સાયનમાં પ્રાઇવેટ બસ સામેની લડત વધુ ઉગ્ર બની

પોલીસ, સુધરાઈ, રાજકારણીઓના પ્રયત્નો અને સહાય છતાં ટ્રાવેલ્સવાળાઓ કોઈને ગાંઠતા નથીમુંબઈના સૌથી વ્યસ્ત અને મોટા ગણાતા સાયન સર્કલ પર પ્રાઇવેટ બસોના પાર્કિંગ અને પિક-ડ્રૉપ સુવિધાને કારણે ટ્રાફિકની ભારે સમસ્યા થાય છે. ટ્રાવેલ્સવાળાઓની આ પ્રવૃત્તિનો લગભગ છેલ્લા આઠ મહિના કરતાં વધુ સમયથી વિરોધ કરી રહેલા સાયન વેલ્ફેર ફોરમ અને કોલીવાડા વિકાસ મંચના સભ્યોએ મંગળવારે ટ્રાફિક-પોલીસની મદદથી ટ્રાવેલ્સવાળાઓને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં અને અંદરની તરફ લેફ્ટ ટર્ન લેતાં અટકાવ્યા હતા. આ દરમ્યાન ટ્રાવેલ્સવાળાઓની દાદાગીરી વધી હતી અને તેમણે ફોરમના સભ્યો સાથે ઝઘડો શરૂ કરી બસોની અવરજવર ચાલુ રાખતાં ટ્રાફિક જૅમની સમસ્યા નિર્માણ કરી હતી.

આ વિશે વધુ માહિતી આપતાં સાયન વેલ્ફેર ફોરમના મનીષ શેઠે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ટ્રાફિકના નિયમ પ્રમાણે સાયન સર્કલથી હેવી વેહિકલ્સને લેફ્ટ ટર્ન લેવાની મનાઈ છે અને આ માટે કાયદેસર ‘નો હેવી વેહિકલ્સ’નું સાઇન-ર્બોડ પણ ત્યાં લગાવવામાં આવ્યું હોવા છતાં મંગળવારે પ્રાઇવેટ બસોવાળા નિયમનો ભંગ કરી બિન્દાસ લેફ્ટ ટર્ન લઈ રહ્યા હતા, જેને કારણે લોકોને હેરાનગતિ થતી હતી. કાયદાનું અમલીકરણ થતું ન હોવાને કારણે અમે ૧૨ જેટલા સભ્યોએ વિરોધ કરી તેમને બસો માટે હાઇવે પર ફાળવવામાં આવેલી જગ્યા પર બસો લઈ જવાની રિકવેસ્ટ કરી હતી ત્યારે તેમણે અમારી વાતનો ઇનકાર કરી માથાકૂટ ચાલુ કરી દીધી હતી અને કોઈને ગાંઠતા નહોતા. ત્યાર બાદ તેમણે ગુંડાઓ પણ બોલાવ્યા હોવાથી અમે સિનિયર પોલીસ-અધિકારીને ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતાં જ ટ્રાફિક વિભાગના સિનિયર પોલીસ-અધિકારી ભોસલેએ ટોઇંગ વૅન મોકલી હતી અને કાર્યવાહી કરી અમને સહકાર આપ્યો હતો. સાયન સર્કલ પર ટ્રાવેલ્સની બસોને કારણે ટ્રાફિક જૅમ થતાં નગરસેવક પણ મદદ માટે દોડી આવ્યા હતા અને છેવટે ટ્રાવેલ્સવાળાઓને ત્યાંથી હટવાનું કહેતાં જતા રહ્યા હતા. રોજની આ સમસ્યા માટે અમને ટ્રાફિક વિભાગ, નગરસેવક અને પોલીસ સહિત સુધરાઈની મદદ મળી રહી છે એમ છતાં ટ્રાવેલ્સવાળાઓ એકના બે થવા તૈયાર નથી અને સ્થાનિકો તેમ જ વાહનચાલકો માટે અનેક મુશ્કેલીઓ ઊભી કરે છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK