આગને કારણે ૭૦ પરિવારો બેઘર

એટલું જ નહીં, દાદરના ૧૦૦ વર્ષ જૂના બિલ્ડિંગની ઇલેક્ટ્રિક મીટરની કૅબિનમાં શૉર્ટ સર્કિટ થવાને લીધે લાગેલી આગમાં કરોડો રૂપિયાનું પણ નુકસાન

dadar fire

જાએં તો જાએં કહા : ગુરુવારની મધરાત પછી રાત્રે અઢી વાગ્યે દાદર ( વેસ્ટ )માં સ્ટેશનની સામે આવેલા અહમદ ઉમર બિલ્ડિંગમાં લાગેલી આગ અને એેને લીધે બેઘર થઈને ફૂટપાથ પર બેસેલા લોકો. તસ્વીરો - અતુલ કાંબળે અને રોહિત પરીખ


રોહિત પરીખ

દાદર (વેસ્ટ)ના રેલવે-સ્ટેશનની સામે જ આવેલા ૧૦૦ વર્ષથી વધુ જૂના અહમદ ઉમર બિલ્ડિંગમાં શુક્રવારની સવાર પડે એ પહેલાં રાતના અઢી વાગ્યે ઇલેક્ટ્રિક મીટરની કૅબિનમાં શૉર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી. એમાં આ બિલ્ડિંગના બીજા માળે રહેતા અને બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ફુટવેઅરની દુકાન ધરાવતા કચ્છી વીસા ઓસવાળ જૈન પરાગ વોરાનું ઘર બળીને ખાખ થઈ ગયું હતું. તેમની બધી જ ઘરવખરી બળીને યુઝલેસ થઈ ગઈ હતી. આટલું ઓછું હોય એમ તેમની ફુટવેઅરની દુકાનને પણ આગને લીધે નુકસાન થયું હતું. એને પરિણામે ૮૫ વર્ષથી વધુ સમયનું બાપદાદાનું ઘર છોડીને તેમના પરિવારે સમાજ તરફથી દાદરમાં મળેલી રૂમમાં સ્થળાંતર કરવું પડ્યું હતું.

પરિવારો બેઘર

પરાગ વોરા જેવી જ હાલત તેમની નીચે પહેલા માળે રહેતા બે મહારાષ્ટ્રીયન પરિવારોની પણ થઈ હતી. આ આગમાં ધુમાડાને લીધે ગૂંગળામણ થવાથી એક સિનિયર સિટિઝન દંપતી સુનીલ મોહિલે અને તેમનાં પત્ની શીલાને પરેલની KEM હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં છે. આ ઘટનામાં સદ્ભાગ્યે કોઈ જ જાનહાનિ થઈ નહોતી, પરંતુ આ બિલ્ડિંગમાં રહેતા ૭૦ પરિવારો એક જ રાતમાં બેઘર બની ગયા હતા. આ ઉપરાંત આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર આવેલી ૩૦ દુકાનોને પણ નુકસાન થયું હતું.

આગ કેવી રીતે લાગી?

ગુરુવારે રાતના અઢી વાગ્યે ગ્રાઉન્ડ પ્લસ ચાર માળના અહમદ બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિક મીટરની કૅબિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ બિલ્ડિંગમાં ગુજરાતી અને મહારાષ્ટ્રીયનોની ત્રીજી પેઢી સાથે રહે છે. બિલ્ડિંગમાંથી બહાર જવાનો એક જ માર્ગ હતો જ્યાં આગ ફાટી નીકળી હતી. એને લીધે આ બિલ્ડિંગના રહેવાસીઓને નજર સામે મોત તરી આવ્યું હતું. આગને કાબૂમાં લેતાં ફાયર-બ્રિગેડને ચાર કલાક લાગ્યા હતા. એની સંપૂર્ણ કાર્યવાહી ગઈ કાલે સાંજના સાડાપાંચ વાગ્યે પૂરી થઈ હતી.

કેવી રીતે નીચે ઊતર્યા?

૪૫ વર્ષના પરાગ વોરા અને તેમનાં ૫૪ વર્ષનાં પાડોશી મીના ગોખલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે રાતના અચાનક અમારા બિલ્ડિંગમાં ચીસાચીસ થવા લાગી હતી. જે રીતે આગ ફેલાઈ રહી હતી એની જ્વાળા જોઈને અમને બચવાનો કોઈ જ માર્ગ દેખાતો નહોતો. અમારા બીજા માળના રહેવાસીઓએ રોડ તરફના છાપરા પરથી ઊતરવાનું શરૂ કરી દીધું હતું. સૌથી પહેલાં મહિલાઓ, સિનિયર સિટિઝનો અને ત્યાર બાદ અન્ય લોકો બીજા માળેથી કૂદીને ઊતરવા તૈયાર થઈ ગયાં હતાં. અમે બીજા માળથી એક-એક જણ નીચે દુકાનના છાપરા પર આંખ બંધ કરીને કોઈ અન્ય ચીજની પરવા કર્યા વગર કૂદીને ઊતર્યા હતા. ત્યાં રાહદારીઓએ અમારા માટે નાનકડી સીડીની વ્યવસ્થા રાખી હતી. મુંબઈગરાના જિગર અને માનવતાનો આ બેમિસાલ નમૂનો હતો. અમે નીચે ઊતર્યા ત્યારે નીચે રોડ પર ઊભેલા રાહદારીઓએ અમારા માટે પીવાના પાણીની બૉટલોની વ્યવસ્થા પર કરી હતી.’

પરાગ વોરાએ કુદરતનો આભાર માનતાં કહ્યું હતું કે ‘અમે જાન બચાવવા માટે જે રીતે કૂદ્યા હતા એ અમારા માટે એક બાજુ આગ અને બીજી બાજુ કૂવા જેવું હતું. અહીં પણ મોત હતું અને નીચે પડીએ તો હાથ-પગ ખોખરા થવાની પૂરેપૂરી શક્યતા હતી. જોકે જે રીતે જાનપહેચાન વગર અમને રાહદારીઓએ મદદ કરી છે એ ખરેખર તારીફ કરવા જેવી હતી. અમે બધું જ ગુમાવ્યું, પણ જીવ બચ્યો હોય તો રાહદારીઓને લીધે જ.’

બધું જ ગુમાવ્યું

પોતે ગુમાવેલી ઘરવખરીની જાણકારી આપતાં પરાગ વોરાએ રડમસ અવાજે કહ્યું હતું કે ‘મારા ઘર સુધી આગ ફેલાતાં ઘર પૂરેપૂÊરું બળી ગયું હતું. ફક્ત લોખંડના કબાટો બચ્યા છે. બીજું કંઈ જ બચ્યું નથી. એમાં રહેલાં સોનાનાં ઘરેણાં ગઠ્ઠો થઈ ગયાં છે. અંદાજે ૧૫ લાખ રૂપિયાનું મને નુકસાન થયું છે. આ સિવાય મારી દુકાનમાં પણ આગની અસર થતાં એને પણ અંદાજે પાંચ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. હું, મારા ૭૦ વર્ષના પિતા શશિકાંતભાઈ, મારી પત્ની જયશ્રી અને મારી ૧૫ વર્ષની પુત્રી અનિશા રોડ પર આવી ગયાં છીએ. અમારા સમાજે અમને રહેવા માટે રાતોરાત વ્યવસ્થા કરીને એક રૂમ આપી છે એટલે અમે ત્યાં સ્થળાંતર કરી ગયા છીએ. આમ છતાં મારી બળી ગયેલી રૂમ પર નજર જાય છે તો આંખો ભરાઈ આવે છે. અમારી અત્યારે ત્રીજી પેઢી આ બિલ્ડિંગમાં રહે છે.’

ટ્રાન્ઝિટ કૅમ્પ તો નહીં જ

આ જ બિલ્ડિંગમાંથી રાતના લુંગી અને ગંજીમાં નીચે ઊતરી આવેલા પ્લાસ્ટિકની થેલીના વેપારી અને જોઈ ન શકતા ૬૦ વર્ષના લલિત સંઘવીએ ગુરુવાર રાતની પરિસ્થિતિનો ચિતાર આપતાં કહ્યું હતું કે ‘મારા બાપદાદાના સમયથી અમે આ બિલ્ડિંગમાં રહીએ છીએ. અમે ક્યારેય આવી મુસીબત જોઈ નથી. ગુરુવારે ધડાકા સાથે ફેલાયેલી આગથી અમે હચમચી ગયા હતા. મારા જેવી વ્યક્તિ માટે દોડીને નીચે ઊતરવું મુશ્કેલ હતું. મારો પરિવાર અમારા બિલ્ડિંગની પાછળ રહેલા એક સાંકડા રસ્તાથી બચીને બહાર આવી ગયો હતો. અમને ગઈ કાલે બપોરે સાડાબાર વાગ્યા સુધી અમારા ઘરની હાલત કેવી છે એ જોવા જવાની પણ પરવાનગી નહોતી. ત્યાર પછી અમે બધા અમારા ઘરમાં જઈને કપડાં લઈને નીચે ઊતર્યા હતા. અત્યારે તો અમે અમારા રિલેટિવને ત્યાં આશરો લીધો છે.’

અમે કોઈ પણ સંજોગોમાં સરકારી ટ્રાન્ઝિટ કૅમ્પમાં રહેવા નહીં જઈએ એવો મક્કમતાપૂર્વક નર્ધિાર જણાવતાં લલિત સંઘવી અને તેમની સાથે હાજર રહેલા રહેવાસીઓએ કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારથી અનેક સામાજિક કાર્યકરો અને રાજનેતાઓ અમને મળવા આવી ગયા. પ્રશાસનના અધિકારીઓએ અમને કહ્યું છે કે આજે સ્ટ્રક્ચરલ એન્જિનિયરો બિલ્ડિંગ રહેવાને લાયક છે કે નહીં એની તપાસ કરશે. તેમનો રિપોર્ટ આવ્યા પછી અમને અમારા ઘરમાં રહેવા મળશે. કોઈ કારણોસર આ રિપોર્ટ નેગેટિવ આવશે તો પણ અમે ટ્રાન્ઝિટ કૅમ્પમાં રહેવા નહીં જ જઈએ એ અમારો નર્ણિય પાકો છે.’

ચોથા માળ સુધી જ્વાળા

આગની ગંભીરતાની માહિતી આપતાં આ જ બિલ્ડિંગના ચોથા માળે રહેતા વિપુલ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ સાથે ધડાકા શરૂ થઈ ગયા હતા. ભોંયતળિયેથી શરૂ થયેલી આગની જ્વાળાઓ છેક ચોથા માળ સુધી આવી હતી. અમારા બધાના હાંજા ગગડી ગયા હતા. જે દાદરા ઊતરીને અમારે અમને અને અમારા પરિવારોને બચાવવાના હતા એ જ દાદરા આગની ઝપટમાં આવી ગયા હતા. રસ્તો સાંકડો હતો. અમારી પાસે ફાયર-બ્રિગેડ સિવાય કોઈનો જ આશરો નહોતો. બધા લોકો પહેરેલાં કપડે નીચે ઊતરી ગયા હતા. અમને ફાયર-બ્રિગેડે ક્રેનનો ઉપયોગ કરીને ઉતાર્યા હતા.’

પરિવારોમાં સંપ

બિલ્ડિંગના રહેવાસીઓના સંપની વાત કરતાં બિલ્ડિંગના રહેવાસી કમલેશ ગાલાએ કહ્યું હતું કે ‘અમે બિલ્ડિંગમાં કોઈ સાર્વજનિક મહોત્સવ નથી કરતા, પણ એકબીજાના પ્રસંગોમાં અને તહેવારોમાં સાથે રહીએ છીએ. આગ લાગ્યા પછી અમારું બચાવકાર્ય પણ આ જ પદ્ધતિથી કરવામાં આવ્યું હતું જેમાં નાના-મોટા સૌ એક થઈને રહ્યા હતા. ફાયર-બ્રિગેડને આવતાં વાર લાગી હતી. એ દરમ્યાન પહેલા અને બીજા માળના રહેવાસીઓએ તેમનો જીવ બચાવવાનો માર્ગ એકઠા થઈને લીધો હતો.’

ફુટપાથ પર બેસી રહ્યા


ગઈ કાલે બપોરે દોઢ વાગ્યે ‘મિડ-ડે’એ ઘટનાસ્થળની મુલાકાત લીધી ત્યારે અનેક પરિવારો બાજુના બિલ્ડિંગની ફુટપાથ પર તેમનો સામાન લઈને બેઠા હતા. ૧૦૦ વર્ષ જૂની દરબાર હોટેલના ૭૦ વર્ષના માલિક મોહન પ્રભુ હતાશ વદને તેમનાં પત્ની અને પરિવાર સાથે આવ્યા હતા. તેઓ તેમની આગમાં બળીને ખાખ થઈ ગયેલી હોટેલ જોઈને ગુમસૂમ થઈ ગયા હતા. આ ઘટના વિશે તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. તેમના પુત્રે કહ્યું હતું કે અત્યારે અમે એ પરિસ્થિતિમાં નથી કે તમને કંઈ જ કહી શકીએ.

બિલ્ડિંગના પહેલા માળે રહેતાં શોભા શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારું ઘર બચી ગયું છે, ફક્ત ઍર-કન્ડિશનરને નુકસાન થયું છે. જ્યાં સુધી અમને અમારા ઘરમાં પાછા જવા ન મળે ત્યાં સુધી અત્યારે તો અમારે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી પડશે.’ શોભા શર્માનો પરિવાર નાની બાળકી સાથે સ્થળાંતર કરવા માટે તેમનો સામાન લઈને ફુટપાથ પર બેસી ગયો હતો. બેઘર થયાનો રંજ તેમના ચહેરા પર વર્તાતો હતો.

મકાનમાલિક ક્યાં?

આટલી મોટી ઘટના પછી પણ આ બિલ્ડિંગનો માલિક દેખાયો નહોતો એ બાબતની ફરિયાદ કરતાં સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે મકાનમાલિકના બે કર્મચારીઓએ થોડી વાર માટે દર્શન આપ્યાં હતાં. તેઓ આવીને ચૂપચાપ જતા રહ્યા હતા. એ સિવાય અમને મકાનમાલિક તરફથી કોઈ મળવા આવ્યું નહોતું.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK