પોલીસની તૈયાર બીટ-ચોકી સ્ટાફના અભાવને લીધે બંધ

એને વહેલી તકે શરૂ કરવામાં આવે એવી ત્યાંના રહેવાસીઓની માગણી

સાયન હૉસ્પિટલની પાછળની બાજુ સાયન-આગરવાડા રેલવે ય્ગ્-ટુ ક્વૉર્ટર્સ પાસે રોડ-નંબર ૨૪-ખ્ ફૂટપાથ પર વર્ષો પહેલાં સાયન પોલીસની એક બીટ-ચોકી બનાવવામાં આવી હતી, પણ સ્ટાફના અભાવે આખરે એ ચોકી બંધ કરી દેવી પડી છે જે વહેલી તકે ચાલુ કરવામાં આવે એવી ત્યાંના રહેવાસીઓની માગણી છે.

 હાલ એ રોડ-નંબર ૨૪-ખ્, જે ટ્રૅકને પૅરેલલ છે અને ત્યાં પુષ્કળ ઝાડ છે. ત્યાંના રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ગલીમાં આસપાસનાં મકાનોના રહેવાસીઓની પાર્ક કરવામાં આવેલી કાર પાછળ રોજ સાંજે લવબડ્ર્‍સ ગોઠવાઈ જાય છે અને ઘણી વાર રોમૅન્સની હદ વટાવી દેતાં જોવા મળે છે, જેને કારણે બિલ્ડિંગમાં એન્ટર થતા તથા બહાર નીકળતા લોકોએ ક્ષોભમાં મુકાવું પડે છે. બાળકો પર એની ખરાબ અસર પડે છે. બીજું, આ શાંત વિસ્તાર હોવાથી બપોરેના સમયે ચેઇન-સ્નૅચિંગની પણ ઘટનાઓ બને છે. તેથી વર્ષો પહેલાં બંધ કરી દેવામાં આવેલી એ બીટ-ચોકી ફરી શરૂ કરવામાં આવે.’

એ બીટ-ચોકીની આસપાસ પાકી કમ્પાઉન્ડ-વૉલ છે. વળી એની બન્ને બાજુ જવાનોને તહેનાત રાખી શકાય એ માટે તેમના માટે ખુરસીની પણ વ્યવસ્થા છે. બીટ-ચોકીમાં અઢી ફૂટની દીવાલ છે, ત્યાર બાદ જાળી છે અને એની ઉપર પતરાં છે જેથી ચોકીની અંદર બેસીને પણ પોલીસ બન્ને તરફ નજર રાખી શકે એમ છે.

બીટ-ચોકીની અંદરનો ઓરડો પણ ખાસો મોટો છે, જેમાં ટેબલ-ખુરસી અને કબાટની વ્યવસ્થા પણ થઈ શકે એમ છે. આમ જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો બહુ જ મહત્વની પુરવાર થનારી આ ચોકી હાલ ઉપેક્ષિત હોવાથી ખંડેર લાગી રહી  છે.

આ બાબતે સાયન પોલીસ સ્ટેશનમાં પૂછવામાં આવ્યું ત્યારે એક ઑફિસરે નામ ન આપવાની શરતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી પાસે સ્ટાફ ઘણો ઓછો છે. સાયન જૈન સોસાયટીની બીટ-ચોકી પણ સ્ટાફના અભાવે અવારનવાર બંધ રાખવી પડે છે. ત્યાં માટે પણ અમને સ્ટાફ ઓછો પડી રહ્યો છે એટલે રેલવે ક્વૉર્ટર્સ પાસેની આ બીટ-ચોકી પાછી ચાલુ થાય એવું હાલ તો લાગતું નથી. અમને ત્યાંની સમસ્યાની જાણ છે. અમારા બીટ માર્શલ્સ એ વિસ્તારમાં નિયમિત પૅટ્રોલિંગ કરતા રહે છે. ખાસ કરીને સાંજના સમયે કાર પાછળ છુપાઈને પ્રેમાલાપ કરતા પ્રેમીઓને અમે ત્યાંથી હટાવીએ છીએ. એમ છતાં હવે અમે એ વિસ્તારમાં અમારું પૅટ્રોલિંગ વધારીશું.’


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK