોજના બનાવી છે, પરંતુ અહીં તો અમારું પોતાનું ઘર છીનવાઈ ગયું છે. બિલ્ડિંગો પડી ગયા હોવા છતાં ટ્રસ્ટ તરફથી હજી મેઇન્ટેનન્સ ઉઘરાવવામાં આવી રહ્યું છે.’

બીજી તરફ શ્રી આત્મવલ્લભ ઉત્કર્ષ સમાજ ટ્રસ્ટના ૧૧૬ દુકાનદારો પૈકીની રોડ તરફના ભાગે આવેલી ૬૭ દુકાનના માલિકો વસઈ કોર્ટમાં ન્યાય માટે ગયા છે. એ વિશે એક દુકાનદારે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રસ્ટના વહીવટદારોએ આ બિલ્ડિંગોને ડેવલપ કરવા માટે ટ્રસ્ટ પાસે આર્થિક ભંડોળ ન હોવાનું કે એ માટે કોઈ ડેવલપર ન હોવાનું કહ્યું છે એથી અમે અમારા એક ડેવલપરને આ જગ્યા ડેવલપ કરવાનું કહ્યું છે. એ માટે કોર્ટમાં રજૂઆત પણ કરવામાં આવી છે. હાલમાં અમારો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.’

ટ્રસ્ટીઓ શું કહે છે?


શ્રી આત્મવલ્લભ ઉત્કર્ષ સમાજ ટ્રસ્ટના વહીવટદાર કાંતિ જૈન સાથે ‘મિડ-ડે’એ તેમનો પક્ષ જાણવા ફોનથી વાત કરી હતી જેમાં કાંતિભાઈએ કહ્યું હતું કે ‘અમે ટ્રસ્ટનાં આ બિલ્ડિંગોને ડેવલપ કરવા માટે જહેમત ઉઠાવી રહ્યા છીએ. એક ડેવલપરે પ્લાન બનાવીને નગરપાલિકામાં મૂક્યો છે, પરંતુ FSIના મામલે કામ અટક્યું છે.’

અન્ય ટ્રસ્ટીઓને ‘મિડ-ડે’એ ફોન કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઊંચક્યો નહોતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy