નકામાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ફેંકતા નહીં

કોઈ ફ્રૉડસ્ટરના હાથમાં જઈને તમને મોટો ફટકો પણ આપી શકે છે

nasir ansariસાગર રાજપૂત

જૂનાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો ન હોય તો એનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે એ બાબત દાદર પોલીસે ધરપકડ કરેલા ૩૮ વર્ષના નાસિર અન્સારીની પૂછપરછમાં પ્રકાશમાં આવી છે. ભાયખલાના ટ્રાન્ઝિટ કૅમ્પમાં પત્ની અને બે બાળકો સાથે રહેતો નાસિર ભાગીદારીમાં જૂતાંનું કારખાનું ચલાવીને સારી આવક મેળવતો હોવા છતાં તે ગેરકાયદે ધંધામાં સક્રિય હતો.

નાસિર અગાઉ ડ્રગ-પેડલર હતો અને ચાર મહિના પહેલાં ડ્રગ્સનો સોદો કરતી વખતે તે ક્રેડિટ કાર્ડ રૅકેટના માસ્ટરમાઇન્ડને મળ્યો હતો. તેણે નાસિરને ઇનઍક્ટિવ ક્રેડિટ કાર્ડ દ્વારા કેવી રીતે મબલક નાણાં કમાવવાં એની રીતરસમ શીખવી હતી.

કેવી રીતે કરતો હતો ફોર્જરી?

દાદર પોલીસ-સ્ટેશનનાં અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર દીપાલી કુલકર્ણીએ આરોપીની કાર્યપદ્ધતિ વિશે જણાવ્યું હતું કે ‘નાસિર મુંબઈના વિવિધ વિસ્તારોના કચરો વીણનારાઓ તથા પાકીટમારો સાથે સંપર્ક જાળવીને તેમને ૫૦થી ૧૦૦ રૂપિયા ચૂકવીને ડિસ્કાર્ડેડ તથા ઇનઍક્ટિવ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ મેળવતો હતો. આ રૅકેટના માસ્ટરમાઇન્ડે તેને એક ડેટા રીડર મશીન અને લૅપટૉપ આપ્યાં હતાં અને એ કાર્ડને ફરી ઍક્ટિવેટ કરતાં શીખવ્યું હતું. નાસિર લૅપટૉપ ડેટા રીડર મશીન સાથે જોડતો હતો અને ડમી કાર્ડ સ્વાઇપ કરીને એમાંનો જૂનો ડેટા કાઢી નાખતો હતો. ત્યાર પછી કોઈ અન્ય યુઝરના ક્રેડિટ કાર્ડની વિગતો એમાં અપલોડ કરતો હતો. રૅકેટના માસ્ટરમાઇન્ડે તેને યુઝર્સનું લિસ્ટ અને ATM  PIN સહિત તેમના કાર્ડની ડીટેલ આપી હતી. અજાણ્યા લોકોનાં કાર્ડની ગુપ્ત વિગતો રૅકેટિયર્સને કઈ રીતે મળે છે એની માહિતી હજી સુધી પોલીસને નથી મળી. નાસિર મધરાતે એ કાર્ડ વડે ATMમાંથી કે અન્ય રીતે પૈસા કઢાવવાની પ્રવૃત્તિ કરતો હતો એથી રાતે કાર્ડધારકને મોબાઇલ ફોન પર નોટિફિકેશન મળે તો તે સમયસર એ બાબતની ફરિયાદ કરી ન શકે અને બૅન્કને પણ એ પ્રત્યે પગલાં લેવાની અનુકૂળતા ન રહે. તે દરરોજ એક વખત મધરાતે ૧૨ વાગ્યાની થોડી મિનિટ પહેલાં અને ૧૦-૧૫ મિનિટ રાહ જોઈને ૧૨ વાગ્યા પછી ફરી પાછો એ કાર્ડ વડે રૂપિયા કાઢતો હતો. એથી બીજું ટ્રાન્ઝૅક્શન બીજા દિવસમાં ગણાઈ જતું હતું. નાસિરે છેલ્લા ચાર મહિનામાં આવાં બે ડઝનથી વધુ ટ્રાન્ઝૅક્શન કર્યા હતાં. દરેક ટ્રાન્ઝૅક્શનમાં તે લગભગ એક લાખ રૂપિયા ઉપાડતો હતો.’

રંગેહાથ ધરપકડ કેવી રીતે?

નાસિર અન્સારી પર ગયા ડિસેમ્બર મહિનાથી પોલીસની નિગરાની હતી. તેણે ચેમ્બુરના એક ATMમાંથી ડેબિટ કાર્ડ વડે રૂપિયા કાઢ્યા પછી સ્થાનિક પોલીસે તેની CCTV ઇમેજિસ શહેરનાં ખ્વ્પ્ને મોકલી હતી. નાસિર અન્સારી ગયા સોમવારે રાતે ૧૧.૫૫ વાગ્યે પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિર સામેના IDBI બૅન્કના ATMમાં ઘૂસ્યો ત્યારે સિક્યૉરિટી ગાર્ડે તેને તરત ઓળખી લીધો હતો. કારણ કે અગાઉ ચેમ્બુર પોલીસે મોકલેલી તસવીરો તેના ધ્યાનમાં હતી. સિક્યૉરિટી ગાર્ડે તરત ૧૦૦ નંબર પર પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરતાં દાદર પોલીસની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી જઈને નાસિરને ઝડપી લીધો હતો.  એ બીજી વખત ૧૨.૦૫ વાગ્યે અંદર જઇને નીકળ્યો ત્યારે પોલીસના હાથોમાં ઝડપાઇ ગયો હતો.

દાદર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘નાસિરની ધરપકડ સાવ નાની સફળતા છે. તેની પાસેથી અપેક્ષિત માહિતી દ્વારા આંતરરાષ્ટ્રીય કૌભાંડ પકડાવાની શક્યતા છે. જે માસ્ટરમાઇન્ડે આ કરામત નાસિરને શીખવી છે તેને માટે નાસિરની માફક ઘણા લોકો કામ કરતા હશે. એવાં કામ કરનારાઓ માત્ર મુંબઈમાં નહીં, ભારતભરમાં હોવાની શક્યતા છે. તેમના નેટવર્કમાં બધો સંદેશવ્યવહાર ઇન્ટરનેટ કૉલિંગ દ્વારા થાય છે. કૌભાંડનો માસ્ટરમાઇન્ડ ક્યાં છે એ હમણાં કહેવું મુશ્કેલ છે. નાસિરની વિગતવાર પૂછપરછ કર્યા પછી સિન્ડિકેટનો વ્યાપ અને નેટવર્કિંગની માહિતી મળશે. આ કેસમાં સામેલ કચરો વીણનારા અને પાકીટમારોની પણ વિગતો મેળવવી પડશે.’


chori atm( 1 ) નાસિર અન્સારી ૫૦થી ૧૦૦ રૂપિયામાં કચરો વીણનારા અને પાકીટમારો પાસેથી ડિસ્કાર્ડેડ અને ચોરાયેલાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ ખરીદતો હતો.

( 2 ) રૅકેટનો માસ્ટરમાઇન્ડ તેને ATM PIN અને અકાઉન્ટની વિગતો સહિત અન્ય ક્રેડિટ કાર્ડનું નવું ડેટા-લિસ્ટ મોકલતો હતો.

( 3 ) નાસિરને લૅપટૉપ અને ડેટા રીડર મશીન આપવામાં આવ્યાં હતાં. એમાં સ્વાઇપ કરીને તે જૂનાં ડીઍક્ટિવેટેડ કાર્ડની અગાઉની વિગતો કાઢી નાખતો હતો અને પછી પેલા માસ્ટરમાઇન્ડે આપેલી નવી વિગતો કાર્ડ ફરી સ્વાઇપ કરીને એમાં અપલોડ કરતો હતો.

( 4 ) નાસિર અન્સારી હંમેશની માફક રાતે દાદરના ATMમાંથી ૧૧.૫૫ વાગ્યે એક વખત જઈને પહેલાં ૫૦,૦૦૦ રૂપિયા અને પછી રાતે ૧૨.૦૫ વાગ્યે ફરી પાછો જઈને ૫૦,૦૦૦ રૂપિયા કઢાવતો હતો.

( 5 ) એ વખતે ATMના સિક્યૉરિટી ગાર્ડે ચેમ્બુર પોલીસે મોકલેલી CCTV ઇમેજિસને આધારે તેને ઓળખી લઈને પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો.

( 6 ) દાદર પોલીસે સમયસર પહોંચીને જ્યારે તે બીજી વખત પૈસા કઢાવીને બહાર નીકળ્યો ત્યારે તેને ઝડપી લીધો હતો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK