ATMના શિફ્ટિંગ વખતે રેલવેના ઓવરહેડ વાયરને થયું નુકસાન, બૅન્કને ૮ લાખનો દંડ

રેલવેના પ્રાંગણમાંથી ATMના શિફ્ટિંગ વખતે દાદર રેલવે-સ્ટેશન પર ઓવરહેડ વાયર ડૅમેજ થવાને લીધે સેન્ટ્રલ રેલવેએ પ્રાઇવેટ સેક્ટરની બૅન્કને ૮ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

bank

સૂરજ ઓઝા

દાદર સ્ટેશન પર બુકિંગ ઑફિસ નજીકના ATMના શિફ્ટિંગ માટે યસ બૅન્કે એક ફર્મને કામ સોંપ્યું હતું. ૨૭ જાન્યુઆરીએ જ્યારે ATMના શિફ્ટિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ATM સાથેનો કનેક્ટેડ કેબલ અચાનક રેલવેના પ્લૅટફૉર્મ-નંબર ૪ના ઓવરહેડ વાયર પર પડ્યો હતો. આને કારણે વાયર ફસાઈ ગયો હતો અને પરિણામે પીક-અવર્સમાં ટ્રેનો નિર્ધારિત સમય કરતાં ૧૦ મિનિટ મોડી પડી હતી.

આ બનાવ બાદ રેલવેએ આ કેસની તપાસ માટે કમિટી અપૉઇન્ટ કરી હતી. તપાસમાં ખબર પડી હતી કે ATMના શિફ્ટિંગ વખતે આ બનાવ બનવાને કારણે મજૂરો ત્યાંથી નાસી ગયા હતા. એ પછી યસ બૅન્કના અધિકારીઓનો સંપર્ક કરીને આ બાબતે જાણ કરવામાં આવી હતી.

bank1

યસ બૅન્કના અધિકારીઓએ રેલવેને જાણ કરી હતી કે કંપનીના જનરલ મૅનેજરે પોતાના સ્ટાફને શહેરનાં રેલવે-સ્ટેશનોના પ્રાંગણમાં રહેલાં ATM હટાવીને એ જગ્યા રેલવેને સોંપવાની સૂચના ડિસેમ્બરમાં આપી હતી. ગયા મહિને યસ બૅન્કે ઑથોરાઇઝ્ડ હિટાચી પેમેન્ટ સર્વિસિસને સેન્ટ્રલ રેલવેના સ્ટેશન નજીકનાં ATM હટાવવાની સૂચના આપી હતી. ATM હટાવતી વખતે મજૂરોએ સ્ટેશન-માસ્ટરને આ બાબતે જાણ નહોતી કરી. આ બનાવના સાક્ષીઓએ કહ્યું હતું કે ઓવરહેડ વાયરમાં ધુમાડો નીકળતો હોવાની જાણ થતાં ઘટનાસ્થળ પરના બે મજૂરો ત્યાંથી નાસી ગયા હતા.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK