માટુંગાની સ્કૂલની પ્રેરણારૂપ પહેલ

સોલર સિસ્ટમનો ઉપયોગ કરીને વર્ષે ૩૦ લાખ રૂપિયાની બચત કરશે : સરપ્લસ પાવર બેસ્ટને આપવાની પણ તૈયારી કરી

solar

પ્રીતિ ખુમાણ ઠાકુર

માટુંગાના ગુજરાતી કેળવણી મંડળ દ્વારા સંચાલિત ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની શ્રી અમૂલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલયે સ્કૂલની ટેરેસ પર ૩૪૦ પૅનલ્સ બેસાડીને સોલર એનર્જી ઉત્પન્ન કરતી વ્યવસ્થા તૈયાર કરી છે. સોલર સિસ્ટમનો આ રીતે ઉપયોગ કરનારી મુંબઈની કદાચ આ પ્રથમ સ્કૂલ છે. આ સોલર સિસ્ટમ દ્વારા ૧૩૬ કિલોવૉટ સોલર એનર્જી ઉત્પન્ન થશે જેનાથી સ્કૂલનો વર્ષે લગભગ ૩૦ લાખ રૂપિયા સુધીનો ખર્ચ બચી શકે છે. ઉલ્લેખનીય છે કે ખર્ચ બચાવવાની સાથે સ્કૂલના ઉપયોગ બાદ અને વેકેશન દરમ્યાન વધેલો પાવર એટલે કે સરપ્લસ સોલર પાવરનો ઉપયોગ બેસ્ટ કરી શકે એની તૈયારી સુધ્ધાં ચાલી રહી છે.

૧૯૫૦માં સ્થપાયેલી આ સ્કૂલમાં ગુજરાતી કેળવણી મંડળ સાથે રોટરી ક્લબ ઑફ બૉમ્બે અપટાઉન દ્વારા રોટરી ઇન્ટરનૅશનલ ગ્લોબલ ગ્રાન્ટના સહયોગથી આ સોલર પ્રોજેક્ટ અસ્તિવમાં આવ્યો છે. આખા પ્રોજેક્ટ માટે અંદાજે ૮૨ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થયો છે.

સોલર સિસ્ટમના પ્રોજેક્ટ વિશે માહિતી આપતાં ગુજરાતી કેળવણી મંડળના સેક્રેટરી હસમુખભાઈ શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે બધા પર્યાવરણની સુરક્ષિતતા અને ગો ગ્રીનના કન્સેપ્ટમાં માનીએ છીએ એથી અમારી સ્કૂલમાં પર્યાવરણ સંબંધી ઘણી પ્રવૃત્તિઓ થાય છે. આવી પ્રવૃત્તિઓથી પર્યાવરણ સાથે વિદ્યાર્થીઓ અને અન્ય લોકોમાં પણ જાગૃતિ ફેલાય છે. અમારી સ્કૂલમાં લગભગ પાંચ વર્ષ પહેલાં ૩૦ કિલોવૉટની સોલર એનર્જી ઉત્પન્ન થતી હતી, પણ એટલી એનર્જી સ્કૂલને પૂરી નહોતી પડતી એટલે સ્કૂલની ટેરેસ પર પ્લૅટફૉર્મ બનાવીને ૩૪૦ સોલર પૅનલ્સ બેસાડીને ૧૦૬ કિલોવૉટ એનર્જી ઉત્પન્ન થાય એવી વ્યવસ્થા કરી છે. આમ સ્કૂલને હવે ૧૩૬ કિલોવૉટ સોલર એનર્જી મળી શકશે અને એથી અમારી સ્કૂલ મુંબઈની કદાચ પ્રથમ એવી સ્કૂલ છે જે ૧૦૦ ટકા ગ્રીન હશે.’

વીજળીના વાર્ષિક ખર્ચમાં ઘણો ફરક પડશે એમ કહેતાં હસમુખભાઈ કહે છે કે ‘સોલર સિસ્ટમ આવતાં રાતના સમયે જે થોડીઘણી વીજળી ઉપયોગમાં લેવાશે એ જ, બાકી તો દિવસભર સોલર પાવરનો ઉપયોગ થશે. સ્કૂલનું વર્ષે અંદાજે ૩૦ લાખ રૂપિયાથી વધુ વીજળી-બિલ આવે છે, પરંતુ ૧૩૬ કિલોવૉટને કારણે આ ખર્ચ ત્રણથી સવાત્રણ લાખ રૂપિયા સુધીનો થઈ જશે એટલે ઘણો ફરક પડશે. આખા પ્રોજેક્ટ માટે લગભગ ૮૨ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.’

બેસ્ટ માટે આ સિસ્ટમ ઉપયોગી નીવડશે એમ કહેતાં સ્કૂલનાં ઇંગ્લિશનાં ટીચર મીનળ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્કૂલના વપરાશ બાદ વધેલો એટલે કે સરપ્લસ સોલર પાવરનો ઉપયોગ બેસ્ટ કરે એવી પણ અમે તૈયારી કરી છે. વેકેશન, વીકલી ઑફ અને રજાઓના દિવસે સ્કૂલનું કન્ઝમ્પ્શન ઘણું ઓછું હોય છે એથી આવા સમયે બેસ્ટ સરપ્લર પાવરનો ઉપયોગ કરી શકે અને એનાથી ઘણી મદદ મળી રહેશે. સ્કૂલ સાથે અન્ય ઠેકાણે પણ સ્કૂલની સોલર સિસ્ટમનો ઉપયોગ થાય એનો અમે પ્રયાસ કર્યો છે.’

સ્કૂલના ક્લાસરૂમમાં સ્માર્ટબોર્ડની વ્યવસ્થા છે એમ કહેતાં મીનળ મહેતાએ જણાવ્યું કે ‘સોલર સિસ્ટમ સાથે સ્કૂલના ક્લાસરૂમમાં સ્માર્ટબોર્ડની પણ સુવિધા છે. પહેલાં અમુક ક્લાસમાં આ સુવિધા હતી અને હવે દરેક ક્લાસમાં સ્માર્ટબોર્ડની સુવિધા મળી રહી હોવાથી વિદ્યાર્થીઓને ભણાવતી વખતે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કાંઈ સર્ચ કરવું હોય તો એ કરી શકાય. આવાં સ્માર્ટબોર્ડથી વિદ્યાર્થીઓ ખુશ રહે છે અને ટીચરોને ખૂબ મદદ મળી રહે છે. એ ઉપરાંત સ્કૂલમાં ઘણાં વર્ષોથી રેઇન વૉટર હાર્વેસ્ટિંગ પણ થઈ રહ્યું છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK