માટુંગાના ફાઇવ ગાર્ડન્સની જાળવણી માટે સાડાપાંચ કરોડ રૂપિયાનું ફન્ડ મંજૂર

મોડે-મોડે પણ સુધરાઈએ રિનોવેશનના કાર્યને લીલી ઝંડી આપતાં ૮૦ વર્ષ જૂના આ ગાર્ડન્સનું સૌંદર્યકરણ અને સુશોભીકરણ થવાની આશા

દાદર-માટુંગા વચ્ચે આવેલા મંચેરજી જોશી ફાઇવ ગાર્ડન્સને રિનોવેટ કરવા માટે સુધરાઈની સ્ટૅન્ડિંગ કમિટીએ સાડાપાંચ કરોડ રૂપિયાનું ફન્ડ મંજૂર કર્યું હતું. આ ગાર્ડન્સની હાલત ઘણાં વષોર્થી કથળી ગઈ હતી છતાં સુધરાઈ એની જાળવણી કરવામાં નિષ્ફળ જતાં સ્થાનિક રહેવાસીઓએ જૂન મહિનામાં મિડ-ડે LOCALને આપેલી મુલાકાતમાં કહી દીધું હતું કે સુધરાઈ આ ગાર્ડન્સની જાળવણી કરવા અસમર્થ હોય તો કોઈ કંપનીને એની કૅરટેકર બનાવી દેવી જોઈએ. જોકે મોડે-મોડે પણ સુધરાઈએ આ ગાર્ડન્સના રિનોવેશન કાર્યને લીલી ઝંડી આપતાં હવે ૮૦ વર્ષ જૂના આ ગાર્ડનનું સૌંદર્યકરણ અને સુશોભીકરણ થવાની આશા જાગી છે.

આ ગાર્ડન્સની ખાસિયત એ છે કે આ ગાર્ડન્સમાં રોજ દસ હજારથી વધુ લોકો હરવા-ફરવા આવે છે. એ સિવાય અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશના સમાજના લોકો તેમના સમાજની મીટિંગો કરીને તેમની સામાજિક પ્રવૃત્તિઓ પણ વિસ્તારે છે. અહીંના એક ભાગમાં ચિલ્ડ્રન્સ પાર્ક, બીજા ભાગમાં સ્પોર્ટ્સ પાર્ક તો ત્રીજા ભાગમાં જૉગિંગ પાર્ક છે. આમ પાંચ ગાર્ડન્સ એની વિવિધ ખાસિયત ધરાવે છે જેનો આબાલવૃદ્ધો, મહિલાઓ અને યુવાનો સહિયારો લાભ લે છે. એને લીધે એનું ઐતિહાસિક મહત્વ પણ એટલું જ છે.

આ વિસ્તારનાં નગરસેવિકા નયના શેઠ છેલ્લાં દોઢ વર્ષથી આ ગાર્ડન્સના રિનોવેશન માટે સુધરાઈના ૪૫થી વધુ અધિકારીઓ સાથે મીટિંગ કરી ચૂક્યાં હતાં, પરંતુ જુદાં-જુદાં કારણો બતાવી એનું રિનોવેશન-કાર્ય પાછળ ઠેલાઈ રહ્યું હતું. મંચેરજી જોશીના જ વારસ અને મંચેરજી ઈ. જોશી કૉલોની રેસિડન્ટ્સ અસોસિએશનનાં ચૅરપર્સન ઝરીન એન્જિનિયરે આ ગાર્ડન્સના રીડેવલપમેન્ટનો સખત વિરોધ કર્યો હતો. તેમને ડર હતો કે સુધરાઈ દ્વારા આ ગાર્ડન્સનું રીડેવલપમેન્ટ વ્યવસ્થિત નહીં થાય તો આ ‘બી’ ગ્રેડનું હેરિટેજ ગાર્ડન ખેદાનમેદાન થઈ જશે. આ ગાર્ડન્સમાં કૉન્ક્રીટનું બાંધકામ અને ગ્રેનાઇટનો ઉપયોગ થાય એની સામે પણ તેમનો સખત વિરોધ હતો. એને ૬૦૦થી વધુ સ્થાનિક રહેવાસીઓએ સાથ આપ્યો હતો. આથી તેમણે આના માટે સતત મહાનગરપાલિકાના કમિશનર સહિત અનેક લોકો સાથે મીટિંગ કરીને ગાર્ડન્સનો હેરિટેજ ગ્રેડ સચવાઈ રહે એ માટે સંપૂર્ણ પ્રયાસો કર્યા હતા, જેમાં તેમને સફળતા મળી હતી.

સુધરાઈની સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન રાહુલ શેવાળેએ કહ્યું હતું કે ‘રિનોવેશનના પ્રથમ તબક્કામાં પાંચેય ગાર્ડન્સનું ગૅલ્વેનાઇઝ્ડ પાઇપ્સથી ફેન્સિંગ કરવામાં આવશે. ચિલ્ડ્રન્સ પાર્કમાં બાળકો માટે રમતગમતનાં સાધનો મૂકવામાં આવશે. પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. એના સૌંદર્યકરણ માટે વધુ ગ્રીનરી વાવવામાં આવશે. અહીં હરવા-ફરવા અને શરીરની તાજગી મેળવવા આવતા લોકો માટે બેસવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવશે. દરેક ગાર્ડનમાં રખેવાળી માટે ચોકી ઊભી કરવામાં આવશે. આવાં અનેક કાયોર્થી ગાર્ડનનું સુશોભીકરણ અને સૌંદર્યકરણ કરવામાં આવશે.’

નયના શેઠે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ ગાર્ડન્સના સંપૂર્ણ સૌંદર્યકરણ માટે સુધરાઈએ ૧૦ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. એમાં આ ગાર્ડનની બહારની ફૂટપાથો અને રસ્તાઓને પણ સાંકળી લેવામાં આવ્યાં હતાં. જોકે આ વિસ્તારના અમુક રહેવાસીઓના વિરોધને કારણે હાલમાં આ કાર્ય મુલતવી રાખવામાં આવ્યું છે. આ ગાર્ડનમાં બાળકોને ફરવા લઈને આવતા સિનિયર સિટિઝનોને આરામ મળે અને તેમના માથે તડકો કે વરસાદ ન પડે એ રીતની છત્રીવાળી બેઠકો બનાવવાની મારી મહેચ્છા હતી. આમાં પણ રહેવાસીઓનો વિરોધ હતો. હવે જૂની ચર્ચાઓ અને વિવાદોને ભૂલી જઈને મારું એક જ ધ્યેય છે કે આ ગાર્ડન્સ વહેલામાં વહેલી તકે રિનોવેશનના માધ્યમથી એની શાન પાછી લઈ આવે.’

મિડ-ડે LOCALનો આભાર


આ ગાર્ડનમાં તેમના ગ્રુપ સાથે રેગ્યુલર ફરવા આવતા ફામના વાઇસ પ્રેસિડન્ટ અરુણ દોશીએ સુધરાઈના આ નિર્ણયને વધાવતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી સમસ્યાને વાચા આપવા માટે અમે મિડ-ડે LOCALના ખૂબ જ આભારી છે. આ સમસ્યા અનેક વર્તમાનપત્રોમાં રજૂ થઈ, પણ મિડ-ડે LOCALમાં એની પ્રસિદ્ધિના પાંચ જ મહિનામાં એનું સકારાત્મક પરિણામ આવ્યું એનાથી અમે ખૂબ જ પ્રભાવિત થયા છીએ.’

ગ્રાફિક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા રમેશ સોનીએ મિડ-ડે LOCALનો આભાર માનતાં કહ્યું હતું કે ‘આ ગાર્ડન્સમાં સુધરાઈ સુશોભીકરણ અને સોંદર્યકરણનાં કયાં કાર્યો પૂરાં કરશે એ તો સમય જ કહેશે. અમારી પાસે હજી એની પૂરી માહિતી નથી, પણ ગૉડ બ્લેસ મિડ-ડે LOCALએ અમારી સમસ્યાને પ્રસિદ્ધિ આપી અને આ કાર્યની શરૂઆત થઈ. મિડ-ડે LOCAL સદાય આવાં કાર્યો કરતું રહે અને એને હંમેશાં એમાં સફળતા મળે એ જ શુભેચ્છા.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK