લોકલ ટ્રેનમાં સિનિયર સિટિઝનો માટે અલાયદા ડબ્બા ફાળવી શકશે રેલવે?

ગુજરાતી સિનિયર સિટિઝનની અરજીને પગલે હાઈ કોર્ટે માગેલા ઉકેલરૂપે રેલવેએ છ સપ્તાહની અંદર ઍફિડેવિટ રજૂ કરવાની છે


એક ગુજરાતી સિનિયર સિટિઝનની અરજીને પગલે મુંબઈમાં સિનિયર સિટિઝન્સ માટે લોકલ ટ્રેનનો પ્રવાસ સરળ કરવાનો ઉપાય વિચારવાનો આદેશ બૉમ્બે હાઈ કોર્ટે રેલવેને આપ્યો હતો, પરંતુ રેલવે ઑથોરિટીને આ પ્રૉબ્લેમનું કોઈ જ સોલ્યુશન સૂઝતું નથી.

એ. બી. ઠક્કર નામના ગુજરાતી સિનિયર સિટિઝનના સાદા પત્રને જનહિતની અરજીમાં ફેરવી નાખ્યા બાદ  થોડા દિવસ પહેલાં થયેલી સુનાવણીમાં હાઈ કોર્ટે રેલવેને આ પ્રૉબ્લેમનું સોલ્યુશન શોધીને ઍફિડેવિટ ફાઇલ કરવાનું કહ્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે હાલમાં લોકલ ટ્રેનોના ડબ્બામાં સિનિયર સિટિઝનો માટેની અનામત સીટો એટલી અંદરની તરફ છે કે ભીડમાં સિનિયર સિટિઝનો માટે ત્યાં સુધી પહોંચવાનું જ શક્ય નથી, એથી સિનિયર સિટિઝનો માટે મહિલા કે શારીરિક રીતે અક્ષમ પ્રવાસીઓની જેમ અલગથી કોચ ફાળવવા જોઈએ અથવા તો હાલની અનામત સીટોની વ્યવસ્થા બદલવી જોઈએ.

મુંબઈના રેલવે ઑફિસરોએ કહ્યું હતું કે ‘લોકલ ટ્રેનોના કોચિસમાં સિનિયર સિટિઝન્સ માટે અનામત સીટો તો છે જ એમાં વધુ શું કરી શકાય એ અમે પણ જાણતા નથી. સિનિયર સિટિઝન્સ માટે વેગળા કોચની માગણી સંતોષવા માટે તો તમામ ટ્રેનના કોચિસમાં મોટા ફેરફાર કરવા પડે.’

એક અધિકારીએ કહ્યું હતું કે ‘જનરલ કોચિસમાં સિનિયર સિટિઝન્સ માટે અન્ય પ્રવાસીઓએ જગ્યા કરી આપવી જોઈએ. દરેક ટ્રેનના કેટલાક કોચમાં સિનિયર સિટિઝન્સ માટે અનામત સીટો છે જ, પરંતુ લોકો ત્યાં બેસી જાય છે.’

આ માટે પ્રવાસીઓનો સહકાર માગીને સિનિયર સિટિઝનોને તેમની અનામત સીટો સુધી પહોંચવામાં મદદરૂપ થવાની રેલવે અપેક્ષા રાખે છે.

સામાન્ય રીતે લોકો સિનિયર સિટિઝન્સ માટે પોતાની સીટ ખાલી કરી આપે છે, પરંતુ પીક-અવર્સમાં ટ્રેનોમાં પગ મૂકવાની જગ્યા ન હોય ત્યારે આવું શક્ય નથી.

દરમ્યાન સેન્ટ્રલ રેલવે ઑથોરિટીએ દાવો કર્યો હતો કે ‘કોચિસમાં સિનિયર સિટિઝન્સ માટે આવી અરેજમેન્ટ માટે સીટોની વ્યવસ્થા બદલવામાં અને કોચની ડિઝાઇન ફેરવવી હોય તો પાંચેક વર્ષનો સમય લાગી શકે. ૭૨ નવી બૉમ્બાર્ડિયર ટ્રેનો આવવાની છે એમાં સિનિયર સિટિઝન્સ માટે કોઈ વિશેષ વ્યવસ્થા નથી એથી એની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK