સન્ડે ફ્રેન્ડ્સના ત્વચાદાનથી જીવતદાન અભિયાનને સુંદર પ્રતિસાદ મળ્યો : ગઈ કાલે ડોનરનો સ્કોર હજાર પર પહોંચ્યો

સાયન-માટુંગાના ૮થી ૧૦ વર્ષના બાળકથી લઈને ૮૦ વર્ષના વૃદ્ધ સુધીના કાર્યકરોથી બનેલા સન્ડે ફ્રેન્ડ્સના ત્વચાદાન માટે શરૂ કરવામાં આવેલા જાગરૂકતા અભિયાનને ૮ વર્ષમાં સુંદર પ્રતિસાદ મળ્યો હતો. ગઈ કાલે સવારે આ ગ્રુપને ૧૦૦૦મી ત્વચા દાનમાં મળી હતી.


રોહિત પરીખ


સન્ડે ફ્રેન્ડ્સ નામનું ગ્રુપ ૩૪ વર્ષથી સાયનમાં આર્થિક રીતે નબળા લોકો અને સાયન હૉસ્ટિપલમાં આવતા દર્દીઓના સગાંસંબંધીઓને જમાડવાનું કામ કરી રહ્યું છે. આ ગ્રુપ દ્વારા બ્લડ-ડોનેશન કૅમ્પ અને અનેક એજ્યુકેશનલ ઍક્ટિવિટીઝ કરવામાં આવે છે. મૃત્યુ બાદ ચક્ષુદાનની જેમ ત્વચાદાન કરી દાઝેલા લોકોને નવજીવન આપવાનું ૨૦૦૦ની સાલમાં સાયન હૉસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યું. આ કાર્ય સુંદર હોવા છતાં લોકોમાં ઓછી જાગરૂકતા હોવાને કારણે ૭ વર્ષમાં સાયન હૉસ્પિટલને માંડ ૫૦ સ્કિન ડોનરો મળ્યા હતા.

આ વાતની જ્યારે આ હૉસ્પિટલ સાથે સંકળાયેલા સન્ડે ફ્રેન્ડ્સ ગ્રુપને જાણ થઈ ત્યારે એના કાર્યકરોએ સ્કિન ડોનેશન માટે જાગરૂકતા લાવવાનું કામ પોતાને માથે લઈ લીધું હતું. જાન્યુઆરી ૨૦૦૭ની સાલમાં આ ગ્રુપ દ્વારા ત્વચાદાનથી જીવતદાન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એમાં ગઈ કાલે તેમને ૧૦૦૦મી ત્વચા દાનમાં મળી હતી. દાઝવાના કેસમાં ત્વચા બળી જતાં ઇન્ફેક્શન થવાનો ભય સૌથી વધુ રહે છે. વળી ત્વચા ન હોવાથી શરીરમાં રહેલા પ્રવાહી બહાર નીકળી જાય છે. આવા દરદીઓને ત્વચા લગાડવામાં આવતાં તેને નવી ત્વચા આવવાની શરૂઆત થાય છે. નવી ત્વચા આવતાં લગાડેલી ત્વચા આપોઆપ ખરી પડે છે. આ રીતે દાઝેલા દરદીને નવજીવન મળે છે.

આ માહિતી આપતાં સન્ડે ફ્રેન્ડ્સના સક્રિય કાર્યકર જયશ્રી ગૌરાંગ દામાણીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે શરૂ કરેલા આ અભિયાનને જબરદસ્ત સફળતા મળી છે. લોકોમાં, એમાં પણ મુખ્યત્વે કચ્છી, ગુજરાતી, મારવાડી જૈન સમાજમાં ત્વચાદાન પ્રત્યે ખૂબ જ જાગરૂકતા આવતી જાય છે. રિલેટિવના મૃત્યુ પછી જેમ આપણે ચક્ષુદાન કરી કોઈ અંધને દૃષ્ટિદાન કરીએ છીએ એવી જ રીતે મૃત્યુ પછી ત્વચાદાન કરવાથી કોઈ દાઝેલાને આપણે જીવતદાન આપી શકીએ છીએ. અમને ગઈ કાલે ૧૦૦૦મી ત્વચા દાનમાં મળી હતી. અમારા અભિયાનને સફળ બનાવવામાં ડૉ. માધુરી ગોરે, સાયન હૉસ્પિટલના ડીન, ડૉ. મીરાકુમાર તથા અન્ય ડૉકટરો, નૅશનલ બર્ન સેન્ટર, ત્વચાના દાતાઓ અને તેના પરિવારજનો, મેડિકલ અસોસિએશનો, અનેક સંસ્થાઓ અને જેને અમને તન, મન, ધનથી સહકાર આપ્યો છે એ સૌના ખૂબ જ •ણી છીએ.’

સંપર્ક કરો

વધુ વિગતો માટે સન્ડે ફ્રેન્ડ્સની વેબસાઇટ www.sundayfriends.in અને સન્ડે ફ્રેન્ડ્સના કાર્યકરોના મોબાઇલ નંબર : ૯૮૨૦૦ ૭૫૬૪૫/ ૯૮૨૧૧ ૧૯૪૫૧ / ૮૦૮૦૬ ૬૮૫૮૫ નંબર પર સંપર્ક કરી શકો છો.

ત્વચાદાન માટેની મહત્વની વિગતો

ત્વચાદાન ૧૬-૯૦ વર્ષની વ્યક્તિ કરી શકે છે.

મૃત્યુ બાદ પ-૬ કલાકમાં ત્વચાદાન થઈ શકે છે.

ડૉક્ટરની ટીમ મૃત વ્યક્તિના ઘરે આવી ત્વચાદાન લઈ જાય છે.

બન્ને સાથળમાંથી ઉપલી પાતળી ત્વચા લેવામાં આવે છે.

આ પ્રક્રિયામાં લોહી નીકળતું નથી અને પાટાપિંડીં કરવામાં આવે છે.

કોઈ પ્રકારનો ખર્ચ થતો નથી અને સંપૂર્ણ કાર્યવાહી ૩૦-૪૫ મિનિટમાં પૂરી થાય છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK