માટુંગામાં રૅશ ડ્રાઇવિંગની રામાયણ

માટુંગા ગુજરાતી સેવા મંડળ ચોક પાસેનો અતિ મહત્વનો રસ્તો બન્યો ડેન્જરસ: સ્પીડ-બ્રેકર સાથે સિગ્નલની પણ વ્યવસ્થા કરવામાં આવે એવી લોકોની માગણી


મયૂર સચદે

માટુંગા-ઈસ્ટમાં શ્રી માટુંગા ગુજરાતી સેવા મંડળ ચોક જેવા અતિ મહત્વના રસ્તા પર લોકોની અવરજવર વધુ પ્રમાણમાં છે. આમ છતાં આ રસ્તા પરથી બાઇકરો અને વાહનચાલકો બેફામ રૅશ ડ્રાઇવિંગ કરતા હોવાથી અવારનવાર અહીં અકસ્માતના બનાવો બને છે. આ ઉપરાંત આ રસ્તા પર જ સ્કૂલ, મંદિર હોવાથી લોકો અને વિદ્યાર્થીઓની અવરજવર પણ થતી હોય છે, પરંતુ રૅશ ડ્રાઇવિંગને કારણે લોકોએ આ રસ્તા પરથી ચાલવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આથી લોકોએ રસ્તા પર વહેલી તકે સ્પીડ-બ્રેકર બેસાડવાની માગણી કરી છે.

માટુંગા-ઈસ્ટમાં ગુજરાતીઓની વસ્તી ધરાવતા શ્રી માટુંગા ગુજરાતી સેવા મંડળ ચોક પર છેલ્લા ઘણા વખતથી રૅશ ડ્રાઇવિંગને લીધે અકસ્માતો થતાં લોકો ગભરાઈને રસ્તો ક્રૉસ કરે છે.

ચોક પાસે દુકાન ધરાવતા રાવજી ગાલાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ રસ્તો હકીકતમાં ખૂબ જ મહત્વનો છે, કેમ કે પાસે એક સ્કૂલ અને મંદિર આવેલાં છે. અહીં ચાર રસ્તા ભેગા થતા હોવાથી ચારે બાજુથી વાહનોની અવરજવર હોય છે. આમ છતાં અહીં સિગ્નલની વ્યવસ્થા ન હોવાથી તેમ જ ટ્રાફિક-પોલીસ પણ રસ્તા પર ક્યાંય જોવા મળતો ન હોવાથી આ રસ્તો વાહનચાલકો માટે રામરાજ્ય બની ગયો છે. આથી પ્રશાસને આ વિશે ખાસ ધ્યાન આપવું જરૂરી છે, કેમ કે અહીં એક મહિનામાં નાના-મોટા અકસ્માતના કેટલાય બનાવો અમારી નજરે જોયા છે. આથી સ્પીડ-બ્રેકર સાથે સિગ્નલની પણ વ્યવસ્થા કરવામાં આવે તો અમને ઘણી રાહત મળશે.’

આ સમસ્યા વિશે વધુ માહિતી આપતાં ગણેશ શેઠે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ રસ્તાથી માટુંગાના વિવિધ રસ્તા પર તેમ જ હાઇવે બાજુએ જઈ શકાય છે. આથી મોટા ભાગના લોકો આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. ઘરમાં ઉપયોગમાં આવતી ઘણી વસ્તુઓ આ રસ્તા પર મળતી હોવાથી મહિલાઓ પણ અહીંથી પસાર થાય છે. આથી બાઇકરો ફુલ સ્પીડમાં આવીને તેમના ગળામાંથી ચેઇન છીનવીને નાસી જતા હોય છે. પ્રશાસન જલદીમાં જલદી અહીં સ્પીડ-બ્રેકર અને સિગ્નલની વ્યવસ્થા કરી આપે તો આ રસ્તાનો ઉપયોગ વધુ થઈ શકે છે અને અણબનાવ બનતા બંધ થઈ શકે એમ છે.’

ત્યાંથી પસાર થતી એક મહિલાએ મિડ-ડે LOCALને માહિતી આપી હતી કે ‘અહી ટેક્સી-ડ્રાઇવરો આડેધડ ટૅક્સી ચલાવે છે. મારી સાથે તેમ જ અન્ય મહિલાઓ અને લોકો સાથે ઘણી વાર આવા બનાવ બન્યા છે. પ્રેગ્નન્ટ મહિલા અને સિનિયર સિટિઝનો માટે આ રસ્તો અત્યંત જોખમી છે.’


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK