પોલીસ શોધી રહી છે ૩ ઝાડના કિલર્સને

માટુંગામાં કન્સ્ટ્રક્શન માટે જગ્યા કરવા ત્રણ વૃક્ષોમાં ડ્રિલિંગ દ્વારા કાણાં પાડીને એમાં ઝેરી કેમિકલ નાખીને મારી નાખવામાં આવ્યાં છેશિરીષ વક્તાણિયા


માટુંગા, તા. ૧૨

માટુંગા સેન્ટ્રલમાં ભંડારકર રોડ પર એક કન્સ્ટ્રક્શન સાઇટ પાસેનાં ત્રણ વિશાળ વૃક્ષો અચાનક સુકાઈને મરી જતાં એ ફંગસ અટૅકને લીધે મૃત્યુ પામ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું હતું, પણ સ્થાનિક રહેવાસીઓ આ વાતના ઊંડાણમાં જતાં આ વૃક્ષો ફંગસને લીધે નહીં પણ એને આપવામાં આવેલી ઝેરી દવાઓને લીધે મૃત્યુ પામ્યાં હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો. સુધરાઈએ મામલાની ગંભીરતા જોઈને માટુંગા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ભંડારકર રોડ પર આવેલાં ત્રણ વિશાળ વૃક્ષોની ખુલ્લેઆમ કરવામાં આવેલી કતલ બાબતે એન્વાયર્નમેન્ટ ઍક્ટિવિસ્ટ નિખિલ દેસાઈએ કહ્યું હતું કે ‘માટુંગા વિસ્તારમાં ઘણાં વૃક્ષો મૉન્સૂન પહેલાં સુકાઈ ગયાં હતાં. એટલે એમની જાળવણી કરવા અને એનું નિકંદન થતું અટકાવવાના હેતુથી મેં માટુંગા-સાયન વિસ્તારનાં તમામ વૃક્ષોના ફોટોગ્રાફ પાડ્યા હતા અને સુધરાઈની ઑફિસમાં મોકલી દીધા હતા અને એને આધારે સુધરાઈએ આ વિસ્તારમાં આવેલાં વૃક્ષોનું નિરીક્ષણ કર્યું હતું. એ દરમ્યાન તેમને આ ત્રણે વૃક્ષો મરી ગયેલાં જોવા મળ્યાં હતાં એટલું જ નહીં, પણ એમના થડમાં ૩૦-૪૦ જેટલાં હોલ પડેલાં જોવા મળ્યાં  હતાં તેમ જ એની અંદર કેમિકલ પડેલું જોવા મળ્યું હતું. એટલે સુધરાઈના અધિકારીઓએ તરત માટુંગા પોલીસ-સ્ટેશનમાં વૃક્ષોની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી.’

માટુંગા સ્ટેશનની પાસે જ આવેલાં અને ૩૦થી ૪૦ વર્ષ જૂનાં વૃક્ષોની નર્દિયતાથી કરવામાં આવેલી કતલ બાબતે નિખિલ દેસાઈએ કહ્યં હતું કે ‘પીપળા જેવા વિશાળ ઝાડમાં ડ્રિલ મશીનથી લગભગ દોઢ ફૂટનાં હોલ પાડવામાં આવ્યાં હતાં અને પછી એમાં ઝેરી લિક્વિડ કેમિકલ નાખીને એમની ખુલ્લેઆમ કતલ કરી નાખવામાં આવી હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. આજે આ ત્રણ ઝાડને લોકોએ મારી નાખ્યાં છે, કાલે ઊઠીને બીજા ઝાડનું પણ આવી રીતે નિકંદન કાઢી નાખવામાં લોકો અચકાશે નહીં. એટલે જ આ બાબતે સુધરાઈએ તાબડતોબ પોલીસમાં ફરિયાદ કરી એ બહુ સારું થયું છે, પણ હવે ઝાડની આવી દુર્દશા કરનારા જલદી હાથમાં આવે અને તેમને સજા મળે એવો અમારો પ્રયાસ ચાલી રહ્યો છે.’

માટુંગા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાઘવેન્દ્ર ઠાકુરે આ સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વૃક્ષોની કરવામાં આવેલી હત્યા બાબતે સુધરાઈના ઑફિસરો તપાસ કરી રહ્યા છે અને એ સાથે જ અમે અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK