PT ટીચરે લિપ-કિસ કરી હોવાની થર્ડ સ્ટાન્ડર્ડની સ્ટુડન્ટની ફરિયાદ

ધરપકડ કર્યા પછી દાદરની સ્કૂલના ટીચરને ૧૫,૦૦૦ રૂપિયાના જામીન પર છોડવામાં આવ્યો : વાલીઓએ માર્યો હોવાથી તેને એક કાને ઓછું સંભળાય છે



ક્રાન્તિ વિભૂતે


કુર્લાના એક PT ટીચર સામે છેડતીની ફરિયાદ બાદ થોડા દિવસ પહેલાં દાદરમાં આવેલી એક સ્કૂલના સ્ર્પોટ્સ ટીચર વિરુદ્ધ પણ છેડતીની ફરિયાદ કરવામાં આવી હતી. થર્ડ સ્ટાન્ડર્ડમાં ભણતી સ્ટુડન્ટને કથિત લિપ-કિસ કરી હોવાની ફરિયાદ સાને ગુરુજી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના સ્ર્પોટ્સ તથા જિમ્નૅસ્ટિક ટીચર વિરુદ્ધ કરવામાં આવતાં તેની સામે દાદર પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતા. જોકે ત્યારે બાદ એ ટીચરને ૧૫,૦૦૦ રૂપિયાના બૉન્ડ પર જામીન પર છોડવામાં આવ્યો હતો. કહેવાય છે કે ઉશ્કેરાયલા વાલીઓએ તેની મારઝૂડ કરી હોવાથી હવે તેને એક કાને ઓછું સંભળાઈ રહ્યું છે. 

બાળકીની માતા કવિતાએ કહ્યું હતું કે ‘સ્કૂલમાંથી ઘરે પાછી આવીને મારી દીકરીએ કંઈ ખાધું નહીં. તેણે કહ્યું કે મને ઠીક નથી લાગતું. મેં તેને કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે મારા સ્ર્પોટ્સ ટીચર ફિરોઝ બેલગાવકરે મને તથા અન્ય ત્રણ સ્ટુડન્ટ્સને સ્કૂલના ઑડિટોરિયમમાં એક્ઝામ આપવા કહ્યું અને એક્ઝામ બાદ બીજાને જવા દીધા, પરંતુ હું જ્યારે એકલી હતી ત્યારે મને લિપ-કિસ કરી તથા આ વાત કોઈને ન કહેવા જણાવ્યું.’

બીજા દિવસે બાળકી હિસ્ટરીની એક્ઝામ આપવા ગઈ. સવારે સાડાનવ વાગ્યે એક્ઝામ પૂરી થતાં પેરન્ટ્સ પોતાની બાળકીને લઈને સ્કૂલના પિન્સિપાલને મળવા માટે જતા હતા ત્યારે ફિરોઝ બેલગાવકરે તેમને રોક્યા અને કહ્યું કે સ્ટુડન્ટ સ્કૂલમાંથી નીકળી ગયા હોવાથી મળવા માટે આ યોગ્ય સમય નથી.

૨૦૦૮માં શરૂ થયેલી પ્રી-પ્રાઇમરી તથા પ્રાઇમરી સ્કૂલે બે વર્ષ પહેલાં ફિરોઝની PT ટીચર તરીકે નિમણૂક કરી હતી. બાદમાં પેરન્ટ્સની માગણીને કારણે જિમ્નૅસ્ટિક તથા અન્ય એક્સ્ટ્રા ઍક્ટિવિટી શીખવાડતો હતો.

મારો પતિ નિદોર્ષ : ફિરોઝની પત્ની

ફિરોઝની પત્નીએ આ બનાવ વિશે કહ્યું હતું કે ‘હું પણ એક પત્ની છું, અન્યાય નહીં થવા દઉં; પરંતુ મારો પતિ નિર્દોષ છે. તેમને સ્કૂલનાં તમામ બાળકો પસંદ કરે છે. જો કોઈ બાળકની પ્રશંસાના ભાગરૂપે તેને કિસ કરે તો એને છેડતી ન કહી શકાય. કોઈ બાળકની પ્રશંસા કરે છે એટલે તેમની વિરુદ્ધ કેસ કરવામાં આવે એ વાત માની શકાય નહીં.’

પોલીસનું શું કહેવું છે?

શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પરશુરામ કાકડે કહ્યું હતું કે ‘બાળકીને લિપ-કિસ કરી હોવાની માતાએ કરેલી ફરિયાદના આધારે ટીચરને પોલીસ-કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. જોકે ટીચરે એવો દાવો કર્યો હતો કે બાળકે એક્ઝામમાં સારો દેખાવ કર્યો હોવાથી પ્રોત્સાહન આપવાના ભાગરૂપે તેણે કપાળે તથા ગાલ પર કિસ કરી હતી. અમે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. તેને ૧૫,૦૦૦ રૂપિયાના જામીન પર છોડવામાં આવ્યો છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK