સાયન રેલવે-સ્ટેશનના રેલવે બ્રિજ પર ઇન્ડિકેટરનો અભાવ

રેલવે-અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા ન હોવાની પ્રવાસીઓએ કરી ફરિયાદસાયન રેલવે-સ્ટેશનમાં પ્લૅટફૉર્મ પર ટ્રેનનો સમય દર્શાવતાં ઇન્ડિકેટરો રાખવામાં આવ્યાં છે, પરંતુ બે રેલવે ફૂટઓવર બ્રિજમાંથી એક પણ બ્રિજ પર ઇન્ડિકેટર લગાવવામાં આવ્યું નથી. આને કારણે પ્રવાસીઓને ટ્રેનના સમયની ખબર ન પડતાં મુશ્કેલી પડે છે. રેલવેના અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા ન હોવાથી પ્રવાસીઓએ તકલીફ વેઠવી પડે છે.

આ વિશે સાયનનાં રેલવે-પ્રવાસી સુનીતા ગજ્જરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘છેલ્લા ઘણા સમયથી રેલવે ફૂટઓવર બ્રિજ પર ઇન્ડિકેટર નથી એને કારણે કઈ ટ્રેન કેટલા વાગ્યે આવશે એની જાણ થતી નથી અને એ માટે ઠેઠ પ્લૅટફૉર્મ પર જવું પડે છે. ઘણી વાર મેગા બ્લૉક અથવા જમ્બો બ્લૉક હોય ત્યારે તો પ્રવાસીઓને અતિશય મુશ્કેલી પડે છે. એક નહીં પરંતુ બે બ્રિજમાંથી એકેય બ્રિજ પર ઇન્ડિકેટર નથી તેમ જ ટિકિટ-વિન્ડો પર એકેય ઇન્ડિકેટર ન હોવાથી રેલવે-પ્લૅટફૉર્મ પર ઊતર્યા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.’

અન્ય એક પ્રવાસી કિરણ મજુમદારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘જો બ્રિજ અથવા ટિકિટ-વિન્ડો પર ઇન્ડિકેટર હોય તો કઈ ટ્રેન કેટલા વાગ્યે આવશે એની જાણ થાય અને ટ્રેન પકડવામાં સરળતા રહે. ઇન્ડિકેટરના અભાવને કારણે પ્લૅટફૉર્મ પર જેવી ટ્રેન દેખાય કે પ્રવાસીઓ ટ્રેન પકડવા દોડી જાય છે અને એમાં ઘણી વાર પ્રવાસીઓ પડી જવાથી ઈજા પણ થાય છે. અમુક પ્રવાસીઓ તો ટિકિટ-વિન્ડો પર ટિકિટ ખરીદી રહ્યા હોય એવા સમયે ટ્રેન આવેલી જોઈને ભાગવા માંડે છે. બ્રિજ પરથી પ્લૅટફૉર્મ પરનાં ઇન્ડિકેટરો જોઈ શકાતાં ન હોવાથી કઈ ટ્રેન કેટલા વાગ્યે આવશે એ જાણી શકાતું નથી. રેલવેએ વહેલી તકે બન્ને રેલવે ફૂટઓવર બ્રિજ પર વધુ નહીં તો કમસે કમ એક-એક ઇન્ડિકેટર તો લગાવવું જ જોઈએ જેથી પ્રવાસીઓને મુશ્કેલી ઓછી પડે.’

આ વિશે રેલવે-અધિકારી સાથે વાત કરતાં તેમણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે આ બાબતે ઉચ્ચ અધિકારીઓને વાત કરીશું. શક્ય હોય એટલું જલદી ઇન્ડિકેટર ઇન્સ્ટૉલ કરાવીશું.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK