મમ્મીની હત્યા કર્યા પછી પણ દીકરાના ચહેરા પર કોઈ જ રીઍક્શન નથી

પરિવારની દુકાનમાં છેલ્લા ૮ મહિનાથી નહોતો જતો અને ઘરમાં સતત ઝઘડો કરતો રહેતો હતો

tejash


દાદર (વેસ્ટ)ના શિવાજી પાર્ક પાસે આવેલા ગ્રાઉન્ડ પ્લસ બે માળના ગોપાલધામ બિલ્ડિંગમાં પહેલા માળે રહેતા ૩૭ વર્ષના અનમૅરિડ તેજસ સંઘવીએ રવિવારે મોડી રાતે તેની ૬૬ વર્ષની મમ્મી રેખા સંઘવીને કપડાં ધોવાના ધોકા વડે માથામાં માર મારતાં તેમનું મોત થયું હતું. જોકે મમ્મીની હત્યા કર્યા બાદ પણ દીકરાના ચહેરા પર કોઈ રીઍક્શન જોવા મળતું નથી. તે માનસિક રીતે ડિસ્ટર્બ હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે.

રવિવારે મોડી સાંજે તેજસે ઘરમાં કપડાં ધોવાના ધોકાથી મમ્મીના માથા પર હુમલો કરતાં મમ્મીએ બૂમાબૂમ કરી મૂકી હતી. એ વખતે પાડોશીઓને કંઈક થયું હોવાનો અંદાજ આવતાં તેઓ ઘર તરફ દોડ્યા હતા. એ વખતે તેજસે દરવાજો ખોલીને પોતે જ મમ્મી પર હુમલો કર્યો હોવાની કબૂલાત બધા સામે કરી લીધી હતી. પાડોશીઓએ શિવાજી પાર્ક પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે આવીને ડેડ-બૉડીને તાબામાં લઈ પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપી હતી અને તેજસની ધરપકડ કરી હતી. ગઈ કાલે તેજસને કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. કોર્ટે તેને પોલીસ-કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો છે.

ઘરની આસપાસ રહેતા લોકોને પૂછતાં તેમણે કહ્યું હતું કે ‘તેજસ અને તેની મમ્મી વચ્ચે ઘણી વાર ઝઘડો થતો હતો અને ઘણી વખત એનો અવાજ છેક બહાર સુધી આવતો હતો. તેજસ માનસિક રીતે છેલ્લા ઘણા વખતથી અક્ષમ લાગી રહ્યો છે. તે કોઈ સાથે વધુ વાત પણ નથી કરતો. રેખા સંઘવી પૂજાપાઠમાં આગળ પડતાં હોવાથી દેરાસર જતાં હતાં. જોકે આ ઘટનાથી અમે બધા આઘાતમાં મુકાઈ ગયા છીએ. તેમના વિશે વધુ કોઈ જાણકારી નથી.’

પોલીસ શું કહે છે?


દુકાન હોવા છતાં ત્યાં જતો નહોતો એવું જણાવતાં શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અશોક જગદાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેજસ ગ્રૅજ્યુએટ છે અને સારો ભણેલો યુવક છે. દાદર (વેસ્ટ)માં સ્ટેશન પાસે વર્ષોજૂની જવાહર સ્ર્ટોસ નામની તેમના પરિવારની દુકાન છે જેમાં તે જતો હતો. છેલ્લા ૭-૮ મહિનાથી તેણે ત્યાં જવાનું છોડી દીધું હતું. દુકાન તેના કાકા અને તેમનો દીકરો ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા લગભગ ૮ મહિનાથી તે બહુ ડિપ્રેશનમાં રહેવા લાગ્યો હતો અને એની અસર થતાં તે માનસિક રીતે અક્ષમ થઈ ગયો હોય એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘરમાં વૃદ્ધ મમ્મી અને તેની વચ્ચે કોઈ ને કોઈ વાતે ઝઘડા થતા રહેતા હતા. તેજસનાં લગ્ન પણ થતાં નહોતાં. અમુક વખતે છોકરી તેને પસંદ નહોતી કરતી તો અમુક વખત છોકરીને તે પસંદ કરતો નહોતો. એમ કરતાં તેનાં લગ્ન નહોતાં થઈ રહ્યાં. તેજસના પિતા લગભગ ૧૦-૧૫ વર્ષ પહેલાં ગુજરી ગયા હતા અને મા-દીકરો બન્ને રહેતાં હતાં. રેખા સંઘવીને એક જ દીકરો છે અને એ પણ આ રીતે ઘરે હોવાથી તેમને ટેન્શન રહેતું હોવાનું પણ જાણવા મળ્યું છે. ડિપ્રેશનમાં આવ્યા બાદ તેજસ કોઈ સાથે વાત પણ નહોતો કરતો.’

હત્યા કરવા પાછળ કોઈ ખાસ હેતુ નથી એવું ઉમેરતાં પોલીસે કહ્યું હતું કે ‘તેજસ કોઈ ખાસ વાતને લઈને તેની મમ્મી સાથે ઝઘડો કરતો હતો કે પછી કોઈ પ્રૉપર્ટીનો વિવાદ હતો એ વિશે પૂછપરછ કરવામાં આવી હતી પણ એવું અત્યાર સુધી જાણવા નથી મળ્યું. તેનો આવું પગલું ભરવા પાછળ કોઈ હેતુ હોય એવું લાગતું નથી છતાં અમે દરેક ઍન્ગલથી પૂછપરછ કરી રહ્યા છીએ.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK