હવે દાદર સ્ટેશને મળશે ભુલભુલામણીમાંથીમુક્તિ, લગાવાશે મૅપ

સેન્ટ્રલ રેલવે વિવિધ સ્ટેશનોની બહાર હવે નકશા લગાવશે જેથી નવાસવા લોકોને એ વિસ્તારની જાણકારી મળી રહે


શશાંક રાવ

ટ્રેનમાંથી ઊતર્યા બાદ પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચવા માગતા અનેક પૅસેન્જરોને હેલ્પ મળી રહે એ માટે સેન્ટ્રલ રેલવે હવે બેસ્ટના સહકાર સાથે મુંબઈનાં રેલવે-સ્ટેશનોની બહાર એ વિસ્તારનો નકશો લગાડવાનું વિચારી રહી છે અને ટૂંક સમયમાં જ દાદર સ્ટેશનની બહાર આવો મૅપ જોવા મળશે.

ઘણી વાર બહારગામથી આવનારા લોકો સ્ટેશનની બહાર આવ્યા બાદ ભીડ અને ટ્રાફિક જોઈને અટવાઈ જાય છે અને તેમને તેમના ડેસ્ટિનેશન સુધી પહોંચવામાં તકલીફ પડતી હોય છે. ઈવન અનેક મુંબઈગરાઓ પણ રોજિંદી અવરજવર ન હોય એવા કોઈ સ્ટેશન પર ઊતરે છે ત્યારે તેઓ પણ તેમના ડેસ્ટિનેશન સુધી પહોંચવામાં દ્વિધા અનુભવતા હોય છે અને ઍડ્રેસ પૂછતા જોવા મળતા હોય છે. એથી આ સામાન્ય માણસોને મદદરૂપ થાય એવી માહિતી મૅપમાં દર્શાવવામાં આવશે જેમાં સ્ટેશનની આસપાસ ક્યાં બસ-સ્ટૉપ છે, ક્યાંથી ટૅક્સી-રિક્ષા મળશે, નજીકનાં ધર્મસ્થાનો, હૉસ્પિટલ, રેસ્ટોરાં, કૉફીશૉપ, મહkવની ઇમારતો વગેરે દર્શાવવામાં આવશે.  

આ નકશામાં એ ખાસ દર્શવાવામાં આવશે કે તમે અત્યારે અહીં ઊભા છો, જેને કારણે સામાન્ય જનતાને હેલ્પ રહે. આ આર્કિટેક્ચરલ નકશામાં ઉપરોક્ત સ્થાનો પૉઇન્ટ ટુ પૉઇન્ટ દર્શાવવામાં આવશે. અત્યારે રેલવે અને બેસ્ટના અધિકારીઓ એ વિચારી રહ્યા છે કે સ્ટેશનના ક્યા એન્ટ્રી/એક્ઝિટ પૉઇન્ટ પર આ નકશા લગાવવામાં આવે જેથી એનો મહત્તમ લાભ લોકો લઈ શકે.

દાદરમાં જે નકશો લગાવવામાં આવશે એમાં સ્વામિનારાયણ મંદિર, સ્ટેશનની બહાર નીકળતા વિવિધ રસ્તાઓ, પ્રી-પેઇડ ટૅક્સી-સ્ટૅન્ડ, હોટેલો અને રેસ્ટોરાંનાં નામ, સ્ટેટ ટ્રાન્સપોર્ટનું બસ-સ્ટૅન્ડ અને બેસ્ટના બસ-સ્ટૉપની ઝીણવટભરી ડીટેલ હોઈ શકે.

સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ મૅનેજર મુકેશ નિગમે આ બાબતે કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ અત્યારે પ્રાથમિક તબક્કામાં છે. અમે એની વિવિધ શક્યતાઓ ચકાસી રહ્યા છીએ.’

રેલવેની ઇચ્છા છે કે સ્પષ્ટ અને સુંદર ગ્રાફિક્સ સાથે તૈયાર થનારા આ નકશાને કૉર્પોરેટ સેક્ટરની કંપનીઓ સ્પૉન્સર કરે. એ સિવાય તેઓ દાદર સ્ટેશન પર નકશો તરત જ લોકોની નજરે ચડે એ માટે પ્રૉપર લોકેશન શોધી રહ્યા છે.

જોકે એ નકશો લગાડ્યા પછી લોકોને આવવા-જવામાં મુશ્કેલી ન પડે એ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે.

ભાંડુપ, મુલુંડ અને થાણે સ્ટેશનો પર કૉમ્પ્લૅક્સનો પ્લાન

નવી મુંબઈમાં જે રીતે રેલવે-સ્ટેશનો પર કૉમ્પ્લેક્સ બનાવવામાં આવ્યાં છે એ જ રીતે સેન્ટ્રલ રેલવેનાં ત્રણ સ્ટેશનો ભાંડુપ, મુલુંડ અને થાણે પર કૉમ્પ્લેક્સ બનાવવાનું વિચારવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ કઈ રીતે બની શકે અને કમર્શિયલી કેટલો સફળ થઈ શકે છે એના અભ્યાસ માટે બે પૅનલ બનાવી છે. મુંબઈ સુધરાઈના કમિશનર અને થાણે સુધરાઈના કમિશનરના વડપણ હેઠળ બનાવવામાં આવેલી પૅનલ સ્ટેશનની ઉપરનો અને એની આસપાસના વિસ્તારનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એ વિશે અભ્યાસ કરશે.

મુંબઈમાં રેલવે માટેનું ફન્ડ ઊભું કરવા માટે મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશને રેલવે-સ્ટેશનોની આસપાસની જગ્યા કમર્શિયલ રીતે ડેવલપ કરવાનું સૂચન કર્યું હતું. એનું કહેવું હતું કે આ પ્રોજેક્ટને કારણે જે ફન્ડ ઊભું થશે એનો ત્રીજો ભાગ મુંબઈની સબર્બન રેલવેના ડેવલપમેન્ટ માટે વાપરી શકાશે, જ્યારે એની બાકીની રકમ રેલવે મુંબઈ અને રાજ્યની રેલવે સર્વિસિસને બહેતર બનાવવા વાપરી શકશે. મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશને આ માટે રેલવે લૅન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ સાઇન કર્યું છે અને પ્રાઇઝવૉટરહાઉસકૂપર કંપનીની કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સ્ટેશન પાસે બસ -સ્ટૉપ

દરેક નવા મેટ્રો સ્ટેશનની નજીક બસ-લૅન્ડિંગ એરિયા બનાવવાનો બેસ્ટે MMRDA સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે જેથી મુસાફરો થોડા જ સમયમાં ટ્રેનમાંથી ઊતરીને બસમાં જઈ શકે. આ પ્રસ્તાવ મેટ્રો ૩ પ્રોજેક્ટ માટે મૂકવામાં આવ્યો છે. જોકે વર્સોવા-ઘાટકોપર વચ્ચેના સ્ટ્રેચમાં આ શક્ય જ નથી. મેટ્રો સ્ટેશનની નજીક ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે બસ, રિક્ષા, ટૅક્સી, કૂલ કૅબ તથા ફ્લીટ ટૅક્સી માટે જગ્યા બનાવવામાં આવશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK