કબૂતરખાનાંઓનું આવી બન્યું છે

કબૂતરોની ચરકને લીધે થયેલા ફેફસાના ઇન્ફેક્શનથી અવસાન પામેલાં બોરીવલીનાં ગુજરાતી મહિલા વિશેના રિપોર્ટ પછી MNSએ માગણી કરી દાદરના ઐતિહાસિક કબૂતરખાનાને બંધ કરવાની

kabutar

દાદરમાં આવેલા કબૂતરખાનાને કારણે સ્થાનિક લોકોને શ્વાસની બીમારી અને તીવ્ર દુર્ગંધની સમસ્યા થતી હોવાનું કારણ આગળ ધરીને એ જલદીમાં જલદી બંધ કરવાની માગણી MNSએ કરી છે. BMCના કમિશનર અજોય મેહતાને MNSએ આ બાબતે પત્ર મોકલ્યો છે. ગ્રેડ-૨ દરજ્જાના આ હેરિટેજ બાંધકામવાળા કબૂતરખાનાને બંધ કરવાની માગણી પત્રમાં કરવામાં આવી છે.

કબૂતરોને કારણે દાદરમાં અનેક રહેવાસીઓ અને એમાંય ખાસ કરીને બાળકો અને સિનિયર સિટિઝનોને શ્વાસની બીમારી થઈ રહી છે. પક્ષીઓની ચરકને કારણે અનેક બિલ્ડિંગોની બારીઓ ખરાબ થઈ હોવાનું પત્રમાં સ્પષ્ટ થયું છે. આ પહેલાં પણ MNSએ કબૂતરખાનું બંધ કરવાની માગણી BMCને કરી હતી, પરંતુ કોઈ નિર્ણય લેવાયો નહોતો. BMCની ચૂંટણીના સમયે શિવસેનાએ દાદરના રાઉળ મેદાનમાં સભા માટે પરવાનગી નકાર્યા બાદ રાજ ઠાકરેએ આ જ કબૂતરખાના પાસે જાહેર સભા કરી હતી.

MNSના નેતા સંદીપ દેશપાંડેએ જણાવ્યું હતું કે ‘કબૂતરની ચરકથી શ્વાસની તકલીફ અને અસ્થમા થયો હોવાની અનેક રહેવાસીઓએ અમને ફરિયાદ કરી છે. BMC એના પર ઉપાય શોધવામાં અસફળ રહી છે એટલે અમે આ ગેરકાયદે કબૂતરખાનું બંધ કરવાની માગણી કમિશનરને કરી છે.’

MNSની આ માગણીનો વિરોધ કરતાં BJPના નેતા રાજ પુરોહિતે કહ્યું હતું કે ‘કબૂતરખાનું ઐતિહાસિક બાંધકામ છે અને કબૂતરોને ચણ આપવા માટે એક સમાજની ધાર્મિક ભાવના જોડાયેલી છે. એથી MNSની માગણીથી અમે જરાય સહમત નથી.’

લંડનનાં અમુક શહેરોમાં કબૂતરોને ચણ નાખવાની પ્રથા છે એવું ઉદાહરણ પણ તેમણે આપ્યું હતું.

દાદરમાં ૧૯૩૩માં પાણીનો ફુવારો બાંધવામાં આવ્યો હતો અને અનેક રહેવાસીઓએ એ પછી ત્યાં કબૂતરોને ચણ નાખવાની શરૂઆત કરી હતી. સમય જતાં આ ફુવારો ચબૂતરામાં બદલાયો હતો.

ખારના કબૂતરખાના સામે પણ વિરોધ

ખાર (વેસ્ટ)માં સ્ટેશનની સામે આવેલા કબૂતરખાના સામે ખાર રેસિડન્ટ્સ અસોસિએશને વાંધો ઉઠાવ્યો છે અને આ કબૂતરખાનાને બીજે ખસેડવાની માગણી કરી છે. અસોસિએશને BMCમાં પણ આ કબૂતરખાના વિશે ફરિયાદ કરી છે. મેમ્બરોનું કહેવું છે કે કબૂતરની ચરકને લીધે આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્ય પર એની વિપરીત અસર પડી છે.

જોકે કબૂતરખાનાની મૅનેજિંગ કમિટીનું કહેવું છે કે ‘૧૯૯૨થી અમે આનું સંચાલન કરીએ છીએ. દિવસમાં ત્રણ વાર એને સાફ કરવામાં આવે છે. આસપાસના ૨૦૦૦થી વધુ લોકો આ ચબૂતરાની તરફેણમાં છે અને તેમની સહીવાળો પત્ર પણ અમારી પાસે છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK