વોટ-બૅન્કની રાજનીતિ એ આનું નામ

સાયન-માટુંગાના વિધાનસભ્યને ફૂટપાથના રિનોવેશનનું કામ કરાવવાનો સમય નથી, પણ પ્રાઇવેટ સોસાયટીમાં પેવર-બ્લૉક્સ બેસાડવા તેમના ફન્ડનો ઉપયોગ કર્યો : ફૂટપાથ રાહદારીઓને ચાલવા માટે જાનનું જોખમ બની ગઈ હોવા છતાં એના પર દુર્લક્ષ કરવામાં આવતું હોવાની ફરિયાદરોહિત પરીખ

સાયન-વેસ્ટમાં એક્સપ્રેસ હાઇવે પાસેની ફૂટપાથની કથળેલી હાલતને સુધારવાને બદલે એક કો-ઑપરેટિવ સોસાયટીમાં પેવર બ્લૉક્સ બેસાડવા માટે સાયન-માટુંગાના કૉન્ગ્રેસના વિધાનસભ્ય જગન્નાથ શેટ્ટીએ તેમનું ૨૦૧૩-’૧૪નું ફન્ડ ખર્ચવા સામે ત્યાંના સ્થાનિક રહેવાસીઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે ‘સોસાયટીમાં પેવર બ્લૉક્સ બેસાડવા કરતાં પહેલાં સોસાયટીની બહારની ફૂટપાથનું રિનોવેશન કરવાની જરૂર હતી તો પણ એના પર વિધાનસભ્યને ફન્ડ ખર્ચવાનો કે એનું રિનોવેશન સંબંધિત વિભાગ પાસેથી કરાવી દેવાનો વિચાર કેમ ન આવ્યો કે પછી તેઓ વોટ-બૅન્કની રાજનીતિ ખેલી રહ્યા છે?’

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેનો જ્યાં પૂરો થાય છે એ સાયનના ફ્લાયઓવર પાસે ૐ શિવ સાંઈ કો-ઑપરેટિવ સોસાયટી આવેલી છે. જગન્નાથ શેટ્ટીએ તેમના ફન્ડમાંથી ફક્ત આ સોસાયટીમાં પેવર-બ્લૉક્સ બેસાડવાનું કામ શરૂ કરાવ્યું; એટલું જ નહીં, એ કામ તેમણે કરાવ્યું છે એની જાહેરાત કરતાં સોસાયટીના પરિસરની બાઉન્ડરી-વૉલ પર આઠથી દસ ર્બોડ પણ લગાડી દીધાં છે. આ જ સોસાયટીની બહાર એક્સપ્રેસ હાઇવે સાથેની ફૂટપાથની હાલત ઘણા લાંબા સમયથી કથળી ગઈ છે. એના પેવર બ્લૉક્સ ઊખડી ગયા છે. ફૂટપાથ પરની ગટરનાં ઢાંકણાં તૂટી ગયાં છે અને અમુક જગ્યાએ ગટરનાં ઢાંકણાં છે જ નહીં. આ પરિસ્થિતિમાં આ ફૂટપાથ પર રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી નડે છે. આ રસ્તો ટ્રાફિકથી જૅમ રહેતો હોવાથી અને ખાલી હોય ત્યારે વાહનો ફુલ સ્પીડમાં ચાલતાં હોવાથી રાહદારીઓએ ફરજિયાત ફૂટપાથનો જ ઉપયોગ કરવો પડે છે. રાહદારીઓ માટે રસ્તા પર અને ફૂટપાથ બન્ને પર ચાલવામાં જાનનું જોખમ રહેલું છે.

આ પરિસ્થિતિની જાણકારી આપતાં સ્થાનિક રહેવાસી સુભાષ મ્હાત્રેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારા વિધાનસભ્યને આ પરિસ્થિતિ કેમ નજરમાં ન આવી? તેમણે તેમના ફન્ડમાંથી સોસાયટીના પરિસરમાં અને બાજુના કૃષ્ણમંદિરના પરિસરમાં પેવર બ્લૉક્સ બેસાડવાનું નક્કી કર્યું ત્યારે જ કેમ આ ફૂટપાથના રિનોવેશનની યાદ ન આવી? ફૂટપાથનું રિનોવેશન-કામ પણ સોસાયટીની સાથે જ તેઓ કરાવી શક્યા હોત, પણ કદાચ ફૂટપાથનું કામ કરવાથી તેમની વોટ-બૅન્ક મજબૂત બનાવવા પર તેમને શંકા હશે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK