ભિખારીઓ ને ચરસીઓથી કોઈ છુટકારો અપાવશે?

માટુંગામાં ભિખારીઓની સંખ્યા વધતી જાય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડના કિંગ્સ સર્કલ બ્રિજ નીચે ભિખારીઓ અને ચરસીઓનો અડ્ડો બની જતાં મહિલાઓને બ્રિજ નીચેથી પસાર થવામાં ગભરાટ થાય છે. સવાર હોય સાંજ કે રાત, ૨૪ કલાક બ્રિજ નીચે પત્તાં રમતા ને નશો કરતા ભિખારીઓથી સ્થાનિક લોકો ખાસ્સા હેરાન-પરેશાન છે.મયૂર સચદે


સુધરાઈ કે પોલીસ આની સામે આંખ આડા કાન કેમ કરે છે એ સમજાતું નથી. ભિખારીઓ ખુલ્લેઆમ બ્રિજ નીચે દારૂ પીતા અને અન્ય નશો કરતા હોવાથી સ્કૂલ જતાં બાળકો પર એની ખરાબ અસર થાય છે. નશો કર્યા બાદ તેઓ ત્યાં જ પડ્યાપાથર્યા રહે છે એટલું જ નહીં, તેઓ ત્યાં જ નાહતા-જમતા હોવાથી ગંદકીમાં વધારો કરે છે.

આ બાબતે માહિતી આપતાં સ્થાનિક વેપારી રવજી ગાલાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહી કિંગ્સ સર્કલ બ્રિજ નીચે ભિખારીઓએ પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. અહીં ખાવું-પીવું-રહેવું અને ગંદકી કરવી એ જ મંત્ર છે આ ભિખારીનો. બ્રિજ નીચેથી પસાર થતાં ગંદી વાસથી માથું દુખી આવે છે. અહીં બ્રિજ નીચેથી પસાર થતી યુવતીઓ-મહિલાઓને તેઓ ખરાબ નજરે જોતા રહેતા હોય છે. સુધરાઈ અહીં કોઈ બ્યુટિફિકેશનનું કામ નથી કરતી. આવું કરે તો આ લોકો અહીંથી હટી શકે. તક મળે તો આ લોકો ચોરી કરવાનું પણ ચૂકતા નથી. અહીં તેઓ ક્રિકેટ પણ બેરોકટોક રમતા હોય છે, જેને કારણે કોઈ વ્યક્તિને બૉલ વાગી જાય તો ગંભીર રીતે જખમી પણ થઈ શકે છે. એ ઉપરાંત આ લોકો જુગાર રમતા પણ અવારનવાર જોવા મળે છે. આ લોકોને જો વહેલી તકે હટાવવામાં નહીં આવે તો તેઓ પોતાનો અડ્ડો જમાવી લેશે. સુધરાઈ કે પોલીસ આની સામે કેમ કોઈ નક્કર પગલાં નથી લેતી એ સમજાતું નથી. તેઓ ચાહે તો આને જડમૂળથી ઉખાડીને ફેંકી શકે છે. લાગે છે કોઈ દુર્ઘટના પછી સુધરાઈ કે પોલીસની આંખ ખૂલશે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK