મોબાઈલ ટાવરના વિરોધમાં માંટુંગા રહેવાસીઓ જંગે ચડ્યા

સાયન-માટુંગાના એકત્રીસ બગીચાઓમાં મોબાઇલ ટાવરો બાંધવાની પરવાનગી સુધરાઈએ રિલાયન્સ જિયો ઇન્ફોકૉમને આપી હોવા છતાં પણ સાયનના રહેવાસીઓએ ટાવરોનું બાંધકામ અટકાવી દીધું

matungaરોહિત પરીખ

સુધરાઈએ સાયન ડેપો પાસે આવેલા દળવી ગાર્ડનમાં મોબાઇલ ટાવરનું બાંધકામ કરવાની રિયાલન્સ જિયો ઇન્ફોકૉમ લિમિટેડને પરવાનગી આપતાં ગુરુવારથી ત્યાં મોબાઇલ ટાવરનું બાંધકામ શરૂ થયું છે, પણ આ બાબતની જાણ સાયન વેલ્ફેર ફોરમના કાર્યકરોને થતાં તેઓ દળવી ગાર્ડનમાં પહોંચી ગયા હતા અને ટાવરના બાંધકામનો વિરોધ કરી તેમણે તરત જ આ બાંધકામ રોકાવી દીધું હતું. 

એકત્રીસ બગીચાઓમાં આવશે ટાવરો

સાયન-માટુંગાના ૩૧ બગીચાઓમાં રિયાલન્સ જિયો ઇન્ફોકૉમ લિમિટેડને સુધરાઈએ મોબાઇલ ટાવર બાંધવાની પરવાનગી આપી છે. સોશ્યલ ઍક્ટિવિસ્ટો અને નગરસેવકો એનો વિરોધ કરી રહ્યા છે.

અજબ જવાબ

સ્થાનિક રહેવાસી અને ફોરમના સક્રિય કાર્યકર મનીષ શેઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે કામ શરૂ થતાં જ અમે કંપનીના માણસોને શું કામ થઈ રહ્યું છે એ બાબતની પૃચ્છા કરી હતી. ત્યારે પહેલાં અમને બોરવેલનું કામ કરી રહ્યા છે એવો જવાબ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી અન્ય લોકોને CCTV કૅમેરા બેસાડવાનું કામ ચાલે છે એમ કહેવામાં આવ્યું હતું. છેક સાંજે ખબર પડી કે આ તો મોબાઇલ ટાવરનું રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ લિમિટેડવાળા કામ કરી રહ્યા છે. તરત જ અમે એનો વિરોધ કરીને કામ બંધ કરાવ્યું હતું. આ કામ ગઈ કાલે પણ અમે નહોતું થવા દીધું.’

નો મોબાઈલ ટાવર

સાયન વેલ્ફેર ફોરમના અજય પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને જાણકારી મળ્યા મુજબ ચેમ્બુરમાં પણ બે દિવસ પહેલાં ત્યાંના રહેવાસીઓએ મોબાઇલ ટાવરના બાંધકામનો વિરોધ કર્યો હતો. અમને ઓછા કે વધારે આરોગ્યને હાનિ કરતા મોબાઇલ ટાવરો પબ્લિક-પ્લેસમાં જોઈતા જ નથી. અમારી લડત સતત ચાલુ રહેશે. અમે સાયન-માટુંગામાં મોબાઇલ ટાવરો નહીં જ બેસાડવા દઈએ. ’

F-નૉર્થ વૉર્ડ અંધારામાં

ગઈ કાલે સ્થાનિક રહેવાસીઓએ બાંધકામ રોકાવ્યા બાદ રાજકારણીઓ અને ફોરમના સભ્યોની હાજરીમાં F-નૉર્થનાં અધિકારી અલકા શશાણેએ કહ્યું હતું કે ‘અમારા ચકાલાના સ્પેશ્યલ સેલ તરફથી આ બાંધકામની પરવાનગી આપવામાં આવી છે. એનાથી અમે સાવ જ અજાણ છીએ.’

રિલાયન્સનું શું કહેવું છે?

ગઈ કાલે સાયનના દળવી ગાર્ડનમાં સાયનના રહેવાસીઓના વિરોધ સામે મોબાઇલ ટાવરનો બચાવ કરતાં કંપનીના એક અધિકારીએ કહ્યું હતું કે અમારા ટાવરો ફાઇબર ઑપ્ટિકથી બનતા હોવાથી એમાંથી રેડિયેશન પસાર થશે નહીં જેથી એ આરોગ્ય માટે સહેજ પણ હાનિકારક નથી.’

આ વાતને ત્યાં હાજર રહેલા લોકોએ હસી કાઢી હતી. તેમણે એ અધિકારીને સામે સવાલ પૂછ્યો હતો કે શું આ ટાવરોમાંથી રેડિયેશન પસાર નહીં થાય તો એ લોકોના મોબાઇલ સુધી પહોંચશે કેવી રીતે? આ સવાલ પર અધિકારી ચૂપ થઈ ગયા હતા.   

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK