માટુંગામાં ટ્રી-ટ્રિમિંગને લીધે ફુટપાથને નુકસાન

ચાતુર્માસ આવતા હોવાથી વહેલામાં વહેલી તકે રિપેર કરવાની સ્થાનિક રહેવાસીઓ અને જૈન સંઘની સુધરાઈ પાસે માગણીરોહિત પરીખ

માટુંગા-ઈસ્ટના નાથાલાલ પારેખ માર્ગ પર આવેલા જીવણલાલ અબજીભાઈ જ્ઞાનમંદિર પાસે ઘણા વખત પહેલાં સુધરાઈ દ્વારા ટ્રી-ટ્રિમિંગ કરવામાં આવ્યું હતું, જેને પરિણામે ત્યાંની ફુટપાથને નુકસાન પહોંચ્યું હતું. આ કારણે રાહદારીઓને ફુટપાથ પર ચાલવામાં તકલીફ પડી રહી છે. આ સમસ્યાનું જલદીથી નિરાકરણ થાય એવી સ્થાનિક રહેવાસીઓએ સુધરાઈ પાસે માગણી

કરી છે. આ સમસ્યાનું નિરાકરણ થવામાં વિલંબ થતાં શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘે લેખિતમાં ફરિયાદ અને વિનંતી કરતો એક પત્ર સુધરાઈને લખ્યો હતો. આમ છતાં આજદિન સુધી સુધરાઈએ ફુટપાથનું રિપેરિંગ કામ હાથ ધર્યું નથી. આ પત્રમાં સંઘે સુધરાઈને કહ્યું હતું કે ‘ટ્રી-ટ્રિમિંગને કારણે અહીંની ફુટપાથને નુકસાન પહોંચ્યું છે, જેનાથી પબ્લિકને અવરજવરમાં પ્રૉબ્લેમ થાય

છે. અમારા ગુરુદેવ આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ ચાતુર્માસ માટે અમારા ઉપાશ્રયમાં ૨૫ જુલાઈથી ૨૭ નવેમ્બર સુધી બિરાજમાન હોવાથી તેમનાં પ્રવચનો સાંભળવા મોટી સંખ્યામાં લોકો આવશે. આથી ફુટપાથનું રિપેરિંગ વહેલી તકે કરવા વિનંતી.’

જોકે આ પત્ર પછી પણ ગઈ કાલ સુધી સુધરાઈએ આ બાબત પર ધ્યાન આપ્યું નથી, જેને લીધે જૈનોમાં નારાજગી પ્રવર્તે છે.આ બાબતની માહિતી આપતાં સ્થાનિક સામાજિક કાર્યકર રવજી ગાલાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સામાન્ય દિવસોમાં તો સુધરાઈ રોડ કે ફુટપાથ રિપેરિંગના કામ વિલંબિત જ કરતી હોય છે, પણ હવે તહેવારોની શરૂઆત થશે એ સમયે સુધરાઈએ આ બાબતને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવી જોઈએ જેથી લોકો તહેવારને સમસ્યા વગર માણી શકે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK