ઓલા કે પછી કિડનૅપ વૅન?

ઓલા કૅબમાં મહિલા પૅસેન્જરની મારપીટ : ઑફિસ સુધી  ઉતારવાનું કહેતાં ડ્રાઇવર અને સહપ્રવાસીએ કર્યું ગેરવર્તન

old

અનુરાગ કાંબળે

વેબ-ઍપબેઝ્ડ કૅબ-સર્વિસના ડ્રાઇવરો દ્વારા પૅસેન્જરો સાથે ગેરવર્તન કે છેડછાડ કરવાના કિસ્સા ભૂતકાળમાં બન્યા છે, પરંતુ ગઈ કાલે બનેલા કિસ્સામાં ઓલા કૅબમાં મહિલા પૅસેન્જરની મારપીટ કરવામાં આવી હતી.

માટુંગામાં રહેતી ૨૯ વર્ષની ઋતુજા રોકડેને દસ મિનિટ સુધી ઓલામાં ગોંધી રાખીને તેની મારપીટ કરવામાં આવી હતી તેમ જ તેને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. ડ્રાઇવર ઉપરાંત ઓલામાં પ્રવાસ કરી રહેલા અન્ય પુરુષ પૅસેન્જરે પણ તેની મારપીટ કરી હતી. આ બધું માત્ર એટલા માટે થયું હતું કારણ કે ઋતુજાના ઘૂંટણમાં દુખાવો હોવાથી તેણે ડ્રાઇવરને કૉમ્પ્લેક્સના ગેટને બદલે ઑફિસ સુધી મૂકી જવાની વિનંતી કરી હતી. આ ઘટના બાદ ગોરેગામની એક મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરતી ઋતુજા રોકડેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે હજી સુધી એનો કોઈ ફાયદો થયો નથી. પોલીસે ફરિયાદ નોંધવામાં પણ ત્રણ કલાક લગાવ્યા હોવાનો આરોપ ઋતુજાએ કર્યો છે.

ગઈ કાલે કોઈ કારણસર ઑફિસની પિક-અપ ફૅસિલિટી ન હોવાને કારણે ઋતુજાએ ઑફિસ જવા માટે ઓલા કૅબ બુક કરી હતી. પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવતાં ઋતુજાએ કહ્યું હતું કે ‘સવારે માઇક્રો કે મિની કૅબ ન હોવાથી મેં શૅરિંગમાં ઓલા બુક કરાવી હતી. હું માટુંગા (ઈસ્ટ)માંથી સવારે ૬.૨૦ વાગ્યે ઓલા કૅબ (MH-૦૨-EH-૩૫૭૨)માં બેસી હતી. થોડી વાર પછી માટુંગા રોડ ખાતે વધુ એક પૅસેન્જર ઓલામાં બેઠો હતો. કાર કૉમ્પ્લેક્સના ગેટ પાસે ઊભી રહી ત્યારે મેં મારા ઘૂંટણમાં દુખાવો હોવાના કારણે ડ્રાઇવરને ઑફિસના બિલ્ડિંગ સુધી મને ડ્રૉપ કરવા કહ્યું હતું જેની ડ્રાઇવરે ના પાડી હતી. ત્યારે જ બીજા પૅસેન્જરે પણ વચ્ચે બોલવાનું શરૂ કર્યું હતું. મેં તેને વચ્ચે ન બોલવા જણાવ્યું તો તેણે મને ગાળો આપી હતી. મેં ડ્રાઇવરને વધુ પૈસા ચૂકવવાની તૈયારી બતાવી હતી, પરંતુ તેણે યુ-ટર્ન લેવો પડશે એવું બહાનું આપીને ના પાડી દીધી હતી. આ બધું ચાલતું હતું ત્યારે પણ બીજો પૅસેન્જર વચ્ચે વચ્ચે બડબડ કરી રહ્યો હતો. ફરી મેં તેને વચ્ચે ન બોલવાનું કહ્યું તો તેણે ડ્રાઇવરને મને પાઠ ભણાવવો જોઈએ એવું કહ્યું હતું. મેં દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો તો ડ્રાઇવરે એ તરત લૉક કરી દીધો હતો. હું જ્યારે પણ દરવાજો ખોલવા જતી તો પુરુષ પૅસેન્જર મારા હાથને મારતો હતો. દસ મિનિટ સુધી તેમણે મને ગાળો આપી અને મારી હતી. આખરે મેં મને જવા દેવાની વિનંતી કરી ત્યારે ડ્રાઇવરે દરવાજો અનલૉક કર્યો હતો. હું બહાર નીકળીને મદદ માગવા માટે સિક્યૉરિટી ગાર્ડ્સ પાસે ગઈ, પરંતુ તેઓ આવ્યા ત્યાં સુધીમાં ડ્રાઇવર જતો રહ્યો હતો.’

કાર્યવાહી ક્યારે?

ઋતુજા આ મામલે ફરિયાદ નોંધાવવા વનરાઈ પોલીસ-સ્ટેશન પહોંચી ત્યારે ડ્યુટી-ઑફિસરોએ તેને નૉન-કૉગ્નિઝેબલ ઑફેન્સ નોંધાવવાની સલાહ આપી હતી. ડ્રાઇવર અને અન્ય પૅસેન્જર વિરુદ્ધ FIR નોંધાવવા માટે ઋતુજાએ ત્રણ કલાક રાહ જોવી પડી હતી. ડ્રાઇવર અને અન્ય પૅસેન્જર વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે એવા ‘મિડ-ડે’એ ઈ-મેઇલ દ્વારા પૂછેલા પ્રશ્નોનો ઓલાએ કોઈ જવાબ આપ્યો નહોતો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK