લેડી દબંગ સુજાતા પાટીલ

કાયદો બધા માટે સરખો છે, એનાથી પણ વધુ મહત્વનો છે માણસનો જાન : આ ઉદ્દેશ સાથે રોજના સેંકડો પોલીસો સહિત બાઇકરો અને કારચાલકો પર પગલાં લેતાં અચકાતાં નથી
સાયન અને માટુંગા વિસ્તારોનાં ટ્રાફિક-પોલીસ નિરીક્ષક સુજાતા પાટીલને ત્યાંના રહેવાસીઓ લેડી દબંગ તરીકે ઓળખે છે. એનું કારણ એ છે કે સુજાતા પાટીલ કોઈની પણ શેહશરમ રાખ્યા વગર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે ઍક્શન લે છે. ગયા અઠવાડિયે સુજાતા પાટીલે રેલવે સેફ્ટી કમિશનરની કાર પર લાગેલી બ્લૅક ફિલ્મ રસ્તા પર જ કાઢી નાખી હતી એટલું જ નહીં; રોજના ૧૫૦થી ૨૦૦ બાઇકરો, કાર-ડ્રાઇવરો સામે તેઓ પગલાં લે છે જેમાં પોલીસોનો પણ સમાવેશ થાય છે.

સુજાતા પાટીલે તેમની કડક કાર્યવાહી વિશે વાત કરતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મારી કડક ઍક્શન પાછળ મારો ઇરાદો માનવતાનો છે. બાઇકર પોલીસ હોય તો તેના જાનની કિંમત સામાન્ય માનવી જેટલી જ હોય છે. તેઓ હેલ્મેટ પર્હેયા વગર બાઇક ચલાવે તો કાયદાકીય રીતે ગુનો જ છે. કારમાં સેફ્ટી બેલ્ટ ન પહેરવાથી કાર-ડ્રાઇવર પોતાનો જાન જાખમમાં નાખે છે. હેલ્મેટ હોય કે સેફ્ટી બેલ્ટ પહેરવાની વાત, બન્ને માનવીનો જાન બચાવવા માટે જ છે. તમે કદાચ કાયદાની પરવા ન કરો, પણ તમારા જાનની તો પરવા કરો. મારો આ જ ઉદ્દેશ છે, કારણ કે મેં નાનકડી ભૂૂલને લીધે જાન ગુમાવતા લોકોના અનેક કિસ્સાઓ જોયા છે.’

સેવ સાયન સંસ્થાના સ્થાપક અજય પંડ્યા સુજાતા પાટીલની કામગીરી બાબતમાં બોલતાં કહે છે કે ‘અમારા વિસ્તાર સાયન સર્કલ પાસે ગેરકાયદેસર પાર્કિંગ મોટી સમસ્યા છે. સુજાતા પાટીલે અમારી ફરિયાદ સાંભળ્યા પછી સપાટો બોલાવી દીધો છે.

તેમનું ધ્યેય સુરક્ષાનું છે. અમે તેમની ઍક્શન જોયેલી છે. એટલે અમે તેમને લેડી દબંગ તરીકે ઓળખીએ છીએ.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK