સાયન :પત્નીના અફૅરથી કંટાળીને પતિએ કર્યુ સુસાઈડ, રેકોર્ડ કર્યો વિડીયો

સાયનના પ્રતીક્ષાનગરમાં ૨૭ વર્ષના યુવાને કરી આત્મહત્યા
પ્રતીક્ષાનગરમાં રહેતા ૨૭ વર્ષના જયેશ રાઉતે ગળેફાંસો ખાઈને સુસાઇડ કરતાં પહેલાં પોતાની પત્ની પ્રત્યે પ્રેમ દર્શાવતા બયાનનું મોબાઇલ ફોનમાં વિડિયો-રેકૉર્ડિંગ કર્યું હતું. પોલીસે કહ્યું હતું કે જયેશે તેની બાળપણની ફ્રેન્ડ સાથે લગ્ન તો કર્યા હતાં, પરંતુ આ યુવતી તેની સાથે કામ કરતા અન્ય એક યુવકના પ્રેમમાં ગળાડૂબ હતી. ડ્રાઇવર તરીકે કામ કરતા જયેશે ૧૮ નવેમ્બરે પ્રતીક્ષાનગરમાં પોતાના ઘરે ગળાફાંસો લઈને સુસાઇડ કર્યું હતું.

પોલીસે કહ્યું હતું કે મોતને ગળે લગાવતાં પહેલાં જયેશે પોતાના મોબાઇલ ફોનમાં વિડિયો-રેકૉર્ડિંગ કરીને આ મેસેજ પોતાની પત્નીને મોબાઇલ પર મોકલ્યો હતો.

વડાલા ડિવિઝનના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર રાજદૂત રૂપવતેએ કહ્યું હતું કે ‘આ વિડિયો-મેસેજ જયેશની માનસિક હાલત દર્શાવે છે, જેમાં તેણે તેની પત્નીને દિલના ઊંડાણથી પ્રેમ કરતો હોવાનું કહ્યું હતું. પોતાના બૉયફ્રેન્ડ સાથે રહેવા ચાલી ગયેલી પત્નીને જયેશે અગાઉ પણ લેખિતમાં ચેતવણી આપી હતી કે જો પોતે કોઈ આત્યંતિક પગલું ભરશે તો તે બન્ને એના માટે જવાબદાર હશે.’ 

જયેશની પત્નીનું નામ તૃપ્તિ છે અને તૃપ્તિની માતાએ જ પરાણે જયેશ સાથે તૃપ્તિનાં કોર્ટ-મૅરેજ કરાવ્યાં હતાં. જોકે લગ્ન બાદ તરત જ આ કપલ વચ્ચે વિવાદો શરૂ થઈ ગયા હતા, કેમ કે તૃપ્તિ માહિમમાં કારના એક શોરૂમમાં કામે જતી હતી જ્યાં સેલ્સ-મૅનેજર રાજેશ વર્મા સાથે તેનું અફેર હતું. લગ્ન બાદ પણ તૃપ્તિ વિરારમાં રહેતા તેના પ્રેમીને ત્યાં રાત રોકાવા જતી રહેતી. આ જાણ્યા બાદ બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડા થતા અને આખરે ૧૮ નવેમ્બરે તૃપ્તિ જયેશનું ઘર છોડીને રાજેશને ત્યાં રહેવા ચાલી ગઈ હતી. રાજેશ તૃપ્તિને લેવા માટે જયેશના ઘર સુધી આવ્યો હતો અને તેનાથી જયેશને લાગી આવ્યું હતું. તેણે વિડિયો-મેસેજ કરીને ગળાફાંસો લીધો હતો.

પોલીસે કહ્યું હતું કે ‘આ કેસમાં તૃપ્તિ અને રાજેશની ધરપકડ કરવામાં આવી હતી, કેમ કે પુરાવામાં તેમને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. જયેશના મોત બાદ તેના અંતિમ સંસ્કાર વખતે તૃપ્તિ હાજર રહી નહોતી. ત્યાર બાદ જયેશના પરિવારે આ ફરિયાદ નોંધાવી હતી.’


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK