માટુંગાના ઈસ્ટ અને વેસ્ટને જોડતો રેલવે બ્રિજ પહોળો કરવાની માગણી પુરજોશમાં

માટુંગા ઈસ્ટ અને વેસ્ટને જોડતા થાણે તરફના રેલવે બ્રિજને પહોળો કરવાની માગ જોર પકડી રહી છે. આ બ્રિજ બાબા આદમના જમાનામાં બંધાયો ત્યારથી એમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યા નથી.

આ રેલવે બ્રિજ જ્યારથી બંધાયો છે ત્યારથી એવો ને એવો જ સાંકડો છે. એ સમયના યાત્રીઓની સરખામણીમાં આજે લાખો યાત્રીઓ રેલવેમાં મુસાફરી કરતા હોવા છતાં રેલવેના સત્તાવાળાઓ એ બ્રિજને પહોળો કરવા માટે કોઈ જ કાર્યવાહી કરતા નથી જેને લીધે આ બ્રિજનો ઉપયોગ કરનારા યાત્રીઓને પારાવાર મુશ્કેલી પડે છે.

વેસ્ટમાંથી ઈસ્ટમાં આવવાના બ્રિજના રસ્તા પર તો સુરક્ષાનાં પણ કોઈ જ પગલાં લેવામાં આવતાં નથી. આ રસ્તો એટલોબધો સાંકડો છે કે ત્યાં જતાં-આવતાં લોકો એકબીજાને અથડાય છે. આનો સૌથી વધુ ત્રાસ મહિલાઓને થાય છે. લેભાગુઓ અને અસામાજિક તkવો આ રસ્તા પર તેમનો હાથ અજમાવવાનું ચૂકતા નથી. રાત પડતાં આ રસ્તો ભેંકાર બની જાય છે. આમ છતાં ત્યાં લાઇટની કોઈ જ સગવડ કરવાની વર્ષો થયાં રેલવેના સત્તાવાળાઓએ તસ્દી લીધી નથી.

ઈસ્ટમાં ઊતરવાના રસ્તાને ફેરિયાઓ રોકીને બેસી ગયા છે જેને લીધે અવરજવરમાં તકલીફ પડતી હોવા છતાં રેલવે પોલીસ ફોર્સ દ્વારા આ ફેરિયાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ ફરિયાદો કરતાં સિનિયર સિટિઝન જનક આશરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી સમસ્યાઓની હજારો ફરિયાદો રેલવેના સત્તાવાળાઓને કરવામાં આવી છે. દિન-પ્રતિદિન આ સમસ્યા વણસી રહી છે. આમ છતાં સત્તાવાળાઓ આંખ અને કાન બંધ કરીને બેસી ગયા છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK