MNSએ આંદોલન કરીને દાદરની માર્કેટના ટૉઇલેટનું સ્ટ્રક્ચર તોડ્યું

જો સુધરાઈ ટૉઇલેટ ન બનાવે તો બનાવી આપવાની તૈયારી બતાવી



દાદર-વેસ્ટના ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે રોડ પર આવેલી સુધરાઈની સ્વાતંત્ર્યવીર સાવરકર માર્કે‍ટનાં ટૉઇલેટ છ મહિના પહેલાં તોડી નાખવામાં આવ્યાં હતાં. એ ટૉઇલેટની છત અને અંદરની સગવડો તોડી પાડવામાં આવ્યાં હતાં, જ્યારે એનું બાકીનું સ્ટ્રક્ચર જેમનું તેમ હતું, જેને કારણે વેપારીઓ કે લોકો એ વાપરી શકતા નહોતા અને તેમને ભારે અગવડ ભોગવવી પડતી હતી. તેમને ટૉઇલેટ માટે ડિસિલ્વા રોડની કીર્તિકર માર્કે‍ટમાં જવું પડતું હતું. સુધરાઈ દ્વારા એને રિપેર કરવાનાં પગલાં લેવામાં ન આવતાં સોમવારે MNSના કાર્યકરોએ સવારે માર્કે‍ટ સામે દેખાવો કર્યા હતા અને માર્કે‍ટ બંધ કરી દીધી હતી. ત્યાર બાદ તેમના મજૂરો મોકલીને ટૉઇલેટનું એ સ્ટ્રક્ચર તોડી પડાવ્યું હતું.

લોકોને પડતી મુશ્કેલીને કારણે એ ટૉઇલેટ તોડી પાડવામાં આવ્યું છે અને જો સુધરાઈ નવું નહીં બનાવે તો MNS એ બનાવી આપશે એમ કહેતાં દાદરની MNSના શાખાપ્રમુખ અભિષેક ગુપ્તાએ કહ્યું હતું કે ‘૧૯૯૫થી એ ટૉઇલેટ સ્વાતંત્ર્યવીર સાવરકર મંડઈ વ્યાપારી મંડળ દ્વારા મેઇન્ટેઇન કરવામાં આવતું હતું. જોકે એમાં રિપેરિંગની જરૂર હોવાથી સુધરાઈએ મંડળને એ રિપેર કરવા જણાવ્યું હતું અને એ માટે રિપેરિંગની અરજી કરવા કહ્યું હતું. મંડળે રિપેરિંગનું કામ ચાલુ કર્યું હતું અને સુધરાઈને એ માટે અરજી કરી હતી. જોકે વેપારીના એક નવા મંડળે એ બાબતે સુધરાઈમાં વિરોધ કરતાં સુધરાઈએ રિપેરિંગની પરવાનગી આપી નહોતી અને રિપેરિંગનું કામ અટકી પડ્યું હતું. જોકે સુધરાઈ દ્વારા એ પછી કોઈ નક્કર પગલાં ન લેવામાં આવતાં વેપારીઓને અને લોકોને ભારે પરેશાની ભોગવવી પડતી હતી. MNSના દાદરના નગરસેવક સુનીલ જાધવે આ બાબત પ્રભાગ સમિતિમાં પણ રજૂ કરી હતી અને તેમના નગરસેવકના ફન્ડમાંથી એ ટૉઇલેટ બનાવી આપવાની તૈયારી બતાવી હતી. જોકે પ્રભાગ સમિતિએ તેમનો એ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો.’

જોકે લોકોને પડતી હાડમારી જોતાં MNSએ આ બાબતે સોમવારે આંદોલન કરી ટૉઇલેટ તોડી પાડતાં અને જો સુધરાઈ એ ન બનાવી આપે તો બનાવવાની તૈયારી દેખાડતાં હવે સુધરાઈ શું પગલાં લે છે અને કેટલું જલદી લોકોની આ સમસ્યાનો અંત આવે છે એ જોવાનું રસપ્રદ

થઈ રહેશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK