આવી સુધરાઈ પાસે લોકો અપેક્ષા રાખી શકે ખરા?

માટુંગાની F નૉર્થ ઑફિસની બહાર જ ખાડો અને કચરાના ઢગલા


રોહિત પરીખ

માટુંગાના તેલંગ રોડ પર આવેલી સુધરાઈની F નૉર્થ ઑફિસની બહાર જ ખાડો અને એમાં કચરાના થતા ઢગલા જોઈને સ્થાનિક રહેવાસીઓને નવાઈ લાગી છે. જે સુધરાઈ પોતાનું આંગણું સાફ ન રાખી શકતી હોય એની પાસેથી બીજી શું આશા રાખી શકાય એવો સવાલ લોકો પૂછી રહ્યા છે. આ બાબતની માહિતી આપતાં સ્થાનિક સામાજિક કાર્યકર વૈભવ વોરાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘થોડાં સમય પહેલાં મિડ-ડે LOCALમાં સમાચાર વાંચવા મળ્યા હતા કે સુધરાઈની આ ઑફિસની સામેના રસ્તાઓ કોઈ કેબલ કંપનીએ ખોદીને મૂકી દીધા પછી એને સમથળ બનાવ્યા નથી. આ રસ્તાઓ સુધરાઈની ઑફિસની સામે આવેલા હોવા છતાં એના અધિકારીઓ આ બાબત પર કોઈ જ કાર્યવાહી કરતા નથી.

સામેના રસ્તાની વાત તો દૂર રહી, જે સુધરાઈ પોતાની ઑફિસની નીચે જ જમા થઈ રહેલા કચરા અને કાટમાળને સાફ કરવા પગલાં લેતી નથી એની પાસેથી બીજા રસ્તાઓની સફાઈની શું અપેક્ષા રાખી શકાય.’આ ફરિયાદના સંદર્ભમાં વૈભવ વોરાએ વધુમાં કહ્યું હતું કે ‘F નૉર્થ ઑફિસના મેઇન ગેટ પાસે જમા થઈ રહેલા કચરા માટે સંબંધિત ડિપાર્ટમેન્ટમાં અનેક વાર ફરિયાદ કરી હોવા છતાં પંદર દિવસ થયા કચરો સાફ થયો નથી. ચોમાસું નજીક આવી રહ્યું છે. જો આ જ પરિસ્થિતિ રહી તો સુધરાઈની ઑફિસ હેઠળ જ ગંદકી જમા થશે અને મચ્છરોનો ઉપદ્રવ થશે. લોકોને અને સુધરાઈના કર્મચારીઓને આ ગંદકીને લીધે ઑફિસમાં આવન-જાવનમાં તકલીફ થશે. જોકે આ બધું વિચારવાનો જાડી ચામડીના અધિકારીઓને સમય જ નથી.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK