કરોડો રૂપિયા ખર્ચીને તૈયાર થયેલો સાયનનો સ્કાયવૉક ફાજલ

છતાં અનેક જગ્યાએથી લાદીઓ નીકળી ગઈ છે

રોહિત પરીખ

સાયન સ્ટેશન પાસે આવેલી સ્કૂલોના વિદ્યાર્થીઓની સુવિધા માટે MMRDAએ ૨૦૧૦ની સાલમાં છ કરોડ રૂપિયા ખર્ચીને સ્કાયવૉકનું બાંધકામ કર્યું હતું. એ સમયે MMRDAએ દાવો કયોર્ હતો કે આ સ્કાયવૉકનો નજીકની સ્કૂલના ૧૫,૦૦૦ વિદ્યાર્થીઓ અને રોજના ૫૦,૦૦૦ લોકો ઉપયોગ કરશે, જ્યારે વાસ્તવિકતામાં ત્રણ વર્ષની અંદર સ્કૂલના વિદ્યાર્થીઓએ આ સ્કાયવૉકનો ભાગ્યે જ ઉપયોગ કયોર્ છે અને દિવસના ૧૦૦ જણ પણ આ સ્કાયવૉકનો ઉપયોગ કરતા નથી. આમ છતાં આ સ્કાયવૉકની  જાળવણીના અભાવે અનેક જગ્યાએથી લાદીઓ નીકળી ગઈ છે.

સાયન સ્ટેશન પાસે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા છે. વેસ્ટર્ન અને સેન્ટ્રલને રોડથી જોડતા આ સ્ટેશન પાસેથી સ્કૂલના વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝનોને રોડ ક્રૉસ કરવામાં તકલીફ થાય છે. આના માટે રેલવે-સ્ટેશન પાસે ફૂટઓવર બ્રિજની સ્થાનિક રહેવાસીઓની માગણી હતી, પણ આ માગણી પૂરી થઈ નહોતી. આવા સમયે MMRDAનો સ્કાયવૉકનો પ્રોજેક્ટ આવતાં નજીકની સ્કૂલના ટીચર્સ અને પેરન્ટ્સે આ પ્રોજેક્ટ વિકાસ પામે એ માટે પ્રયાસ કર્યા હતા જેમાં તેમને સાયનના રહેવાસીઓનો સાથ મળતાં તેઓ આ પ્રોજેક્ટને આગળ લઈ જવામાં સફળ રહ્યા હતા. સ્ટેશન સાથે જોડાયેલો સ્કાયવૉકનો એક રસ્તો સાયન સર્કલ તરફ જતા સબવે તરફ અને બીજો ડૉ. આંબેડકર રોડ તરફ જાય છે.

આ માહિતી આપતાં સાયનના એક જાગૃત નાગરિક જયેન્દ્ર શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ તો સફળતાથી પૂરો થયો હતો, પણ છેલ્લાં ત્રણ વર્ષમાં આ સ્કાયવૉકનો ઉપયોગ નહીંવત્ છે. આ સ્કાયવૉક એટલીબધી હાઇટ પર છે કે એનો ઉપયોગ ત્રણ વર્ષમાં તો નથી જ થયો, પણ ક્યારેય વિદ્યાર્થીઓ કે સિનિયર સિટિઝન કરશે પણ નહીં. આમ પબ્લિકના ખર્ચે પબ્લિકની સુવિધાના નામે બંધાયેલા આ સ્કાયવૉક માટે ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK