માટુંગાની હવે મને આદત પડતી જાય છે

ઘાટકોપરથી પરણીને આવેલી ‘બાલિકા વધૂ’ની લેટેસ્ટ આનંદી એટલે કે તોરલ રાસપુત્રા કહે છે...

ડિસેમ્બરમાં મારાં મૅરેજ થયાં એ પછી હું ઘાટકોપરથી માટુંગા આવી. માટુંગા મારા માટે લકી પુરવાર થયું છે. અહીં આવ્યા પછી જ મને ‘બાલિકા વધૂ’ જેવી સુપરહિટ સિરિયલ મળી. મારો જન્મ અને ઉછેર ઘાટકોપરમાં થયો છે, પણ માટુંગા મારા માટે સહેજ પણ નવું નહોતું. પોદાર કૉલેજમાં મેં ઍડ્મિશન લીધું હતું એટલે છેલ્લાં આઠેક વર્ષથી હું નિયમિત માટુંગા અવરજવર કરતી હતી.

ઘાટકોપર અને માટુંગાની કમ્પેરિઝન શક્ય નથી; કારણ કે ઘાટકોપર ગુજરાતના કોઈ એક શહેર જેવું છે, જ્યારે માટુંગા સાઉથના કોઈ એક શહેર જેવું છે. જેમ ઑથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવું હોય તો એ માટે ઘાટકોપરમાં જગ્યા શોધવા ન જવી પડે એવી રીતે ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ ખાવું હોય તો માટુંગાની કોઈ પણ રેસ્ટોરાંમાં બેસી જાઓ તો ચાલે, સાઉથ ઇન્ડિયન ફૂડ ઑથેન્ટિક જ મળે. એમ્પ્રેસ્સો કૉફીનું પણ એવું જ. માટુંગા જેવી એમ્પ્રેસ્સો કૉફી તમને મુંબઈ આખામાં ક્યાંય પીવા ન મળે. મારી વાત કરું તો મને મૈસૂર ઑડિટોરિયમની નજીક આવેલી કૅફે મદ્રાસ નામની રેસ્ટોરાંનું ફૂડ ખૂબ જ ભાવે છે. માટુંગા સ્ટેશનની સામે શારદા ભુવન નામની એક ઉડિપી રેસ્ટોરાં છે જ્યાં કૉલેજના સમયમાં અમારો અડ્ડો હતો. ત્યાં અમે ગપાટા મારતાં બેસી રહેતા. આજે પણ કૉલેજના દિવસો યાદ આવે અને બધા ફ્રેન્ડ્સ મળવાનું નક્કી કરીએ ત્યારે અમે શારદા ભુવનમાં જ મળીએ છીએ અને કલાકો બેસી રહીએ છીએ.

માટુંગા સાથે મારો કોઈ એવો ઘનિષ્ઠ નાતો તો હજી સુધી બંધાયો નથી, પણ જે કોઈ સમયની રિલેશનશિપ છે એના પરથી એટલું ચોક્કસ કહી શકું કે માટુંગાનું પોતાનું એક મિક્સ કલ્ચર છે એટલે ઘાટકોપરની જેમ અહીં ફક્ત ગુજરાતી નાટકો જ જોવા મળે એવું નથી બનતું. માટુંગામાં ગુજરાતી નાટક પણ જોવા મળે, મરાઠી અને અંગ્રેજી નાટક પણ આવે, આરંગેત્રમ પણ જોવા મળે અને ક્યારેક પંજાબી ફોક ડાન્સનો શો પણ જોવા મળી જાય. કેટલાક તો એવા શો પણ જોવા મળે જેનું નામ પણ આપણને બોલતાં આવડે નહીં. આ દૃષ્ટિએ હું ચોક્કસ કહું કે ઘાટકોપર કરતાં માટુંગામાં કલ્ચરલ ઍક્ટિવિટીમાં વૈવિધ્ય જોવા મળે છે, જેને કારણે કલાકાર કે આર્ટ-ફીલ્ડના લોકોને નવું-નવું જાણવા અને શીખવા મળતું રહે છે. માટુંગાની એક વાત મેં ઑબ્ઝર્વ કરી છે. માટુંગામાં બીજાં સબબ્ર્સની સરખામણીમાં કૉલેજો વધુ છે. ઘણી કૉલેજોમાં તો સવાર અને સાંજ એમ બે-બે શિફટ પણ ચાલે છે. કૉલેજો વધુ હોવાને કારણે માટુંગામાં હૉસ્ટેલ છે અને પેઇંગ ગેસ્ટ તરીકે પણ ઘણા રહે છે. એમ છતાં અહીં છોકરીઓની છેડતી થઈ હોય કે મશ્કરી કરવામાં આવી હોય એવું ક્યારેય સાંભળવા નથી મળ્યું.

નાનપણથી ગુજરાતી એરિયામાં મોટી થઈ હતી એટલે મનમાં એક પ્રકારનો સલામતીનો ભાવ અકબંધ રહેતો હતો. મૅરેજ સમયે મનમાં સહેજ ટેન્શન પણ હતું કે માટુંગા જેવા મિક્સ કલ્ચરના વિસ્તારમાં ફાવશે કે નહીં; પણ ટુ બી ઑનેસ્ટ ફાવવાનું તો ઠીક, હવે અહીં ગમી ગયું છે. ઘાટકોપરમાં મારી ફૅમિલી રહે છે એટલે એ રીતે સ્વાભાવિક જવાનું મન થાય, પણ માટુંગાની હવે મને આદત પડતી જાય છે. મારા ઘાટકોપરના ફ્રેન્ડ્સને મળવું હોય કે તેમની સાથે બહાર જમવું હોય તો હવે અમે એ પ્રોગ્રામ માટુંગામાં જ ગોઠવીએ છીએ. અહીં જ મળવાનું, અહીં જ ફરવાનું, અહીં જ જમવાનું અને પછી છૂટા પડીને સૌ-સૌના ઘરે જવાનું.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK