કોઈકના પુણ્ય માટેનો શૉર્ટકટ બીજા માટે ત્રાસ

માટુંગા-ઈસ્ટના તેલંગ રોડ અને શ્રદ્ધાનંદ રોડના જંક્શન પર એક ગાયવાળાએ લિટરલી ગાયોનો તબેલો બનાવી દીધો છે : સુધરાઈ બેઠી-બેઠી તમાશો જુએ છેરોહિત પરીખ

કોઈકનો પુણ્ય મેળવવાનો શૉર્ટકટ અન્યો માટે ક્યારેક ત્રાસનું કારણ બનતો હોય છે. આવી જ હાલત છે માટુંગા-ઈસ્ટના તેલંગ રોડની. આ રોડ અને શ્રદ્ધાનંદ રોડના જંક્શન પર આવેલા ધ બાયરામજી જીજીભોય હોમ ફૉર ચિલ્ડ્રનની બહારની ફુટપાથ પર ન્ શેપમાં એક ગાયવાળાએ તેની ગાયોને દસ-દસ ફૂટના અંતરે બાંધીને ફુટપાથ રોકી લીધી છે, જેને લીધે આ વિસ્તારમાં ગંદકી થાય છે. આમ છતાં ૧૦૦ મીટરના અંતરમાં આવેલી સુધરાઈની ઑફિસના અધિકારીઓ હાથ જોડીને બેઠા છે જેના લીધે આ વિસ્તારના રહેવાસીઓમાં આક્રોશ વ્યાપ્યો છે.તેલંગ રોડ પર બે વર્ષથી એક ગાયવાળાએ નજીકનાં મંદિરોમાં આવતા શ્રદ્ધાળુઓની ભક્તિનો લાભ લેવા આ ફુટપાથ પર એક-બે ગાયો બાંધી હતી.

ગાયોને ઘાસ અને લાડવા ખવડાવવાથી પુણ્ય ઉપાર્જન થાય છે એ શ્રદ્ધાને લીધે આ મંદિરોમાં આવતા ભક્તોએ કોઈ નકારાત્મક વિચારો વગર ઘાસ અને લાડવા ખવડાવવાના શરૂ કર્યા. ગાયવાળાની આવક શરૂ થઈ ગઈ. શ્રદ્ધા વધતી ગઈ. આવક વધતી ગઈ. આ કારણે ગાયવાળો બીજી ગાયો લઈ આવ્યો. શ્રદ્ધાળુઓ તો પુણ્ય ઉપાર્જન કરવા ગાયને ઘાસ ખવડાવતા અને લાડવા ખવડાવતા. ગાયો ખાઈ-ખાઈને ફુટપાથ પર જ ગંદકી કરતી હતી. ગાયવાળાને એનાથી શું મતલબ હતો? તેને તો આવકમાં રસ હતો. થોડા સમય પછી તેણે એ જ જગ્યાએ ગાયોનું તાજું દૂધ વેચવાનું શરૂ કરી દીધું. એમાં પણ તેને રહેવાસીઓનો જ સહકાર મળવા લાગ્યો. કોઈ પણ જાતના ખર્ચા વગર ગાયવાળાની આવક વધવા લાગી હતી. ધીરે-ધીરે તે આ વિસ્તારનો ‘ભાઈ’ બની ગયો. તે કોઈની ફરિયાદની પરવા કર્યા વગર તેના ધીકતા ધંધાને વિકસાવી રહ્યો છે.

એક બાજુ શ્રદ્ધાળુઓની ગૌમાતા પ્રત્યેની ભક્તિ અને બીજી બાજુ ગંદકીથી ત્રાસેલા રહેવાસીઓ છે. સુધરાઈના અધિકારીઓને તો આમ પણ કામ કરવું નથી હોતું. એટલે એ પણ મસ્ત તમાશો માણી રહી છે. એના અધિકારીઓ ગાયો હટાવવા માટે કોઈ જ ઍક્શન લેતા નથી. શ્રદ્ધાળુઓ અન્યોની તકલીફ સમજતા નથી. તેમને તો ફક્ત રસ છે પુણ્ય કમાવામાં. આવી હાલતમાં સ્થાનિક રહેવાસીઓ બે વર્ષથી સુધરાઈ સામે લડતા હોવા છતાં કોઈ જ સકારાત્મક પરિણામ આવતું નથી.

આ માહિતી આપતાં આ વિસ્તારના રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ગેરકાયદેસર રીતે વિકસેલા આ ગાયના ચારાના ધંધાને રોકવો જરૂરી છે. ફુટપાથનો સો ફુટનો વિસ્તાર આ ગાયવાળાએ રોકી દીધો છે એથી ફુટપાથ પર ચાલવાની જ જગ્યા નથી. એમાં ગાયોના ગોબરથી થતી ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. એનાથી રોગચાળો ફેલાઈ રહ્યો છે. સુધરાઈ મલેરિયા અને ડેન્ગી જેવા રોગો સામે મચ્છરોનો ઉપદ્રવ ન થાય એ માટે સતત પ્રચાર અને પ્રસાર કરી રહી છે. લાખો રૂપિયાનો ખર્ચ કરીને લોકો સુધી આ મેસેજ પહોંચાડી રહી છે, પણ એની જ ઑફિસ નજીક મચ્છરોનો ઉપદ્રવ કરી રહેલા ગાયવાળાને રોકવા એ કંઈ જ કરતી નથી, જે નવાઈ પમાડે છે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK