સાયનમાં આવેલાં સુધરાઈનાં ગાર્ડન્સથી બચ્ચાપાર્ટી દૂર

બાળકો માટેનાં રમતગમતનાં મોટા ભાગનાં સાધનો તૂટી ગયાં છે અને એને બદલવાની કે રિપેર કરવાની કોઈ દરકાર કરવામાં આવતી નથીબકુલેશ ત્રિવેદી

સાયનમાં સિંધી કૉલોની પાસે લ્ત્ચ્લ્ (સાઉથ ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી) કૉલેજ ઑફ આટ્ર્‍સ, સાયન્સ ઍન્ડ કૉમર્સ સામે રોડ-નંબર ૨૪ પર આવેલા એચ. બી. શિવદાસાની ગાર્ડન અને સાયન હૉસ્પિટલ સામે આવેલા માતા લક્ષ્મી પાર્કમાં ફૂલછોડનું તો સારું ધ્યાન રાખવામાં આવે છે, પણ બાળકો માટેનાં રમતગમતનાં સાધનોમાંથી મોટા ભાગનાં સાધનો તૂટી ગયાં છે અને એની કોઈ દરકાર કરવામાં આવતી નથી. આને કારણે મોટેરાઓ તો ગાર્ડનમાં આવીને તેમનો સમય પસાર કરતા જોવા મળે છે, પણ આ ગાર્ડન્સથી બચ્ચાપાર્ટી દૂર થઈ ગઈ છે.

સુધરાઈના એચ. બી. શિવદાસાની ગાર્ડનમાં લસરપટ્ટીઓ છે તો એના પર ચડવાની લોેખંડની સીડી તૂટી ગઈ છે. જે થોડાં ગણ્યાંગાંઠ્યાં બાળકો આવે છે તે લસરપટ્ટી પરથી જ ચડે છે અને લસરે છે. હીંચકાનાં તો ફક્ત સ્ટૅન્ડ (પાઇપનું સ્ટ્રક્ચર) જ છે, હીંચકા ગાયબ છે. ટૉડલર્સ (પાંચ વર્ષથી નાનાં) બાળકો માટેની પ્લાસ્ટિકની લસરપટ્ટી તૂટેલી છે અને નાના હીંચકા ગાયબ છે. ઈવન મોટેરાઓ માટે છાપરા સાથે રાખવામાં આવેલા મોટા ઝૂલા પણ ગાયબ છે. આમ રમવાનાં સાધનો તૂટેલાં હોવાથી બાળકો આ ગાર્ડનમાં ભાગ્યે જ રમવા આવે છે. જોકે આ ગાર્ડનમાં ફૂલછોડ સારી રીતે મેઇન્ટેઇન થતા હોવાનું જોવા મળ્યું છે. એ સાથે જ બેસવાની કૉન્ક્રીટની અને લોખંડની બેન્ચો સારી કન્ડિશનમાં છે જેને કારણે ખાસ કરીને સિનિયર સિટિઝનો અને સામે જ કૉલેજ હોવાથી કૉલેજના સ્ટુડન્ટ્સ આ ગાર્ડનમાં આવે છે.

આ ગાર્ડનની દેખભાળ સુધરાઈએ પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટરને આપી છે. એમ છતાં થોડા દિવસ પહેલાં નગરસેવક અને અન્ય કોઈ પૉલિટિકલ પાર્ટીના લોકો અહીં આવી ગયા છે અને ઇન્સ્પેક્શન કરી ગયા છે એમ ત્યાંના લોકોનું કહેવું છે. રાજકારણીઓએ આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં રમતગમતનાં સાધનોને રિપેર કરવામાં આવશે. જોકે એ ક્યારે થશે એની બાળકો રાહ જોઈ રહ્યાં છે.

સાયન હૉસ્પિટલ સામે પણ પ્રમાણમાં થોડો નાનો પણ વર્ષો જૂનો માતા લક્ષ્મી પાર્ક આવેલો છે. એની હાલત પણ એચ. બી. શિવદાસાની ગાર્ડન જેવી જ છે. અહીં પણ ફૂલઝાડનું સારું ધ્યાન રાખવામાં આવ્યું છે, પણ રમતગમતનાં સાધનોની ઉપેક્ષા કરવામાં આવી છે.  હીંચકા નથી, ઊંચકનીચક તૂટી ગયાં છે, સિનિયર સિટિઝનો માટેનો ઝૂલો પણ ગાયબ છે, જૉગિંગ ટ્રૅક પરની લાદીઓ ઊખડી ગઈ છે. વધુમાં ત્યાં એક નાનું-એવું જિમ્નેશ્યમ બનાવવામાં આવ્યું છે જેના પર હાલ તાળું છે અને એની અંદર કસરતનાં સાધનો ધૂળ ખાઈ રહ્યાં છે. ફુવારો છે પણ પાણી નથી, લાઇટિંગ પણ નથી. વળી પાર્કની આસપાસ ઊભા રહેતા લારીગલ્લાવાળાઓ તેમનો સામાન ગાર્ડનની જાળીમાંથી ગાર્ડનમાં મૂકતા હોવાનું જોવા મળ્યું છે. આસપાસના રહેવાસીઓનું કહેવું છે કે અનેક વાર આ માટે સુધરાઈને કહેવામાં આવે છે, પણ કોઈ ફરક પડતો નથી. જો રમતગમતનાં સાધનો તૂટેલાં હોય તો બાળકો કઈ રીતે રમે? જિમ્નેશ્યમ બનાવ્યું એનો ફાયદો શું? વધુ નહીં, પણ જે સામાન્ય જરૂરિયાતો છે એ તો પૂરી થવી જ જોઈએ. હીંચકા, લસરપટ્ટી, ઊંચકનીચક રિપેર કરાવવામાં આવે તો ફરી આ ગાર્ડન પહેલાંની જેમ બાળકોના કિલ્લોલથી ભરાઈ જશે.’

આઇલૅન્ડ ગાર્ડનના પ્લૉટ પર ગેરકાયદે કબજો

ડૉક્ટર આંબેડકર રોડ પર સાયનથી માટુંગા જતા ફ્લાન્ક રોડ જંક્શન પર મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ પાસે ટ્રાફિક-આઇલૅન્ડ પર એક ટ્રાયેન્ગ્યુલર આઇલૅન્ડ છે જે ગાર્ડન માટેનો પ્લૉટ છે, પણ છેલ્લાં આઠ-દસ વર્ષથી એમાં કેટલાક ઝૂંપડાવાસીઓએ ધામા નાખ્યા છે અને ત્યાં જ રહે છે. તેમણે કહ્યું હતું કે ‘અમારાં ઝૂંપડાં સુધરાઈએ તોડી નાખ્યા બાદ અમે વર્ષોથી અહીં રહીએ છીએ. ક્યારેક સુધરાઈના કર્મચારીઓ આવીને અમારો સામાન ફેંકી દે છે; પણ અમે અહીંથી નથી જવાના, અહીં જ રહીશું. ચોમાસાના ચાર મહિના અમે પ્લાસ્ટિકનો શેડ બાંધીએ છીએ, બાકી તો ખુલ્લામાં પડ્યા રહીએ છીએ.’

આ આઇલૅન્ડની સામે જ પોલીસ-ક્વૉર્ટર્સ આવેલાં છે. આ બાબતે પોલીસે કહ્યું હતું કે ‘અમે ઘણી વાર આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે, પણ એ લોકો ફરી આવીને ધામા નાખે છે. અમે પણ હવે તેમનાથી કંટાળી ગયા છીએ. તેઓ ત્યાં જ રહે છે. ખુલ્લામાં રાંધવું, ખાવું,

કપડાં-વાસણ ધોવાં બધું જ ત્યાં કરી આખો વિસ્તાર ગંદો કરી નાખ્યો છે. ગાર્ડનના પ્લૉટની દુર્દશા કરી નાખી છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK