લોકોની પરેશાની સામે કૉન્ટ્રૅક્ટરની દાદાગીરી

માટુંગા રોડના બે રસ્તા પરની ફુટપાથો ખોદીને મૂકી દેતાં રાહદારીઓ હેરાન : કૉન્ટ્રૅક્ટર કહે છે કે સરકારી કામ છે, એના સમયે પૂર્ણ થશેમાટુંગા-વેસ્ટના પી. ઠક્કર રોડ અને લેડી જમશેદજી રોડ પરની ફુટપાથ પર ઘણા વખતથી કેબલ નાખવાનું કામ ચાલી રહ્યું છે. આ કામને લીધે આખી ફુટપાથને ખોદી નાખવામાં આવી છે, જેને લીધે સ્થાનિક રહેવાસીઓને ફુટપાથ પર ચાલવાની જગ્યા ન હોવાથી અવરજવર કરવામાં અસુવિધા થાય છે. આ બાબતમાં અનેક વાર ફરિયાદ કરવા છતાં સુધરાઈના અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી, જેને પરિણામે કૉન્ટ્રૅક્ટરની દાદાગીરી વધી રહી છે. આથી સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો છે.

કૉન્ટ્રૅક્ટર એક ફુટપાથનું કામ ન પતે ત્યાં સુધી બીજી ફુટપાથનું કામ કરી શકે એમ ન હોવા છતાં એકસાથે બન્ને ફુટપાથોને ખોદીને મૂકી દીધી છે. અત્યારે કૉન્ટ્રક્ટર ફક્ત લેડી જમશેદજી રોડની ફુટપાથ પર કામ કરી રહ્યો છે. એ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પી. ઠક્કર માર્ગની ફુટપાથનું કામ બંધ પડ્યું રહેશે, જેનાથી રહેવાસીઓ હવે અકળાયા છે. રહેવાસીઓ અને દુકાનદારો કહે છે કે ‘સુધરાઈના નિયમ પ્રમાણે રોડના કામ હોય કે અન્ય એજન્સીઓના કામ હોય, બધાં જ વરસાદ શરૂ થાય એ પહેલાં પૂરાં થઈ જવા જોઈએ, પરંતુ આ નિયમ કોઈ જ પાળતું નથી. બધા પોતાની મરજી પ્રમાણે કામ કરીને લોકોને ત્રાસ આપતા હોય છે.’એ બાબતે પી. ઠક્કર રોડ પરના એક દુકાનદારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘એક તો સુધરાઈનો કૉન્ટ્રૅક્ટર પોતાની મરજી પ્રમાણે કામ કરે છે.

કામ ધીમી ગતિએ કરી રહ્યો છે. ફુટપાથની વચ્ચોવચ જ ખાડો પાડીને મૂકી દીધો છે, જેને લીધે લોકોને આવવા-જવામાં અનેક સમસ્યા વેઠવી પડે છે. આ સંજોગોમાં લોકો કૉન્ટ્રૅક્ટરને કામની બાબતમાં કોઈ સવાલ પૂછે તો કૉન્ટ્રૅક્ટર સ્પષ્ટ કહી દે છે કે સરકારી કામ છે સમય તો લાગશે જ. અમારા સમયે એ પૂÊરું થઈ જશે. તમને જવાબ આપવા હું બંધાયેલો નથી. આવા જવાબથી લોકો ઉશ્કેરાય જાય છે, પણ તેમની પાસે ઝઘડાનો સમય નથી. એનો કૉન્ટ્રૅક્ટર ગેરફાયદો ઉઠાવે છે.’આ સંબંધમાં મિડ-ડે LOCALને પણ કૉન્ટ્રૅક્ટરે સંતોષજનક જવાબ આપ્યા નહોતા. કામ ક્યારે પૂÊરું થશે એ બાબતમાં મિડ-ડે LOCALને કૉન્ટ્રૅક્ટરે કહ્યું હતું કે ‘તમને સરકારી કામ સાથે શું લાગેવળગે છે. અમે અમારી રીતે કામ કરી રહ્યા છીએ. તમે અમારું કાંઈ કરી શકતા નથી. તમારાથી જે થાય એ કરી લેજો. કામ પૂÊરું થવાનું હશે ત્યારે થશે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK