ટ્રસ્ટીઓ જાગો ને બચાવી લો તમારી પ્રૉપર્ટીને

માટુંગા-ઈસ્ટના તેલંગ રોડ પર બંધ પડેલું એક મકાન ગંદકી અને અસામાજિક તત્વોનો અડ્ડો બનતાં સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ


રોહિત પરીખ

માટુંગા-ઈસ્ટના તેલંગ રોડ પર આવેલા નપુ ગાર્ડનની બાજુમાં એક ટ્રસ્ટનું બંધ પડેલું મકાન ચારેબાજુથી ખુલ્લું હોવાથી એ અસામાજિક તત્વોનો અડ્ડો, પબ્લિક ટૉઇલેટ, કચરો અને ગંદકીથી ભરેલું પરિસર બની ગયું છે; જેને લીધે આસપાસના રહેવાસીઓને ત્રાસ સહન કરવો પડે છે. આ સિવાય આ મકાનના ટ્રસ્ટીઓ વહેલી તકે જાગશે નહીં તો એક દિવસ અસામાજિક તત્વો આ મકાનનો ગેરપ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવા લાગશે એવો સ્થાનિક રહેવાસીઓને ભય લાગી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓની માગ છે કે ટ્રસ્ટીઓએ આ જગ્યાને વહેલી તકે સુરક્ષિત કરી લેવી જોઈએ.આ વિશે માહિતી આપતાં માટુંગાના સામાજિક કાર્યકર અને વેપારી અગ્રણી રવજી ગાલાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ટ્રસ્ટના બંધ પડેલા મકાનના પરિસરનો લોકો પબ્લિક ટૉઇલેટ તરીકે બિન્દાસ ઉપયોગ કરે છે.એ ગંદકી સાફ થતી નથી. ચોમાસામાં દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. રસ્તા પરનો કચરો ઊડીને આ પરિસરમાં ભેગો થવાથી ગંદકીમાં દિન-પ્રતિદિન વધારો થતો જાય છે. મકાનની સારસંભાળ માટે કોઈ સિક્યૉરિટી ન હોવાથી મકાનની કમ્પાઉન્ડ-વૉલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે. આ તત્વો રસ્તા પરથી પસાર થતી યુવતીઓ અને મહિલાઓની ઠઠ્ઠા-મશ્કરી કરતાં હોય છે. ટ્રસ્ટે આ જગ્યા પહેલાં એક બૅન્કને ભાડે આપી હતી જે સમય જતાં બંધ થઈ જતાં હવે મકાન અવાવરું પડ્યું છે.

આ જગ્યા અને એનું પરિસર ખાલી રહેતું હોવાથી એ જગ્યાનો ટેમ્પોવાળા ગેરકાયદે પાર્કિંગ કરવા ઉપયોગ કરે છે. ટેમ્પો પાર્ક થવાને કારણે રાતના સમયે એની ઓથમાં અનેક ગેરકાયદે કામો થઈ રહ્યાં છે. આ બાબતમાં વધુ માહિતી આપતાં રવજી ગાલાએ કહ્યું હતું કે મકાન પર ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓના બૉર્ડ લાગેલાં છે, પણ સંપર્ક નંબર ન હોવાથી અનેક પ્રકારનો ત્રાસ હોવા છતાં કોઈને ફરિયાદ કરી શકાતી નથી. અહીંના રહેવાસીઓને ભય છે કે વષોર્થી બંધ પડેલી પ્રૉપર્ટી અસામાજિક કે લેભાગુ લોકો હડપ કરી ન જાય. આના માટે ટ્રસ્ટીઓએ વહેલાસર જાગીને આ પ્રૉપર્ટીને ચારેબાજુથી બંધ કરવાની તાતી જરૂર છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK