પર્યુષણ પર્વના પહેલા જ દિવસે માંસ-મટનની દુકાનો ખુલ્લી રહેતાં દાદરના જૈનોનો પોલીસ-સ્ટેશને મોરચો

જૈનોના ધાર્મિક તહેવાર પર્યુષણના પહેલા અને છેલ્લા (સંવત્સરી) દિવસે દેવનાર કતલખાનાંની સાથોસાથ માંસ-મટનનું વેચાણ કરતી દુકાનો પણ બંધ રહેશે એવી સરકારે ખાતરી આપી હોવા છતાં આ પર્વના પહેલા દિવસે મુંબઈ અને ઉપનગરોમાં માંસ-મટનની ૫૦ ટકાથી વધુ દુકાનો ખુલ્લી હતી એવું અહિંસા સંઘના કાર્યકરોની તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું.


રોહિત પરીખ

એથી પોલીસ અને સુધરાઈમાં ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ લાંબા સમય સુધી તેમના તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં એથી દાદરના જૈનો ઉશ્કેરાયા હતા અને સોમવારે સવારે ૧૧ વાગ્યે દાદર પોલીસ-સ્ટેશને મોરચો લઈ ગયા હતા. ત્યાંના પોલીસ-અધિકારીઓએ ઉપરી અધિકારીઓ સાથે વાત કરીને માંસ-મટનની દુકાનો બંધ કરાવવાની શરૂઆત કરતાં વાતાવરણ શાંત બની ગયું હતું.

આ મોરચામાં અહિંસા સંઘના સ્થાપક અને દાદર-વેસ્ટના જ્ઞાનમંદિર સંઘમાં ચાતુર્માસ માટે બિરાજમાન મુનિ વિરાગસાગર તથા મુનિ વિનમ્રસાગર મહારાજસાહેબ સહિત દાદરના આરાધના ભુવન, રાજમેરુધર જૈન સંઘ, શાંતિનાથ-કબૂતરખાના જૈન સંઘ અને સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બર્સ તથા ઉપાશ્રયોમાં બિરાજમાન અનેક સાધુ-સંતો અને ૮૦૦થી વધુ શ્રાવક-શ્રાવિકાઓ જોડાયાં હતાં.

સરકારની જાહેરાત શું છે?

મહારાષ્ટ્ર સરકારના ૨૦૦૪ની સાલના ગવર્નમેન્ટ રેઝોલ્યુશન અને મુંબઈ મહાનગરપાલિકાના સક્યુર્લર મુજબ પર્યુષણ પર્વનો પહેલો અને છેલ્લો દિવસ મળીને કુલ ચાર દિવસ દેવનાર કતલખાનું બંધ રહેશે તથા પહેલા અને છેલ્લા દિવસે તો માંસ-મટન વેચતી દુકાનો પણ બંધ રહેશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK