ગાંધી માર્કેટની પાઇપલાઇનમાં લીકેજ હોવાથી રહેવાસીઓના ઘરે ગંદું પાણી આવી રહ્યું છે

વાંદાઓની સમસ્યા પણ ઊભી થઈ છે, પણ અહીંના ઘણા લોકો જૈન હોવાથી તેઓ કૉક્રોચને મારી શકતા નથી

કિંગ્સ સર્કલ પાસે આવેલા મહાત્મા ગાંધી માર્કેટના કેટલાય રહેવાસીઓના ઘરે છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું ગંદું પાણી આવી રહ્યું છે. એના પરિણામે અહીંના ઘણા રહેવાસીઓને આ પાણી પીવાથી પેટમાં દુખાવાની સાથે ઊલટી પણ થઈ રહી છે. આઘાતજનક વાત તો એ છે કે આ વિસ્તારમાં ગટરની પાઇપલાઇનો લીક થવાથી અહીંના રહેવાસીઓના ઘરમાં વાંદાઓની પણ સમસ્યા પેદા થઈ છે, પણ આ વિસ્તારમાં ઘણા લોકો જૈન સમાજના હોવાથી તેઓ આ વાંદાઓને મારી શકતા નથી અને આ વાંદાઓને મારવા માટે તેઓ કોઈ દવાનો પણ ઉપયોગ કરી રહ્યા નથી.

આઘાતજનક વાત તો એ છે કે આ સમસ્યા બાબત સુધરાઈમાં વારંવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી તથા રહેવાસીઓને પાણી ઉકાળીને કે ગાળીને પીવાની પણ સલાહ આપવામાં આવી નથી. આ બાબત કૉન્ગ્રેસી કૉર્પોરેટર નયના શેઠ-દોશીએ મિડ-ડે LOCALને વાયદો આપ્યો છે કે તેઓ રહેવાસીઓની મદદ કરશે અને આ સમસ્યાથી તેમને જલદી જ મુક્તિ અપાવશે. 

મહાત્મા ગાંધી માર્કેટ પાસે આવેલા મોતીબાગ બિલ્ડિંગમાં છેલ્લા એક અઠવાડિયાથી ગંદું પાણી આવી રહ્યું છે. આ વિસ્તારની ગટરની લાઇનો સાફ જ કરવામાં આવી ન હોવાથી આ સમસ્યા નિર્માણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આથી આ વિસ્તારમાં મચ્છરોની અને વાંદાઓની પણ સમસ્યા નિર્માણ થઈ છે. આ બિલ્ડિંગના રહેવાસીઓ ફક્ત જૈન સમાજના છે. એથી તેઓ આ વાંદાઓને મારવા માટે પણ ઘરમાં કોઈ દવાનો ઉપયોગ કરી શકતા નથી.

મોતીબાગ બિલ્ડિંગમાં રહેતા શિરીષ ઝવેરીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારા ઘરમાં માટીની સાથે પીળા રંગનું પાણી નળમાં આવી રહ્યું છે. આ પાણી પીવાલાયક નથી અને ગટરની પાઇપલાઇનો સાફ થઈ ન હોવાથી અમારા વિસ્તારમાં વાંદાઓની સમસ્યા ઊભી થઈ છે. અમે જૈન છીએ એથી અમે વાંદાઓને મારી શકતા નથી. અમે સુધરાઈમાં ઘણી વાર આ સમસ્યા બાબત ફરિયાદ કરી છે, પણ અમને કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવી નથી.’

આ બિલ્ડિંગમાં રહેતાં પંકજ દલાલ અને તેમનાં પત્ની શોભના દલાલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે શરૂઆતમાં ૧૦થી ૧૫ મિનિટ સુધી પાણી જવા દઈએ છીએ અને ત્યાર બાદ જ પાણી ભરીએ છીએ. આ સમસ્યા પહેલી વાર અમારા વિસ્તારમાં થઈ છે. અમારા વિસ્તારમાં પાણી પણ ભરાઈ જાય છે. એના કારણે જ અમારી પાણીની પાઇપલાઇનો લીક થઈ હશે. ગયા રવિવારે વરસાદમાં અમારા ઘરમાં ૧ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું.’

આ બિલ્ડિંગમાં રહેતાં વિશાલ ગલિયા અને તેમનાં પત્ની ભૂમિકાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ ગંદું પાણી પીવાથી અમારું સ્વાસ્થ્ય ઘણું જોખમમાં મુકાઈ ગયું છે. આ વરસાદમાં અમારા વિસ્તારની એક પણ ગટર સાફ કરવામાં આવી નથી. આ વિસ્તારમાં નવી ફૂટપાથો હાલમાં ખોદકામ કરી બનાવવામાં આવી હતી ત્યાર બાદ જ આ સમસ્યા ઊભી થઈ હોવાની અમને આશંકા છે.’

આ વિસ્તારમાં રહેતા નેમિશ ઝવેરીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ સમસ્યાથી અમે ઘણા કંટાળી ગયા છીએ અને અમે બહારથી ખરીદીને પીવાનું પાણી વાપરીએ છીએ. અમારા વિસ્તારમાં વાંદાઓની પણ સમસ્યા ઊભી થઈ છે. પરંતુ અમારા બિલ્ડિંગમાં જ ટેરેસ પર જૈન દેરાસર બનાવવામાં આવ્યું છે. અમે આ વાંદાઓથી ઘણા કંટાળી ગયા છીએ.’

સુધરાઈનું શું કહેવું છે?


સુધરાઈના અધિકારીઓએ કહ્યું હતું કે ‘આ વિસ્તારની અમુક પીવાની પાઇપલાઇનોમાં લીકેજ થયું છે અને અમે હાલમાં રહેવાસીઓની ફરિયાદના આધારે તપાસ કરી રહ્યા છીએ. વરસાદને કારણે આ વિસ્તારમાં પાણી ભરાતું હોવાથી આ સમસ્યા થઈ હોવાનું અમને જાણવા મળ્યું છે. આ સમસ્યા અમે જલદી દૂર કરીશું.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK