માટુંગાની લાલ બહાદુર શાસ્ત્રી માર્કેટની બહાર બેસતા ફેરિયાઓની દાદાગીરી

અહીંના દુકાનદારોની વર્ષો જૂની ફરિયાદ પછી પણ સુધરાઈ અને રાજનેતાઓની અસીમ કૃપાને લીધે હૉકર્સ હટવાનું નામ જ લેતા નથી

સુધરાઈના અધિકારીઓની અને રાજનેતાઓની અસીમ કૃપાને લીધે રાહદારીઓને અને દુકાનદારોને અનેક સમસ્યાઓ વેઠવી પડતી હોવા છતાં માટુંગા-ઈસ્ટમાં સ્ટેશન નજીકની ફૂટપાથ પરથી ફેરિયાઓ હટવાનું નામ જ લેતા નથી. સ્થાનિક દુકાનદારો કહે છે કે આના માટે અમે વર્ષોથી સુધરાઈ સામે લડી રહ્યા છીએ.

માટુંગા-ઈસ્ટમાં સ્ટેશનના લખમશી નપુ રોડ પર લાલ બહાદુર શાસ્ત્રી માર્કેટ આવેલી છે. આ માર્કેટની બહાર થાણે તરફના રેલવે બ્રિજથી લઈને દાદર તરફ સુધીની ફૂટપાથ પર ફેરિયાઓ દાદાગીરીથી અડ્ડો જમાવીને બેઠા છે. આ ફેરિયાઓ સામે સ્થાનિક દુકાનદારોની અનેક વર્ષોની ફરિયાદ પછી પણ આ ફેરિયાઓ તેમના સ્થાન પરથી હટવાનું નામ જ લેતા નથી.

આ માહિતી આપતાં માટુંગા વેપારી મંડળના વાઇસ પ્રેસિડન્ટ રવજી ગાલાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારો કોઈના પેટ પર લાત મારવાનો ઇરાદો નથી, પણ અમે અમારી દુકાનોનું અને અમારા ગ્રાહકોનું રક્ષણ ઇચ્છીએ છીએ. શું એ અમારો ગુનો છે? આ ફેરિયાઓ એવી રીતે અડ્ડો જમાવીને બેઠા છે કે તેમને કારણે અમારી દુકાનો ઢંકાઈ જાય છે. અમારા ગ્રાહકો દુકાન પાસે ઊભા રહી શકતા નથી. ફૂટપાથ પર રાહદારીઓ ચાલી શકતા નથી. ચાલવાની જગ્યા ન હોવાથી વારતહેવારે મહિલાઓની છેડતીની ફરિયાદો આવે છે. સુધરાઈને અમે આ સંદર્ભમાં રોજ ફરિયાદો કર્યા પછી એમના તરફથી એકાદ વાર આ ફેરિયાઓને હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે જેને કારણે ફેરિયાઓની દાદાગીરી વધતી જાય છે. આવા સંજોગોમાં દુકાનદારો હતપ્રભ થઈ જાય છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK