દાદરનો રેડીમેડ ગાર્મેન્ટ્સનો કચ્છી વેપારી મોત સામેનો જંગ હાર્યો

૨૭ જુલાઈએ શરાબી સાથીદારે છરીથી તેને જખમી કર્યો ત્યારથી મનીષ સંગોઈ બેભાન જ હતો : બન્ને વચ્ચે શું ઝઘડો થયો એનું રહસ્ય શોધી રહી છે પોલીસ


manish sangoi
રોહિત પરીખ


દાદર (વેસ્ટ)ના રાનડે રોડ પર આવેલા સરગમ રેડીમેડ ગાર્મેન્ટ્સ સ્ટોરના પાર્ટનર મનીષ સંગોઈ પર તેના જ શરાબી સાથીદારે ૨૭ જુલાઈએ છરીથી પગમાં વાર કર્યો હતો. ગઈ કાલે મોડી રાતના સાડાત્રણ વાગ્યે સાયન હૉસ્પિટલમાં તેનું મૃત્યુ થતાં કચ્છી વીસા ઓસવાળ સમાજમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જોકે આ પ્રકરણ બાબતમાં સમાજ અને દાદરના વેપારીઓ અંધારામાં હોવાથી ગઈ કાલે મનીષના મૃત્યુ પછી વૉટ્સઍપ પર મનીષના ફોટો સાથે એક મેસેજ ફરતો થયો હતો કે મનીષનો અકસ્માત કે હત્યા? શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશને એનો ખુલાસો કરતાં કહ્યું હતું કે આ હત્યાનો કેસ છે અને એમાં એક જણની ધરપકડ પણ કરવામાં આવી હતી.

મૂળ કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન અને કિંગ્સ સર્કલમાં રહેતો ૪૬ વર્ષનો મનીષ ૨૭ જુલાઈએ રાતના એક વાગ્યે લોહીલુહાણ હાલતમાં દાદર (વેસ્ટ)ના પ્લાઝા સિનેમા પાછળ આવેલા સેનાપતિ બાપટ માર્ગ પર પોલીસને મળ્યો હતો. તેના પગમાં કોઈ તીક્ષ્ણ હથિયારથી વાર કરવામાં આવ્યો હતો. પોલીસ તરત જ મનીષને સાયન હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. તેના ગજવામાંથી મળેલા આઇડેન્ટિટી કાર્ડ પરથી પોલીસે મનીષના ઘરે સમાચાર આપ્યા હતા. આ સમયે સમાજમાં એવા સમાચાર પ્રસર્યા હતા કે મનીષ રાતના બાઇક પર આવી રહ્યો હતો ત્યારે તેને લૂંટવાના પ્રયાસમાં કોઈએ તેના પર છરીથી પગમાં વાર કર્યો હતો. મનીષ પરિણીત છે અને તેને એક પુત્ર છે.

આ માહિતી આપતાં દાદરના રેડીમેડ ગાર્મેન્ટ્સના એક કચ્છી વેપારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂળ કચ્છના કપાયા ગામનો મનીષ એક જાણીતા વેપારીની સાથે કપાયા સવોર્દય ગ્રુપનો સક્રિય કાર્યકર હતો. તે સ્વભાવે નિખાલસ અને મળતાવડો હતો. મનીષને બે ભાઈઓ છે. આ પરિવારનું દાદરમાં ખૂબ જ નામ છે. જે દિવસે મનીષ સાથે અણબનાવ બન્યો ત્યારે કોઈને એવો અંદાજ નહોતો કે તેનું મોત થશે.’

આ વેપારીએ તેની સારવારના સંદર્ભમાં કહ્યું હતું કે ‘મનીષ ઘાયલ હાલતમાં મળ્યો ત્યારથી ગઈ કાલ સુધી બેભાન અવસ્થામાં જ હતો એટલે તેના તરફથી પોલીસને મારામારી શું કામ થઈ અને તેના શરાબી સાથીદારે તેના પર છરીથી કેમ વાર કર્યો એ રહસ્યમય બની ગયું છે. જે પગમાં તેના પર છરીથી વાર કરવામાં આવ્યો હતો એ પગમાં ધીરે-ધીરે ઝેર ફેલાઈ ગયું હતું. એને કારણે ચાર દિવસ પહેલાં એ પગ કાપવામાં આવ્યો હતો. ત્યારે એમ લાગતું હતું કે તે બચી જશે, પણ ગઈ કાલે મોડી રાતના તેનું મૃત્યુ થયું હતું.’

આ આખી ઘટનાને સ્પષ્ટ કરતાં શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મનીષની કયાં કારણોસર તેના શરાબી સાથીદાર સાથે મારામારી થઈ એની અમે તપાસ કરી રહ્યા છીએ. તેના સાથીદારે તેના પગ પર છરીથી વાર કર્યો હતો જેને કારણે તેનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણમાં અમે હત્યાનો કેસ નોંધીને એક જણની ધરપકડ કરી છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK