માટુંગામાં દિવસભર પાર્ક થતાં ટેમ્પો ને ટ્રાન્સપોર્ટનાં વાહનોને કારણે થાય છે ભારે ટ્રાફિક જૅમની સમસ્યા

પોલીસ અને ટ્રાફિક-વિભાગમાં ફરિયાદ કર્યા પછી પણ કોઈ પગલાં લેવામાં આવી રહ્યાં ન હોવાનો લોકોનો આક્ષેપ
માટુંગા-સેન્ટ્રલમાં આવેલા લખમશી નપુ રોડ પર લાલ બહાદુર શાસ્ત્રી શાકભાજીની માર્કેટ આવેલી છે એને કારણે વેજિટેબલ્સ અને ફ્રૂટ્સવાળાઓના ટ્રાન્સપોર્ટના નાના-મોટા ટેમ્પો પાર્ક થાય છે. માલ ઉતાર્યા બાદ પણ ટેમ્પો સવારથી સાંજ સુધી ત્યાં જ રસ્તા પર પાર્ક કરેલા હોવાને કારણે સ્થાનિક લોકોને મુશ્કેલી થાય છે તેમ જ ટ્રાફિકની પણ ભારે સમસ્યા થાય છે. એને લીધે પ્રવાસીઓ અને રાહદારીઓને ચાલવામાં તકલીફ થાય છે. આ બાબતે માટુંગા યંગસ્ટર્સ ક્લબ દ્વારા પોલીસ અને ટ્રાફિક-વિભાગમાં ફરિયાદ કર્યા પછી પણ કોઈ પગલાં લેવામાં આવી રહ્યાં નથી.

આ વિશે માટુંગા યંગસ્ટર્સ ક્લબના પ્રેસિડન્ટ વિનય ગઠાણીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં શાકમાર્કેટ આવેલી હોવાને કારણે સવારે પાંચ-છ વાગ્યે કેળાંની ૧૫થી ૨૦ જેટલી ગાડીઓ એક પછી એક આવે છે. ટેમ્પોમાંથી માલ ખાલી કરીને જવાનો સમય સાડાઆઠ વાગ્યા સુધીનો તેમને આપેલો છે, પરંતુ બપોરે ૧૧થી ૧૨ વાગ્યા સુધી તેઓ ટેમ્પો પાર્ક કરી ત્યાં ને ત્યાં જ પડ્યા રહે છે. એને કારણે ટ્રાફિકની ભારે સમસ્યા થાય છે અને પબ્લિકને પણ ચાલવામાં તકલીફ થાય છે. ટેમ્પોમાંથી કેળાં ઉતારતી વખતે રસ્તા પર પડેલી કેળાંની છાલથી રાહદારીઓ પણ લપસીને પડી જાય છે. એ સિવાય સાંજે આવતા શાકભાજી અને ફ્રૂટ્સના ટેમ્પો બપોરથી રાત સુધી ત્યાં જ પાર્ક કરેલા હોય છે. આ રોડ સ્ટેશનથી એકદમ નજીક આવેલો હોવાથી તેઓ સ્ટેશનના વિસ્તારમાં પણ પોતાના ટેમ્પો પાર્ક કરી દે છે. અમુક ફેરિયાઓએ તો ટેમ્પોને ગોડાઉન બનાવી દીધું છે અને ત્યાં જ બાજુમાં બેસી ધંધો કરે છે. એ સિવાય અહીં અનેક સ્કૂલો અને કૉલેજો આવેલી છે. આથી વિદ્યાર્થીઓની અવરજવર પણ વધુ રહે છે અને પીક-અવર્સના સમયે વિદ્યાર્થીઓ, પ્રાઇવેટ વાહનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટનાં વાહનોને કારણે ખૂબ જ ભીડ થાય છે. આ રોડ માટુંગાનો મુખ્ય અને વાહનોની સતત અવરજવરવાળો રોડ છે.

રસ્તાની બન્ને બાજુ ટ્રાન્સપોર્ટનાં વાહનોના ડબલ પાર્કિંગને કારણે લોકો માટે ચાલવાની જગ્યા રહેતી નથી અને ઘણી વાર ભીડને કારણે પડી જવાથી ઈજા પણ થાય છે.’

અધિકારીઓને કરેલી ફરિયાદ વિશે તેમણે ઉમેર્યું હતું કે ‘માટુંગા પોલીસ અને માટુંગા ટ્રાફિક-વિભાગને આ બાબતે અનેક વાર લેખિતમાં ફરિયાદ કરેલી છે, પરંતુ વર્ષોની આ સમસ્યા પર કોઈ પગલાં લેવામાં આવી રહ્યાં નથી.’


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK