દાદરમાં ૧૯ વર્ષની કૉલેજિયન પર હુમલાથી ફફડાટ

હેલ્મેટ પહેરીને આવેલા બે બાઇકરો ધારદાર વસ્તુથી જમણા હાથ પર વાર કરીને નાસી ગયાગુરુવારે સવારે દાદરમાં કૉલેજે જઈ રહેલી ૧૯ વર્ષની સ્ટુડન્ટ પર બે બાઇકરોએ હુમલો કરતાં મુંબઈમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ફરીથી ટૉક ઑફ ધ ટાઉન બની ગયો છે. બાઇકસવારોએ હેલ્મેટ પહેરી હોવાથી તેઓ કોણ હતા અને શા માટે આ કૉલેજિયનને નિશાન બનાવી એ પણ અટકળનો વિષય છે. સદ્નસીબે આ યુવતીને ખાસ કોઈ ઈજા થઈ નથી અને પ્રાથમિક સારવાર બાદ હૉસ્પિટલમાંથી ઘરે જવા દેવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ‘દાદરમાં રહેતી અને રૂપારેલ કૉલેજમાં FY BMSની સ્ટુડન્ટ સેમેસ્ટર એક્ઝામ માટે સવારે સાતેક વાગ્યે કૉલેજમાં જઈ રહી હતી ત્યારે પદ્માબાઈ ઠક્કર રોડ પર તેની પાછળ બાઇક પર આવી રહેલા બે જણે જમણા હાથ પર કોઈ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. અજાણ્યા હુમલાખોરોએ હેલ્મેટ પહેરી હોવાથી આ સ્ટુડન્ટ તેમના ચહેરા જોઈ શકી નહોતી અને તેઓ બાઇક હંકારી ગયા હતા.’

ઝોન પાંચના ડેપ્યુટી પોલીસ-કમિશનર ધનંજય કુલકર્ણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પદ્માબાઈ ઠક્કર લેન રૂપારેલ કૉલેજને અડીને જ આવેલી છે અને પાછળથી અચાનક બાઇક પર આવેલા આરોપીઓએ આ સ્ટુડન્ટને કંઈક કહ્યું અને જેવું તેણે સામે જોયું કે તેના પર હુમલો કર્યો હતો.’

જોકે આ નાની ઈજાને અવગણીને હિંમત કરીને તે કૉલેજે ગઈ હતી, પરંતુ એકાદ કલાક બાદ દુખાવો થતાં ગભરામણ અનુભવતાં એક્ઝામિનરને જાણ કરી હતી અને તેને હિન્દુજા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ તેને હૉસ્પિટલમાંથી પણ રજા મળી ગઈ હતી. શિવાજી પાર્ક પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK