કારમાંથી લૅપટૉપ ચોરતી ગૅન્ગને પકડવાની તસદી લેશે પોલીસ?

કારના કાચ તોડીને કે દરવાજાના લૉક તોડીને કારમાંથી લૅપટૉપ જેવી મોંઘી વસ્તુઓ ચોરવાના બનાવો દિન-પ્રતિદિન મુંબઈમાં વધી રહ્યા છે. આવા કેસમાં પોલીસ પણ ફરિયાદી પર બહુ ધ્યાન આપતી નથી અને ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા કરે છે એને કારણે આવી ચોરી કરતી ગૅન્ગ પોલીસના હાથમાં આવતી નથી.


રોહિત પરીખ


આવો જ બનાવ દાદર (વેસ્ટ)ના રેલવે-સ્ટેશન જેવા ભરચક વિસ્તારમાં થોડા દિવસ પહેલાં એક ગુજરાતી મહિલા સાથે બન્યો હતો. દાદરની હિન્દુ કૉલોનીમાં રહેતી ૪૦ વર્ષની જેસલ રાજેશ સાંજના દાદર સ્ટેશન પાસે આવેલી પ્રીતમ હોટેલની સામે કાર પાર્ક કરીને તેના કામે ગઈ હતી. તેની કારમાં ડ્રાઇવર પણ બેઠો હતો. મહિલાને જ્યારે લૅપટૉપની જરૂર પડી ત્યારે તેણે ડ્રાઇવરને લૅપટૉપ લાવવા જણાવ્યું ત્યારે ડ્રાઇવરને ખબર પડી કે કારમાં તેની બાજુની જ સીટ પર રાખવામાં આવેલું લૅપટૉપ ચોરાઈ ગયું છે.  કારમાંથી પાંચ માણસોની ગૅન્ગ કેવી રીતે લૅપટૉપ ચોરી ગઈ હતી એ આખો બનાવ નજીકની એક હોટેલના ઘ્ઘ્વ્સ્ કૅમેરાના ફુટેજમાં કેદ થયો હતો. નવાઈની વાત તો એ હતી કે ડ્રાઇવર કારમાં બેઠો હોવા છતાં લૅપટૉપની ચોરી કેવી રીતે થઈ. જેસલે કરેલી લૅપટૉપ-ચોરીની ફરિયાદ સાથે તેણે મેળવેલાં કૅમેરાનાં ફુટેજ માટુંગા પોલીસ-સ્ટેશનને આપ્યાં હતાં. એ સમયે પોલીસે આ મહિલા અને તેના પરિવારને આશ્વાસન આપ્યું હતું કે તેઓ વહેલી તકે આ ગૅન્ગને પકડી પાડશે. જોકે પોલીસ બનાવ બન્યાને એક મહિના ઉપર સમય વીતી ગયો પણ કારમાંથી લૅપટૉપ ચોરતી ગૅન્ગને પકડી શકી નથી.

આ મહિલાના એક સંબંધીએ માહિતી આપતાં કહ્યું હતું કે ‘નવાઈની વાત એ છે કે અમે જ્યારે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે પહેલાં તો ફરિયાદ લેવા માટે ઠાગાઠૈયા કર્યા હતા. ત્યાર પછી કહ્યું હતું કે આ વિસ્તારમાં આવા કામ કરતી બે-ત્રણ ગૅન્ગ છે, અમને કેવી રીતે ખબર પડે કે કઈ ગૅન્ગ તમારું લૅપટૉપ લઈ ગઈ. આવી વાહિયાત વાતો કર્યા પછી જ્યારે જેસલ તરફથી ઘ્ઘ્વ્સ્ કૅમેરાનાં ફુટેજ પોલીસને આપવામાં આવ્યાં ત્યારે પોલીસની બોલતી બંધ થઈ ગઈ હતી. એ પછી પોલીસે કહ્યું હતું કે અમે ફુટેજ પરથી વહેલી તકે ગૅન્ગને પકડી લઈશું. છતાં આજદિન સુધી પોલીસ લૅપટૉપ ચોરી કરતી ગૅન્ગને પકડી શકી નથી.’ આ બાબતમાં માટુંગા પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમારી તપાસ ચાલુ છે. આ સિવાય હમણાં અમે કંઈ જાહેર કરવા માગતા નથી. ગૅન્ગ પકડાશે એટલે મીડિયાને જાણ કરવામાં આવશે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK